બિચારી બકરી- બોધ કથા-1.

Baldevpari
0
કોઇ એક ખેડુતે એક ઘોડો અને બકરી પાળ્યા હતા. એકવખત ઘોડો બિમાર પડ્યો. ડોકટરને બોલાવવામાં આવ્યા. ડોકટરે આવીને ઘોડાને ચકાસ્યો અને કહ્યુ , “ આ ઘોડાને અમુક પ્રકારનો રોગ 
છે હું દવા આપુ છુ ત્રણ દિવસમાં સારુ થઇ જશે જો ત્રણ દિવસમાં સારુ ન થાય તો એ ઘોડાને થયેલા રોગના વાયરસ બધે ફેલાશે એટલે તમે એને મારી જ નાખજો જેથી બીજા પ્રાણીઓને તેની અસર ન થાય.” ઘોડાએ આ સાંભળ્યુ એટલે એને થયુ કે હવે તેનું મૃત્યુ નિશ્વિત છે..

.
બકરી ઘોડાની સાથે જ રહેતી હતી એટલે એને ખબર હતી કે ઘોડાને કંઇ જ નથી થયુ. એને કોઇ રોગ નથી માત્ર મનથી એ પોતાને બિમાર સમજી બેઠો છે. બકરીએ નક્કી કર્યુ કે એ ઘોડાને ત્રણ દિવસમાં દોડતો કરી દેશે. 
પ્રથમ દિવસે ઘોડાને દવા આપવામાં આવી. બકરી એની પાસે ગઇ અને કહ્યુ , “ જો દોસ્ત તને દવાની અસર થઇ રહી છે. તારી આંખોમાં તેજ આવી રહ્યુ છે મને વિશ્વાસ છે તુ ત્રણ દિવસમાં તો દોડતો થઇ જઇશ.” બકરીની આ વાત સાંભળીને ઘોડાને પોતે સાજો થઇ રહ્યો હોય એવું લાગ્યુ. 
બીજા દિવસની દવા આપવામાં આવી. થોડા સમય પછી બકરી ઘોડા પાસે ગઇ અને કહ્યુ , “ જો તું ચોક્કસ પણે ઉભો થઇ શકીશ જરા પ્રયાસ કર. હું તારી સાથે જ છુ આ દવાની અસરને કારણે ઉભા થવુ બહુ સહેલું છે તારો રોગ હવે જતો રહ્યો છે. તે કાલે ભોજન પણ લીધુ છે હવે તું શક્તિહિન નથી ચાલ ઉભો થા.” ઘોડાએ ઉભા થવાનો પ્રયાસ કર્યો અને એ ઉભો પણ થયો.
આજે દવા આપવાનો છેલ્લો દિવસ હતો. દવા આપ્યા બાદ બકરી ઘોડા પાસે ગઇ અને કહ્યુ , “ હવે તો તું સાવ ખોટો ઉભો છે ચાલવા માંડ અને પછી દોડ કારણકે હવે તને કોઇ રોગ છે જ નહી દવાને લીધે તને સંપૂર્ણ સારુ થઇ ગયુ છે.” ઘોડાએ દોડવાનો પ્રયાસ કર્યો અને એ દોડી શક્યો. બકરીએ ઘોડાને દોડતો કરવા માટે કરેલા પ્રયાસો સફળ રહ્યા એ બહુ જ ખુશ હતી એ મનમાં અને મનમાં રાજી થતી હતી કે માલિક દ્વારા એને મોટુ ઇનામ મળશે. 
માલિકે ઘોડાને દોડતો જોયો એટલે એ ખુબ જ રાજી થયો. એણે નોકરને આજ્ઞા કરી, “ આપણો ઘોડો સંપૂર્ણ સાજો થઇ ગયો છે આજે સાંજે સરસ મજાની પાર્ટીનું આયોજન કરો આ માટે આપણી બકરીને મારી નાંખો અને એમાંથી સરસ રસોઇ બનાવો.” 

નોકરી-ધંધા-વ્યવસાયમાં પણ કંઇક આવું જ બને છે. કોઇની પ્રગતિ કે સફળતા માટે કોણ જવાબદાર છે એ જાણ્યા વગર જ ઘણીવખત તો સફળતાના જે ખરા સહભાગી હોય છે એનો જ ભોગ લેવાઇ જાય છે

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)