Breaking News

સમુદ્રમંથનના ૧૪ રત્નો, તે કોણે-કોણે લઈ લીધા? …


સમુદ્રમંથનના ૧૪ રત્નો, તે કોણે-કોણે લઈ લીધા? …

વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે ‘મોહિની એકાદશી’ના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના અંતે નીકળેલા અમૃતને દૈત્યોના હાથમાંથી બચાવવા માટે મોહિનીનો પરિવેશ ધારણ કર્યો હતો. સમુદ્ર મંથન એ ફક્ત દેવ અને દાનવોની કથા સુધી સીમિત નથી બલ્કે આ કથા ભગવાન વિષ્ણુનાં કૂર્મ અવતારની પણ કથા છે. ભાગવતમાં અને સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુનાં આ કૂર્મ અવતાર વિષે વર્ણન કરવામાં આવ્યું છે. દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયા પછી સ્વર્ગના રત્નો વિલીન થઈ જાય છે. તેને પાછા મેળયવવા માટે દેવો અને દાનવો સાથે મળીને સમુદ્રમંથન કરે છે. મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરડાં તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો. જ્યારે મંદરાચલ પર્વત ફર્યો નહીં ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ લઈ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો અને દેવો-દાનવોએ સમુદ્રનું મંથન કરવાનું ચાલું કર્યું. મંથન દરમ્યાન સમુદ્રમાંથી ચૌદ રત્નો પ્રાપ્ત થયાં છે.
આ સમુદ્ર મંથનમાંથી જે ચૌદ રત્નો પ્રાપ્ત થયાં છે તેનું પોતાનું ખાસ મહત્વ છે તે ચૌદ રત્નો ક્યા ક્યા હતા અને તે કોણે કોણે રાખ્યા તે વિષે આપણે જોઈએ.
સમુદ્રમંથન કરતા સૌ પ્રથમ કાલકૂટ નામનું ઝેર બહાર આવ્યું ત્યારે તેની હવામાત્રથી બધું સળગવા લાગ્યું. આ વિષની અસર ત્રણેય લોક પર થવા લાગી હતી ત્યારે ત્રણેય લોકનાં જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે સંસારની વ્યથા દૂર કરવા માટે એ કાળકૂટ વિષને મહાકાળ ભગવાન શિવે પી લઇ પોતાના કંઠમાં ધારણ કર્યું. કાળકૂટ વિષને કંઠમાં ધારણ કરવાથી ભગવાન શિવનો વર્ણ નીલો પડી જતાં તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવ્યાં.
બીજું રત્ન ઐરાવત હાથી નીકળ્યો તેને દેવરાજ ઈન્દ્રએ રાખ્યો હતો. આ હાથીને સાત સૂંઢ હતી. તે ઐરાવત હાથીની ખાસિયત હતી કે તે આકાશમાં ઉડી શકતો હતો, પાણીમાં તરી શકતો હતો અને પાતાળ સુધીનો રસ્તો શોધી શકતો હતો આ હાથીમાં સહસ્ત્રહજાર હાથીઓનું બળ હતું. તે ઐરાવતની મદદથી દેવરાજ ઈન્દ્ર દશે દિશાનું રક્ષણ કરતા હતાં તેવું પુરાણોમાં જણાવેલ છે.
ત્રીજું રત્ન કામધેનુ ગાય નીકળી જે ઈચ્છા પ્રમાણે દૂધ, આપી શકતી હતી તે ઋષીઓએ લઈ લીધી આ ગાય ઋષિ જમદગ્નિને ત્યાં રહેતી હતી એક દિવસ આ કામધેનુને ગાયને સહસ્ત્રાર્જુન બળજબરીથી લઈ જવા હેતુથી સહસ્ત્રાર્જુને ઋષિ જમદાગ્નિની હત્યા કરી ત્યારે તેમના પુત્ર જામદગ્નૈ પરશુરામજીએ સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરીને કામધેનુની રક્ષા કરી.
ચોથું રત્ન ઉચ્ચૈઃશ્રવા ઘોડો નિકળ્યો જે દૈત્યોએ રાખ્યો હતો. પરંતુ દેવદાનવોના એક યુધ્ધ દરમ્યાન દેવોએ આ ઘોડો જીતી લીધો ત્યારબાદ તે દેવોની સંપતિ બની ગયો હતો.
સાગર મંથનમાં પાંચમું રત્ન તે કૌસ્તુભમણિ નીકળ્યો જેને ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો.
છઠ્ઠું રત્ન તે કલ્પવૃક્ષ નીકળ્યું જેને દેવરાજ ઇન્દ્ર લઈ ગયાં અને સ્વર્ગનાં ઉપવનમાં તેનું રોપણ કર્યું. માન્યતા છે કે આ વૃક્ષ પાસેથી કોઈપણ મનોચ્છા કરવામાં આવે તો આ કલ્પવૃક્ષ મનની તમામ મનોચ્છા પૂર્ણ કરે છે. આ વૃક્ષને અમરત્વ પ્રાપ્ત થયેલું હોવાથી કલ્પનો અંત થાય પણ આ વૃક્ષની આયુનો નાશ થતો નથી.
સાતમું રત્ન રમ્ભા નામની અપ્સરા નીકળી જે નૃત્યકલા અને સંગીતકલામાં કુશળ હોય તેને સ્વર્ગનાં દેવોના મનોરંજન અર્થે સ્વર્ગની નૃત્યાંગના તરીકે રાખી લેવામાં આવી..
સાગર મંથનનાં આઠમા રત્ન તરીકે લક્ષ્મીજી મળ્યાં. જેમણે સમુદ્રમાંથી બહાર નીકળતાં જ દેવો અને દાનવોમાંથી ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યા. લક્ષ્મીજીને હિન્દુધર્મમાં ધન વૈભવની મહાશક્તિ અને દેવી તરીકે માનવામાં આવ્યાં છે.
નવમું રત્ન વારૂણીદેવી નીકળ્યાં જેને દૈત્યોએ આસુરી અપ્સરા તરીકે દૈત્ય સમાજમાં સ્થાન આપ્યું આ વારૂણી દેવીને મદિરા તરીકે ઓળખવામાં આવે છે. મદિરાના ઘણા પ્રકાર હોય છે. દેવો જે સોમરસ પીતા હતાં તે સોમરસ પણ એક પ્રકારની મદિરાનો જ પ્રકાર છે.
સાગર મંથનનું દશમું રત્ન તે ચંદ્રમા છે. આ પ્રમાણે જોતાં લક્ષ્મીજી, શંખ અને ચંદ્રમા ત્રણેય ભાઈબહેન થયાં. વેદોમાં જણાવેલું છે કે ચંદ્ર એ બુધ અને તારાનો પુત્ર હતો પરંતુ કોઈ શાપવશ ચંદ્રએ સાગરમંથન દ્વારા પુનઃજન્મ લીધો. દેવોએ તેને વનસ્પતિના પોષણ માટે રાત્રીના પ્રકાશમાન થવાનો આદેશ આપ્યો તેથી ચંદ્રમાં કાળા મૃગશીર્ષ જોડેલા રથને લઈને રોજ રાત્રે નીકળે છે. ચંદ્રમાએ દક્ષની 27 કન્યા જે નક્ષત્ર રૂપે રહેલ છે તેની સાથે લગ્ન કર્યા તેમાં રોહિણી તેને પ્રિય હોવાથી બીજી પત્નીઑ દુઃખી થતી હતી તેથી તેમણે પોતાના પિતા દક્ષને આ અન્યાય અંગે વાત કરી ત્યારે ક્રોધિત થયેલા દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો કે તને ક્ષય રોગ થશે ત્યારે ભગવાન શિવનાં શરણે ગયેલા ચંદ્રમાનો ક્ષય ભગવાન શિવે દૂર કર્યો અને પોતાની જટામાં પોતાના ભક્ત તરીકે સ્થાન આપ્યું છે. શિવ પુરાણમાં જણાવ્યું છે કે શિવજીએ ધારણ કરેલ કાલકૂટ વિષની અગ્નિની અસરને શાંત અને શીતળ કરવા માટે ચંદ્રમાને ભગવાન શિવે પોતાની જટામાંધારણ કર્યો છે.
સાગર મંથનનું અગીયારમું રત્ન તે પારિજાત વૃક્ષ છે. આ વૃક્ષને પણ દેવરાજ ઇન્દ્રએ પોતાના ઉપવનમાં રાખ્યું હતું. એક સમયે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણએ આ વૃક્ષને સ્વર્ગમાંથી લાવીને સત્યભામાનાં આંગણે વાવ્યું હતું ત્યારથી આ વૃક્ષ પૃથ્વી પર શોભા વધારી રહ્યું છે. આથી એમ કહેવાય છે કે જેમ આ વૃક્ષને કારણે દેવરાજ ઇન્દ્રનો વૈભવ વધ્યો હતો તેમ આ વૃક્ષ ઉપરાંત જો આ વૃક્ષ ઘર આંગણે હોય તો તે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. તેથી આ વૃક્ષને પૃથ્વી પરનું કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શુભ્ર શ્વેત વર્ણ અને કેસરી દાંડી ધરાવતું આ સુવાસિત પુષ્પ રાતના સમયે ખીલે છે. પારિજાતનાં ફૂલની ખાસિયત એ છે કે તે દરેક ભગવાનને ચઢાવવામાં આવે છે.
સાગર મંથનનું બારમું રત્ન તે પંચરત્ન શંખ છે. આ શંખને ભગવાન વિષ્ણુએ રાખ્યો હતો. હિન્દુ ધર્મમાં શંખને પૂજનીય માનવામાં આવતો હોવાથી ધાર્મિક ઉત્સવો સમયે તેને વગાડવામાં આવે છે. દક્ષિણાવર્તિ શંખ જો ઘરમાં રાખવામાં આવે તો તેથી સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે તેવું માનવાંમાં આવે છે. શંખ પણ સાગરમાંથી જન્મ્યો હોવાને કારણે તેનાંમાં પણ ખારાશ રહેલી છે. આપણાં શાસ્ત્રો કહે છે કે ખારો સ્વભાવ એ ઈર્ષાનું પ્રતિક છે. આ ખારા અર્થાત ઈર્ષાળુ સ્વભાવને લઈને જન્મેલ શંખ એ શંખાસુરને નામે જગતમાં પ્રસિધ્ધ થયો પરંતુ શંખાસુર સંબંધમાં લક્ષ્મીજીનો લઘુ ભ્રાતા હોય ભગવાન વિષ્ણુ તેનાં આ સ્વભાવને નાથવા અસક્ષમ હતાં. જ્યારે સૃષ્ટિ પર શંખાસુરનો અધર્મ વધી ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવ દ્વારા શંખાસુરનો વધ કરાવ્યો હતો, અર્થાત શંખાસુરમાં રહેલા ઈર્ષાળુ સ્વભાવનો નાશ કરાવ્યો.
સાગર મંથનનું તેરમું રત્ન તે ધનવન્તરી છે. વેદોમાં જણાવ્યું છે કે દેવોના વૈદ્ય તરીકે ઓળખાતાં આ દેવને ભગવાન વિષ્ણુનાં જ અવતાર રૂપ માનવામાં આવ્યાં છે. ભગવાન ધન્વંતરીએ આયુર્વેદનાં પાંચમા વેદની રચના કરી મનુષ્યો માટે તન-મનથી શ્રેષ્ઠ રહેવાનો રસ્તો બતાવ્યો છે. હિન્દુ ધર્મમાં ઉજવાતી ધનતેરસનાં દિવસે આયુર્વેદ અને ધનવન્તરીનો પ્રાદુર્ભાવ થયેલો છે તેમ માનવામાં આવે. ધનવન્તરી જ્યારે પ્રગટ થયાં ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો ધાતુનો કળશ અને વનસ્પતિ હતી. આ અમૃતને માટે સમુદ્ર મંથન થયું હતું. એક માન્યતા અનુસાર જ્યાં જ્યાં દેવ ધનવન્તરી બિરાજતાં હોય તે ઘરમાં ક્યારેય અન્ન ઓછું થતું નથી. બીજી અન્ય એક માન્યતા અનુસાર જ્યાં જ્યાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સહિત બિરાજેલા છે ત્યાં અને જ્યાં જ્યાં લક્ષ્મીજી એકલા બિરાજતાં હોય ત્યાં ધનવન્તરી ચોક્કસ બિરાજતાં હોય છે. ટૂંકમાં કહીએ તો જ્યાં લક્ષ્મીજી બિરાજે છે તે તમામ સ્થળોમાં ધનવન્તરીદેવની બેઠક હોય છે.
સાગર મંથનનું ચૌદમું અને છેલ્લું રત્ન તે અમૃત છે. આ અમૃત કળશ ધનવંતરીના હાથમાં લઈ સમુદ્રમાંથી બહાર પધાર્યા ત્યારે દૈત્યો તેમનાં હાથમાંથી આ કળશ લઈને ભાગી જાય છે તે વખતે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ લઈ દાનવોને ભૂલાવામાં નાખી તેમની પાસેથી અમૃત લઈ દેવોને પીવડાવી દે છે પરંતુ રાહુ અને કેતુ નામના બે અસૂરોને આ વાતની ખબર પડી જતાં તેઓ દેવનું સ્વરૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃતમાંથી ભાગ લઈ ગળામાં ઉતારે છે ત્યાં જ સૂર્ય ચંદ્ર ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી દે છે તેથી ભગવાન વિષ્ણુએ બંને દાનવોનાં મસ્તકને ચક વડે તેમનાં ધડથી અલગ કરી નાખ્યાં. પરંતુ રાહુ કેતુનાં મોમાં અમૃત હોવાને કારણે તેમનો નાશ નથી થતો પરંતુ આ બનાવ સૂર્યચંદ્રની ફરિયાદને કારણે બનેલો હોઈ રાહુ કેતુને હંમેશ માટે સૂર્ય ચંદ્ર સાથે વેર બંધાઈ ગયું તેવી કથા પુરાણોમાં આલેખવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો