Breaking News

દરેક પ્રેમની એક બુનિયાદ હોય છે




ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ.
આકાશને ક્યાં આદિઅંતમધ્ય હોય છેજે સત્ય હોતે તો સળંગ સત્ય હોય છે,
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશુંઆંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે.
-ધૂની માંડલિયા
દરેક સંબંધનું એક સત્ય હોય છે. દરેક વર્તનનું એક સત્ય હોય છે. બે વ્યક્તિનાં સત્ય જ્યારે એક થાય ત્યારે જ સાત્ત્વિક પ્રેમનું નિર્માણ થતું હોય છે. પ્રેમ એટલે એકબીજાંમાં ઓગળવાની આવડત. સંબંધનું સત્ત્વ અને તત્ત્વ કેવું છે તેના પરથી જ પ્રેમની આવરદા નક્કી થતી હોય છે. કોઈ માણસ માત્ર ને માત્ર પોતાના સત્યથી કોઈને સુખી ન કરી શકે. સુખી થવા અને સુખી કરવા સાથેની વ્યક્તિનું સત્ય સ્વીકારવું અને સમજવું પડે છે. તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે એની તમને ખબર છે? કે પછી તમારે તેને શું આપવું છે એની જ ખબર છે? તમારી તમન્ના ગમે તેટલી ઊંચી અને મહાન હશે પણ જો એ તમારી વ્યક્તિને સુખ આપી ન શકતી હોય તો એ એના માટે ક્યારેય ઊંચી કે મહાન બની શકવાની નથી.
એક પતિ-પત્નીની વાત છે. સંવેદના અને સત્યને ઝણઝણાવે એવી આ સાચી ઘટના છે. બંનેએ આખી દુનિયા સામે બગાવત કરીને લવ મેરેજ કર્યાં હતાં. બેમાંથી કોઈના પરિવાર રાજી ન હતા. કોઈની પણ પરવા કર્યા વગર બંને સાથે રહેવા લાગ્યાં. બંને નોકરી કરતાં હતાં. પગાર બહુ મોટો ન હતો પણ રહેવામાં કોઈ તકલીફ પડતી ન હતી. ભાડાનું ઘર હતું. ઘર માટે નાની મોટી વસ્તુઓ પણ વસાવી લીધી હતી. બંને પગારમાંથી પૂરું કરી લેતાં હતાં. પત્નીને થતું હતું કે જીવનમાં કોઈ જ કમી નથી. જોકે ક્યારેક પ્રેમ જ પ્રેમનું ગળું ઘોંટી નાખતો હોય છે.
એક દિવસ પત્નીએ પતિને કહ્યું કે, મેં તારાથી જુદા પડવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે નહીં કે તું મને પ્રેમ નથી કરતો, એટલા માટે નહીં કે હું તને પ્રેમ નથી કરતી, એટલા માટે કે આપણા પ્રેમનાં સત્ય બદલાઈ ગયાં છે. તારો પ્રેમ ખોટો નથી પણ જે બુનિયાદ ઉપર તેં આપણા પ્રેમનો મહેલ ઊભો કર્યો છે એની બુનિયાદ જ તકલાદી છે. પ્રેમ એવી ચીજ છે જેમાં બે વ્યક્તિનું સત્ય એક હોવું જોઈએ. બે અલગ અલગ સત્યથી એક સુખનું નિર્માણ ન થઈ શકે. તને તું ખોટો નથી લાગતો અને મને હું સાચી લાગી છું. તારા માટે પ્રેમ અને સુખની વ્યાખ્યા જુદી છે અને હું જુદી રીતે વિચારું છું. કોઈ ભાર સાથે જીવવા કરતાં જુદાં પડી જવું વધુ બહેતર છે.
આમ તો એ બંને સરસ રીતે જીવતાં હતાં. ક્યારેય ઝઘડો ન થતો. બધાંને એમ થતું કે ભલે પરિવારને નારાજ કરીને લગ્ન કર્યાં પણ બંને રહે છે તો સરસ રીતે. પત્નીને કોઈ અભાવ કે ફરિયાદ ન હતી. જે હતું એનાથી એ ખુશ હતી. જોકે પતિ બહુ ખુશ ન હતો. તેને સતત એમ જ થતું હતું કે હું પત્નીને કોઈ જ સુખ આપી નથી શકતો. નોકરી કરવા તેણે બસમાં જવું પડે છે. ક્યાંય ફરવા પણ નથી લઈ જઈ શકતો. મારે તો એને તમામ સુખ આપવું છે, દરેક મોજશોખ પૂરા કરાવવા છે, રાણીની જેમ રાખવી છે.
અચાનક જ પતિ રોજ થોડા થોડા રૂપિયા લાવવા માંડયો. પત્ની માટે રોજે રોજ નાની મોટી ગિફ્ટ લાવવા લાગ્યો. તેને ફિલ્મમાં,ફરવા અને બહાર જમવા લઈ જતો. પત્નીને પહેલાં તો એવું લાગ્યું કે ઓફિસમાંથી કંઈ ઇન્સેન્ટિવ મળ્યું હશે. જોકે ખર્ચ વધવા લાગ્યો, ત્યારે તેને થયું કે આટલા રૂપિયા એમને એમ તો ન મળે. એક દિવસ પત્નીએ પૂછયું કે આ બધું તું ક્યાંથી લાવે છે? પતિ કહેતો કે, એનું તારે શું કામ છે?તું બસ મજા કરને. હજુ તો જોતી જા, હું તારા માટે શું કરું છું. તારા માટે મેં જે સપનાં જોયાં છે એ બધાં જ મારે પૂરાં કરવાં છે. મારે તને એવી બેકાર અને કંગાળ લાઇફ નથી આપવી જેમાં રૂપિયે રૂપિયાનો હિસાબ કરવો પડે.
પત્નીને આખરે એવી ખબર પડી કે પતિ જે કંપનીમાં કામ કરે છે તેનો માલ બારોબાર વેચી દેવાય છે. કંપનીના જ અમુક લોકો આવું કામ કરે છે. રૂપિયાની લાલચે પતિ પણ એમાં જોડાઈ ગયો છે. પત્નીએ પતિને કહ્યું કે તું આ છોડી દે. પતિએ ના પાડી. હું બધું તારા માટે કરું છું. મારે તને બધું જ આપવું છે. રૂપિયા સીધી રીતે નથી બનતા. આખી દુનિયા આવા જ ધંધા કરે છે. પત્નીએ કહ્યું કે મને દુનિયાથી મતલબ નથી, માત્ર તારાથી મતલબ છે. પતિ ન માન્યો. આખરે પત્ની ઘર છોડીને અલગ એકલી રહેવા ચાલી ગઈ.
તમને ખબર છે કે તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે? કે પછી તમારે શું આપવું છે એની જ તમને ખબર છે? માત્ર પ્રેમ હોય એ જ પૂરતું નથી. પ્રેમનું સત્ય પણ એક હોવું જોઈએ. દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. ઘણી વખત આપણે કોઈનું સત્ય બદલાવી શકતા નથી, પણ આપણું સત્ય ચોક્કસ આપણે જીવી શકીએ છીએ. સાત્ત્વિકતા દરેક સંબંધ માટે જરૂરી છે. ઘણી વખત અત્યારે જે સારું લાગતું હોય એનો અંજામ સારો હોતો નથી. આપણે એ પણ તપાસતા રહેવું જોઈએ કે મારું સત્ય તો સાચું છેને? હું તો સાચા માર્ગે છું ને ? મને તો કોઈ ખોટા માર્ગે દોરવતું નથીને?
એક સંત હતા. એકદમ સાદું જીવન જીવે. કોઈ ઠાઠમાઠ નહીં. સાધુએ પોતાની ઝૂંપડીમાં એક મોટો અરીસો રાખ્યો હતો. દિવસમાં ચારપાંચ વખત સાધુ અરીસા સામે ઊભા રહી પોતાને જોયા કરે. અનુયાયીઓને આશ્ચર્ય થતું કે આ મહારાજને અરીસાનો શું મોહ છે? આમ તો એ ડાહી ડાહી વાતો કરે છે, સરળતા અને સહજતાનાં ઉદાહરણો આપે છે અને પોતે અરીસામાં જોયા રાખે છે. સંતને પૂછવાની કોઈને હિંમત થતી ન હતી. આખરે એક યુવાન અનુયાયીથી રહેવાયું નહીં અને તેણે પૂછી નાંખ્યું કે મહારાજ બધું છોડી દીધું પછી આ અરીસાનો મોહ શા માટે?
સંત હસવા લાગ્યા. તેણે કહ્યું, તારી વાત સાચી છે. મને અરીસાનો મોહ છે. હું આખા દિવસમાં ઘણી વાર અરીસો જોઉં છું. હું એટલા માટે અરીસો નથી જોતો કે હું કેવો દેખાઉં છું. હું તો એ જોવા માટે અરીસામાં જોઉં છું કે હું જેવો અંદર છું એવો જ બહાર છુંને? કે પછી જેવો બહાર છું એવો જ અંદર છુંને? આ અરીસો મારી સાધનાનું સાધન છે. જે મને મારાથી દૂર જવા દેતું નથી. આપણે અંદરથી જુદા હોઈએ છીએ અને બહારથી જુદા. બહારથી દેવ દેખાતા હોઈએ છીએ અને અંદરથી દાનવ. રાક્ષસને પણ જો એ ભાન હોય કે હું રાક્ષસ છું તો એ વાત પણ મોટી છે. કમસે કમ એને પોતાની ઓળખ તો છે. આપણે તો આપણી જાત સાથે જ ડબલ ગેમ રમતા હોઈએ છીએ. તું પણ અરીસો જો, ત્યારે એ વિચારજે કે અંદર અને બહારનું બેલેન્સ તો બરાબર છેને?
દરેક માણસની પોતાની એક બુનિયાદ હોવી જોઈએ, પોતાનું એક સત્ય હોવું જોઈએ, પોતાનું એક સત્ત્વ હોવું જોઈએ અને પોતાનું એક તત્ત્વ હોવું જોઈએ. તમારું સત્ય તમારી વ્યક્તિ સાથે મળે છે? પ્રેમના સત્યનું પણ લોહી જેવું છે, જો બ્લડ ગ્રૂપ સરખું ન હોય તો લોહી ચડતું નથી, પ્રેમનું સત્ય જો સરખું ન હોય તો પ્રેમ ટકતો નથી. 
છેલ્લો સીન :
દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો પણ જીતી નહીં શકો. -અજ્ઞાત
(‘સંદેશ’, તા.  7 જુલાઇ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો