4
જરૂર વાંચજો મિત્રો
એક વખત એક માણસ પોતાનાં દુ:ખોથી અતિશય કંટાળી ગયો. રાત-દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાંવની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાં એની માથાકૂટ, ધંધામાં ચડતી-પડતી, વૃદ્ધ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારીઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતાં એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ ફકત અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં, આટલો બધો બોજો ઉપાડીને એ ગળે આવી ગયો હતો. એટલે એણે જિંદગી ટૂંકાવી દેવાનું નક્કી કરી નાખ્યું. આપઘાત કરાવાના ઈરાદાથી એક વખત ઘરે કોઈ નહોતું ત્યારે મોકો જોઈ એણે ઘેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે એટલે એ માત્ર ઊંડી ઊંઘમાં સરકી ગયો.
અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જે તરફથી એ અદ્દભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એણે નજર કરી. જોયું તો પરમ કૃપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતાં ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, ‘દીકરા ! મારા વહાલા સંતાન ! હું બોલાવું તે પહેલાં મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઈ આવી છે ?’
‘હે પ્રભુ ! મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું તેના માટે ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પણ પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુ:ખોનું આ પોટલું તમે જોયું ? હવે એનો ભાર વેંઢારવાની શક્તિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યા નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગું છું.’ પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એણે ભગવાનને કહ્યું.
‘પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઈ જતો ?’ ભગવાન હસ્યા.
‘પણ ભગવાન ! તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે ? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઈના ખભે જોયો નથી !’ રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી.
‘મારા દીકરા ! આ દુનિયામાં દરેકેદરેક વ્યક્તિને મેં કંઈક ને કંઈક બોજો ઉપાડવા આપેલ જ છે. અને એ ફરજિયાત છે. જો ! અહીંયાં તારા ઘણા આડોશી-પાડોશીઓનાં પોટલાં પડ્યાં છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે તો તું એના બદલે આમાંથી બીજું લઈ શકે છે. બોલ, એવી અદલા-બદલી કરવી છે ?’ માર્મિક હસતાં ભગવાને કહ્યું.
નવાઈના ભાવો સાથે પેલા માણસે ભગવાનનાં ચરણ પાસે પડેલાં પોટલાંઓ તરફ નજર નાંખી. બધાં જ પોટલાંઓનું કદ પોતાનાં પોટલા જેટલું જ હતું. પણ દરેક પોટલા પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ-સરનામું એ પોટલા પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક અતિ સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્ત્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબ જ મોટો ઉદ્યોગપતિ હતો. એના ઘરમાં સમૃદ્ધિની તો રેલમછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ જ કાર વાપરતાં અને એ પણ પાછી ઈમ્પોર્ટેડ ! એ સ્ત્રીની દીકરીઓ મોંઘાદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કૉલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ સ્વિટ્ઝર્લૅન્ડમાં જ વિતાવતાં. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એણે પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એણે એ પોટલાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઈ લાગી. એ સ્ત્રીનું પોટલંદ હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણું ભારે હતું. માંડમાંડ એણે એ પાછું મૂક્યું. પછી ભગવાન સામે જોઈને પૂછ્યું : ‘ભગવાન ! આટઆટલી સુખસાહ્યબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછાં જેવું હળવું હોવું જોઈએ, એના બદલે એ આટલું બધું ભારે કેમ ? મને સમજાયું નહીં !’ ‘ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઈ લે ને !’ એ જ માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું.
પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાતદિવસ એને હેરાન કરતી અને એનો જીવ લેવા માટે ઝંખતી એની કર્કશા સાસુ દેખાઈ. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના કામે દેશવિદેશમાં રખડતો રહેતો અને અત્યંત વ્યભિચારી જીવન જીવતો હતો. એના કારણે ભયંકર રોગો પણ એને ઘેરી વળ્યા હતા. પેલી સ્ત્રીને પણ એ બધા રોગોનો ચેપ લાગી ચૂક્યો હતો. પતિ-પત્ની બંને ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગની સારવારમાં ખરચતાં હતાં. એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ ધરાવતો હતો. એની દીકરીના માથા પર એણે પાટો જોયો. એ બિચારી મગજના કૅન્સરથી પીડાતી હતી…. બસ ! એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઈ ન શક્યો. એનાથી બોલાઈ જવાયું, ‘ભગવાન ! બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે ? હું કલ્પના પણ નથી કરી શકતો !’
ભગવાન હસી પડ્યા, કહ્યું : ‘મેં તને કહ્યું ને ! દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. બીજાનું પોટલું તમને હળવું જ લાગે છે, કારણ કે એ તમારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઈનું પોટલું જોઈને એ લેવું હોય તો તને છુટ્ટી છે !’
એ માણસ જેને જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો એમનાં નામ જોઈ જોઈને એણે પોટલાં ખોલી જોયાં. પણ નવાઈ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબણાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણાં બધાં પોટલાં એ ફંફોસતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા. ખાસ્સી વાર પછી અચાનક જ એણે પોટલાં ફંફોસવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, ‘પ્રભુ ! મને મારું જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે !’
‘એવું છે ? તો પછી તેને જિંદગી ટૂંકાવી નાંખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે ? જોઈએ તો ખરા કે એમાં શું ભરેલું છે ? તારું પોટલું ખોલ જોઉં !’ ભગવાને કહ્યું.
એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. અંદર સોનાની ઈંટો હતી, પૈસાની થપ્પીઓની થપ્પીઓ હતી અને બીજા સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા !
‘દીકરા !’ અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, ‘વરસોથી તું આ સોનાની ઈંટો લઈને ફરતો હતો અને આ પૈસાની થપ્પીઓ ભેગી કર્યે જતો હતો, તો પણ તારે વારો તો આપઘાત કરવાનો જ આવ્યો ને ? તો પછી એ સોનાની ઈંટો કે પૈસાની થપ્પીઓ કામની શું છે ? કોઈ લઈ જશે કે ખર્ચાઈ જશે એની બીકમાં તેં એનું વજન કેટલું વધારી દીધું છે ? હવે તું દુનિયામાં પાછો જા, અને આ પૈસા મારાં એવાં સંતાનોમાં વહેંચી દે કે જેને જિંદગીએ કંઈ જ નથી આપ્યું. જેઓ ભૂખે મરી રહ્યાં છે. હું તને ખાતરી આપું છું કે એમનો આનંદ જોઈને તારા આત્માને જે સુખ અને શાતા મળશે એ આ દોલતથી તને ક્યારેય નહીં મળ્યાં હોય. ઉપરાંત એ બધું આપવાથી તારા ખભા પરનાં પોટલાનું વજન પણ ઘટતું જશે ! અને હા ! આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે બતાવ જોઉં !’
પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઈને એ બોલ્યો, ‘પ્રભુ ! એ મારાં અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષનાં પથ્થરો છે. જેની ધારથી મેં હંમેશા બીજાને ઈજા પહોંચાડવાનું કામ કર્યું છે.’
ભગવાન હસી પડ્યા. પછી બોલ્યા : ‘કંઈ વાંધો નહીં બેટા ! તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા. પણ એ નાના પથ્થરો મને આપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઈ લઉં છું !’ કહી કરુણાના અવતાર પરમાત્માએ એનાં પાપ, રાગ-દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઈ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઈ.
પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી. ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યાં. પછી પોતાનું જ પોટલું ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડ્યો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઈક યાદ આવ્યું. પાછાં ફરીને એણે ભગવાનને પૂછ્યું કે, ‘પ્રભુ ! મારું પોટલું તો હંમેશાં મારા ખભા પર જ હોય છે. તો આ બધાંનાં પોટલાં અહીંયાં કેમ પડ્યાં છે ?’ હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડ્યાં. પછી બોલ્યાં : ‘મારા વ્હાલા દીકરા ! એ જ તો વાત છે જે તું છેક અત્યારે સમજી રહ્યો છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય ગણો વધારે ભાર છે, છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યાં છે, કારણ કે એમણે એમનું
પોટલું મને સોંપી દીધું છે ! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઈને જ ફર્યા કરે છે !’
હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો, ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનનાં ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો. અને કોઈ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડ્યો ! એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઈ !

ટિપ્પણી પોસ્ટ કરો

alpesh parmar કહ્યું... સપ્ટેમ્બર 03, 2015

Nice story sir

alpesh parmar કહ્યું... સપ્ટેમ્બર 03, 2015

Nice story sir

અજ્ઞાત કહ્યું... સપ્ટેમ્બર 03, 2015

Very nice message to mankind by this story 'POTALU MANE AAPI DO'

Ashok Makwana કહ્યું... સપ્ટેમ્બર 20, 2015

very inspiring story .very good job sir

 
Top