સ્પાર્ક - વત્સલ વસાણી
ગુરુ નાયકના જીવનનનો આ એક પ્રસંગ છે.
એક નગરમાં એમનું આગમન થયું. આસપાસથી અને નગરભરમાંથી અનેક લોકો એમના દર્શન માટે ઉમટેલા. શહેરના શ્રેષ્ઠિઓ અને ધનપતિઓ પણ ત્યાં હાજર હતા. દુનિચંદ નામનો એક ધનપતિ કે જે નગરશેઠ પણ હતો તેણે ચરણસ્પર્શ કરી ગુરુનાનક સામે એક પ્રસ્તાવ મુક્યો કે આવતીકાલનું ભોજન આપ મારે ત્યાં લેજો. અનેક લોકોની હાજરીમાં આ રીતે નિમંત્રણ આપવાથી મનોમન એ ફૂલાતો હતો. પણ બીજી જ ક્ષણે ‘એ ફુગ્ગાની’ બધી જ હવા જાણે કે નીકળી ગઈ. ગુરુ નાનકે ખૂબ સમજાવીને એને કહ્યું કે એમને ત્યાં પોતે ભોજન માટે આવી નહીં શકે.

દુનિચંદના માથા પર જાણે કે વીજળી પડી હોય એમ આંચકો ખાઈને એ ઊભો થઈ ગયો. એણે ફરીવાર આગ્રાહ સાથે કહ્યું કે આપશ્રીએ આવવું જ પડશે. પોતાની પૂરી પ્રતિષ્ઠા દાવ પર લાગી હ ોય એમ એણે એક બીજો પાસો પણ ફેંકી જોયો. ‘આપ જેટલું કહેશો તેટલું દાન આપવા હું તૈયાર છું પણ આ રીતે આપ ના ન પડો. દુનિચંદ માટે તો આ વટનો સવાલ હતો. કેમ કે પોતાના જેવા ધનવાન અને તેમાંય વળી નગરશેઠને કોઈ ના પાડે એ એનાથી સહેવાતું નહતું.’
નાનકે કહ્યું હતું નાહક મને તારે ત્યાં બોલાવે છે. દાન સાથે તો તારે ત્યાં આવવા ન આવવાનો કોઈ સંબંધ જ નથી પણ મને બોલાવીને નાહક તું દુખી થઈશ. આમ છતાં તારું દિલ દુભાતું હોય તો હું આવીશ.

બીજે દિવસે નિયત સમયે પોતે ભોજન માટે પહોંચી ગયા. થાળ- પીરસવામાં આવ્યો. દુનિચંદને થયું કે હાશ, આજે મારી આબરુ બચી ગઈ. પંગતમાં પાંચ બીજા શ્રેષ્ઠીઓ પણ બેઠા હતાં. એ બધાની વચ્ચે માથું ઊંચકીને એ જોવા ગયો ત્યાં તો નાનકે થાળમાંથી ઘી નિતરતી રોટલી હાથમાં લીધી અને મૂઠી વચ્ચે જોરથી ભીંસી. બધાના આશ્ચર્ય વચ્ચે રોટલીમાંથી લોહીના ટીંપાં પડ્યા ! વાયુવેગે આ વાત આસપાસના લોકો સુધી પણ પ્રસરી ગઈ. અને સેંકડો લોકો એકઠા થઈ ગયા. બધાને ખબર તો હતી કે નાનકે આવવાની ના પાડેલી અને નગરશેઠના અતિઆગ્રહ પછી જ જમવા માટે આવ્યા છે.

લોકો ગુરુ નાનકને નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે આ શું છે ? શા માટે રોટલીમાંથી લોહીના ટીપાં પડ્યા ?...તો નાનકે કહ્યું - ‘એટલે તો હું ભોજન માટે આવવાની ના પાડતો હતો. અહીં જે અનેક જાતની વાનગી પીરસવામાં આવી છે તે શુદ્ધ નથી. અસંખ્ય લોકોનું શોષણ કર્યા પછી જ આ હવેલી ઊભી થઈ હશે અને અનેક લોકોનું લોહી ચૂસ્યા પછી જ આટલી સાહ્યબી એકઠી થઈ હશે. દુનિચંદના ધન પાછળ એક લોકોની ‘હાય’ છૂપાયેલી હું જોઈ શકું છું. લોકોનું શોષણ કરીને એકઠા કરેલા ધનને હું દાનમાં લઈને શું કરું ? અને લોકોના લોહીમાંથી બનેલી રોટલી કે વાનગી ખાઈને હું તૃપ્ત પણ શી રીતે થઈ શકું ?’

તથા કથિત સંતો આનાથી તદ્દન જુદા હોય છે. સામાન્ય માણસો તો એમની નજરમાં પણ નથી આવતા. પોતે જે સંપ્રદાયના હોય તે સંપ્રદાયનો સૌથી વઘુ ધનપતિ કે પ્રતિષ્ઠિત માણસ જ એમનો યજમાન બની શકે છે. જેમનો પોતાનો બંગલો હોય, ઘરમાં પૂરતી સગવડ હોય, બંગલામાં બે ત્રણ લેઈટેસ્ટ કાર હોય, સમાજમાં જેમનું આગવું સ્થાન અને માન હોય એવી વ્યક્તિ જ આઘુનિક સંતોને પોતાને ત્યાં ઉતરવાનું નિમંત્રણ આપી શકે છે અને આવા તથા કથિત સંતો પણ એમાં જ પોતાની મોટાઈ કે પ્રતિષ્ઠા માને છે. શહેર, રાજ્ય કે રાષ્ટ્રનો સૌથી મોટો ઉદ્યોગપતિ પોતાનો યજમાન છે અને એ પોતાના ચરણમાં બેસીને પડ્યો બોલ ઉપાડે છે તે એમના માટે મોટાઈનો વિષય હોય છે. આવડો મોટો શેઠ કે ઉદ્યોગપતિ પોતાને માને છે તો એ કારણે પોતે પણ કોઈ નાના સંત નથી એવું એ બતાવવા માગે છે. બહારથી જોઈએ તો આવું બઘું બોલવા કે બતાવવામાં નથી આવતું પણ અંદરની વાત આનાથી જુદી નથી હોતી. જે વ્યક્તિ સૌથી વધારે દાન આપે, જેમની સાથે ઊભા રહેવાથી પોતાની પણ પ્રતિષ્ઠા વધે એવા લોકોને જ આઘુનિક સંતો પસંદ કરે છે અને એમને ત્યાં જ ઉતરે કે જમે છે.

પોતાની કથામાં કે પોતાની આસપાસ યોજાતા કોઈપણ કાર્યક્રમમાં રાજકારણનો કોઈ મોટો માણસ હાજર રહે, એમની બાજુમાં બેસવાનું મળે, કેમેરામાં, ટી.વી.માં કે છાપાઓમાં એમની સાથે પોતાના ફોટા પ્રગટ થાય એવું પોતે ઈચ્છે છે. ધર્મ અને રાજકારણની આ રીતે સાંઠગાંઠ હોય છે. બન્ને એક બીજાનો લાભ ઊઠાવીનેલોકોને આકર્ષિત કરવાનું અભિયાન પૂરું કરે છે.

કોઈ એક નાનો માણસ, સામાન્ય મકાનમાં જીવતો કોઈ ગરીબ માણસ (કહેવાતા) આઘુનિક સંતોને જઈને નિમંત્રણ આપે કે મારે ત્યાં આપ રોકાશો યા જમશો તો સીધી રીતે એ ના નહીં પાડે પણ અપવાદરૂપે ય એકાદ કોઈ ગરીબને ત્યાં જઈને, નીચે સાદડી પર બેસીને એ જમશે નહીં. કેમ કે આવા નાના માણસને ત્યાં એમની સરભરા ન સચવાય, ફરવા માટે ઉત્તમ કાર કે સૂવા માટે છત્રી પલંગ ન હોય. એમને ત્યાં તો ભોંયપથારી, સાદું ભોજન, ભાવથી ભરેલું હૃદય અને પરસેવો પાડીને ઊભું કરેલું આતિથ્ય હોય છે ! પણ આજના સાઘુ સંત ભાવનાના નહીં, પ્રતિષ્ઠાના અને ભોગ વિલાસના ભૂખ્યા હોય છે.એ કંઈ જેવા ઓછા હોય છે કે વિદુરને ત્યાં ભાજી જમવા જાય ?

ઓશો કહે છે બીજાના અહંકારને પોષણ આપી, સમાજનું એક યા બીજી રીતે શોષણ કરતાં લોકોને જે આદર આપવામાં આવે છે તેમાં ધર્મ જેવું કશું જ નથી હોતું. એ તો એક પ્રકારનો સોદો, વ્યાપાર કે રાજનીતિએ ધારણ કરેલો ધર્મનો સ્વાંગ છે.

ક્રાન્તિબીજ

અર્ધી દુનિયા નથી જાણતી કે બીજી અર્ધી કેમ ગુજારો કરે છે
 
Top