Breaking News

કડવાશ હશે ત્યાં સુધી હળવાશ નહીં આવે!


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ઊમટયો ગઝલના ગામમાં વાદળ થયા પછી, જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી,
મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા, દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
-રઇશ મનીઆર 
કેટલાક લોકો જ્વાળામુખી જેવા હોય છે. લાગ મળે કે તરત જ લાવા ઓકવા માંડે છે. બધું જ ખરાબ છે. કોઈને પોતાની જવાબદારીનું ભાન નથી. કોઈ પોતાની લાઇફ પ્રત્યે સિરિયસ નથી. કોઈને મહેનત કરવી નથી. બધું જ આસાનીથી જોઈએ છે. ગંભીરતા જેવું તો કોઈ તત્ત્વ જ નથી. આખી દુનિયાને સુધારવાનો જાણે પોતે ઠેકો લીધો હોય એમ સૂચનાઓ જ આપતા હોય છે અને હુકમો જ છોડતા હોય છે. આવા લોકો પોતે પણ શાંતિથી રહેતા નથી અને બીજાને પણ શાંતિ લેવા દેતા નથી.


અશાંતિ બહાર નથી હોતી. બધું આપણી અંદર જ હોય છે. કોઈને શાંતિ આપવા માટે પહેલાં તો માણસ પોતે શાંત હોવો જોઈએ. કેટલાક લોકો ઘરમાં પ્રવેશે એટલે જાણે ઇમરજન્સી ડિક્લેર થઈ ગઈ હોય એવો સન્નાટો છવાઈ જાય છે. તમારી કોઈ રાહ જોતું ન હોય તો માનજો કે તમારામાં કંઈક ખૂટે છે. હાજરી ન વર્તાય તો કંઈ નહીં, ગેરહાજરી વર્તાવી જોઈએ. તમે કોઈના સુખનું કે આનંદનું કારણ હશો તો જ કોઈ તમારી રાહ જોશે.

સુખ સંપત્તિ કે સાધનોથી નથી મળતું. સુખ સાંનિધ્યથી મળે છે. બે બહેનપણી હતી. એકનાં લગ્ન અમીર ઘરાનામાં થયાં હતાં. બીજીનાં લગ્ન મધ્યવર્ગના ઘરમાં થયાં હતાં. એક વખત બહેનપણી તેની અમીર ફ્રેન્ડના ઘરે ગઈ. બંને વાતો કરતી હતી. મધ્યમવર્ગની બહેનપણીએ કહ્યું કે, તારા ઘરમાં તો બધી જ સગવડ છે. સરસ મજાનો બંગલો છે. લક્ઝરી કાર છે. તારા પતિનો મોટો બિઝનેસ છે. અમે બંને તો નોકરી કરીને પૂરું કરીએ છીએ. હિસાબ રાખીને જીવીએ છીએ. તારે આવક અને ખર્ચની તો કોઈ ચિંતા જ નથી. ખરેખર તું બહુ જ સુખી છે. આમ ને આમ સાંજ પડી ગઈ. અમીર બહેનપણીના પતિનો ઘરે આવવાનો સમય થઈ ગયો.
અમીર બહેનપણીએ કહ્યું કે, ચાલ હવે ફટાફટ થોડુંક સરખું કરી લઈએ. એને નહીં ગમે એવું હશે તો આખું ઘર માથે લેશે. તેના પતિનો ફોન આવ્યો કે તેને ઘરે આવવામાં એકાદ કલાક મોડું થશે. બહેનપણી બોલી કે, સારું લે થોડોક સમય વધુ મળ્યો. એકાદ કલાકમાં પતિ આવ્યો. શું કરે છે? આખો દિવસ વાતો જ કરી? તમારે બીજું કંઈ કામ તો છે નહીં! અમારે તો મહેનત કરવી પડે છે,તમારા જેવા જલસા નથી. મારી ચા ક્યાં છે? કેટલી વાર કહેવાનું કે હું આવું ત્યાં સુધીમાં બધું તૈયાર રાખવાનું?
અમીર બહેનપણીએ તેની ફ્રેન્ડને કહ્યું કે, તું ખરાબ ન લગાડતી. એનો સ્વભાવ જ એવો છે. મધ્યમવર્ગની બહેનપણીએ કહ્યું કે, મને લાગતું હતું કે તું સુખી છે, તું નસીબદાર છે. અંદરખાને તો એમ પણ થતું હતું કે મારાં નસીબ કેવાં છે! મારી પાસે તો એવું કંઈ નથી જે તારી પાસે છે. જોકે હવે મને સમજાય છે કે મારી પાસે શું છે.

મારા પતિ કરતાં હું જોબ પરથી વહેલી ફ્રી થઈ જાઉં છું. ઘરે આવીને એની રાહ જોતી હોઉં છું. ડોરબેલ વાગવાની રાહ જ જોતી હોઉં છું એને થોડુંક મોડું થાય તો ચેન નથી પડતું. એ પણ આવીને મને વળગી જાય છે. એવું કહે છે કે હાશ, મને બધું મળી ગયું. તારી પાસે આવતો હોવ એ સમય જિંદગીનો બેસ્ટ સમય હોય છે. તારા સાથમાં જ સુખ છે. અમે સાથે બેસીને વાતો કરીએ છીએ. આખા દિવસનો થાક ક્યારે ઓગળી જાય છે એની સમજ જ નથી પડતી. સાથે બેસીને હિસાબ કરીએ છીએ. કંઈક ખરીદવાનાં સપનાં જોઈએ છીએ અને બચતનો ટોટલ જોઈએ છીએ. અમારા સુખના ટોટલમાં તો દરરોજ વધારો જ થતો રહે છે. હવે મને સમજાય છે કે કદાચ હું તારાથી વધુ સુખી છું. મને ખબર છે કે અત્યારે હું તારી પાસે આવી છું તો એને મજા નહીં આવતી હોય. મારી રાહ જોતો હશે. એકબીજાંમાં જ અમારું સુખ છે.
તમારે કોઈને સુખ આપવું હોય તો સંપત્તિ કે સુવિધા કરતાં હળવાશ આપો. આપણી તકલીફ એ છે કે આપણે કડવાશ જ મનમાં ઘૂંટયે રાખીએ છીએ. માણસ જે શોધે એ એને મળી આવે છે. વાંધા અને તકલીફ શોધતા રહેશો તો ક્યારેય નવરાં જ નહીં પડો. એવું નથી હોતું કે આપણા લોકો આપણને પ્રેમ નથી કરતા. ઘણી વખત આપણે જ આપણી વ્યક્તિને પ્રેમ કરવાની અને વ્યક્ત થવાની હળવાશ આપતા હોતા નથી. તંગદિલી હોય ત્યાં રંગદિલી ન હોય. આપણે કહીએ છીએ કે તાલી એક હાથે નથી વાગતી,તાલી બે હાથે વાગે છે. આ તાલીના બે હાથ જ્યારે બે વ્યક્તિના હોય ત્યારે તાલીની ગુંજમાં સુખનો ધ્વનિ પ્રગટે છે. તમારી પાસે તાલી વગાડી શકાય એવો બીજો હાથ છે ?હાથ તો હોય છે, પણ ઘણી વખત આપણે જ હાથ લંબાવતા હોતા નથી. જે હાથથી તાળી પડતી હોય છે એ જ હાથથી તમાચો પણ લાગતો હોય છે. ઘણા લોકોને તો હાથ ઉગામ્યા વગર પણ તમાચા મારવાની ફાવટ હોય છે!
માણસમાં માત્ર કોઈને સુખી કરવાની જ તાકાત હોતી નથી, કોઈને દુઃખી કરવાની તાકાત પણ હોય છે. સુખી કરવા કરતાં દુઃખી કરવું સહેલું છે. દુઃખી કરવા માટે થોડીક કડવાશ જ જરૂરી હોય છે, પણ સુખી કરવા માટે હળવાશ જરૂરી હોય છે. આપણે આપણી વ્યક્તિ પાસે હળવાશની અપેક્ષા રાખીએ છીએ, પણ ક્યારેય એ તપાસતા નથી કે હું પોતે કેટલો હળવો છું? આગ છે એ સળગાવવાનું જ કામ કરે, આગથી ક્યારેય આગ ઠરે નહીં. એક નવદંપતી વડીલ પાસે આશીર્વાદ લેવાં ગયાં ત્યારે તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું કે એક આગ બનજો અને બીજો પાણી. કમનસીબી એ જ હોય છે કે એક આગ હોય ત્યારે બીજો પણ આગ બની જાય છે. પાણી સાથે પાણી થવું સહેલું છે, આગ સામે પાણી થઈ શકે એ જ કંઈક ઠારી શકે છે.


બોંબ ડિફ્યુઝલ સ્ક્વોડનો એક એક્સપર્ટ હતો. બોંબને ડિફ્યુઝ કરવાનું તેનું કામ. એનું મગજ હંમેશાં તપેલું રહેતું. વાત વાતમાં ગુસ્સે થઈ જાય. તેનું કામ જોખમી હતું. એક વખત તેના મિત્રે કહ્યું કે, તને આ કામમાં મજા આવે છે? એક્સપર્ટે કહ્યું કે બહુ જ મજા આવે છે. બોંબ ડિફ્યુઝ થઈ જાય ત્યારે મારા આનંદની પરાકાષ્ઠા હોય છે. જાણે એક ધડાકાને મેં શાંત કરી દીધો. એક આફતને મેં ઓસરાવી દીધી. એક આગને મેં જન્મવા જ ન દીધી. તને ખબર છે આ બોંબ ફાટે તો શું થાય? હું એને શાંત કરી દઉં છું અને મને હાશ થઈ જાય છે! એક્સપર્ટની વાત સાંભળીને મિત્રે કહ્યું કે, તારી અંદર વારંવાર જે બોંબ જીવતો થઈ જાય છે એને કેમ તું ડિફ્યુઝ નથી કરતો? તને ખબર છે આ બોંબ ફાટે છે ત્યારે કેટલાનાં દિલ બળી જાય છે? તારી બહારની કળાને થોડીક અંદર વાપર, એવી જ હળવાશ લાગશે જેવી તને બોંબ ડિફ્યુઝલ પછી થાય છે!
માણસ આખી દુનિયાને સારું લગાડે છે, પણ પોતાની વ્યક્તિને સારું લાગે એવો કોઈ પ્રયત્ન કરતો નથી. કોઈને સારું લગાડવા આપણે આપણી પ્રકૃતિને અનુકૂળ ન હોય એવુંય કરીએ છીએ. કરવા ખાતર આપણે કેટલું બધું કરતાં હોઈએ છીએ, પણ કરવા જેવું આપણે બહુ ઓછું કરતાં હોઈએ છીએ. આપણામાં કડવાશ હશે તો આપણને હળવાશ ક્યાંયથી મળવાની નથી. પ્રેમ, લાગણી, સ્નેહ, હૂંફ અને સાંનિધ્ય તો ઘણાને આપવું હોય છે, પણ ઘણી વખત આપણને એ લેતા આવડતું નથી. પ્રેમ માટે પહેલાં તો આપણે આપણી પાત્રતા કેળવવી જોઈએ. પ્રેમ જોઈએ છે તો પ્રેમ માટે લાયક બનો. આપણી લાયકાત અને આપણી ઔકાત આપણે જ નક્કી કરતાં હોઈએ છીએ! ચેક કરજો કે હું પ્રેમ માટે લાયક છું ખરો?
છેલ્લો સીન :
અજાણતાં ખુલ્લાં રહી ગયેલાં બારણાંમાંથી જ ક્યારેક સુખ પ્રવેશી જતું હોય છે. -અજ્ઞાત

(‘સંદેશ’, તા. 30 જુન, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)

1 ટિપ્પણી:

 1. નમસ્કાર!
  આપનો બ્લોગ ”બલદેવપરી બ્લોગ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  જવાબ આપોકાઢી નાખો

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો