આમ કેમ ? SCIENCE WORK

Baldevpari
6 minute read
0
[‘જનકલ્યાણ’ સામાયિક (નવેમ્બર-ડિસેમ્બર : 2011) અંતર્ગત ‘ફાઈન્ડ યોર ફિટનેસ’ નામના લેખમાંથી સાભાર.]



આપણા શરીરમાં દોઢ લાખ કિલોમીટર જેટલી લંબાઈની લોહીની નળીઓ છે. 600 અબજ જેટલા કોષો છે. આંખના પલકારા જેટલા સમયમાં 12 લાખ જેટલા લોહીના લાલ કણ નાશ પામે છે અને એટલા જ નવા પેદા થાય છે. આખી દુનિયામાં જેની વિમાન સેવા ચાલતી હોય તેવી વિમાની સર્વિસ (એરલાઈન)થી પણ જેના રૂટ (માર્ગ)ની લંબાઈ વધારે છે એટલે કે તમારા શરીરમાં દોઢ લાખ કિલોમીટર જેટલી લંબાઈ છે તેવી લોહીની નળીઓ (આર્ટરી-વેઈન) માં પરિભ્રમણ કરતા લોહીના પ્રવાહ (બ્લડસ્ટ્રીમ)ની વિગતો વાંચશો તો મને ખાતરી છે કે તમે પરમેશ્વરે માનવી પર કરેલી મહેરબાની વિશે ફક્ત નવાઈ નહીં લગાડો, પણ તેનો નતમસ્તકે આભાર માનશો.


આપણા શરીરમાં 600 અબજ જેટલા કોષ છે. એટલે કે દુનિયાના માનવીની સંખ્યા કરતાં 100 ગણા કોષને આ લોહીના પ્રવાહ મારફતે સતત (માનવીની) જિંદગીના અંત સુધી (આશરે 70થી 80 વર્ષ સુધી) શક્તિદાયક પદાર્થો મળ્યા કરે છે. આ જ રીતે આ જ લોહીના પ્રવાહ મારફતે દરેક કોષમાં અને બહાર રહેલો કચરો અને શરીરને ના જોઈતા પદાર્થો કિડની અને આંતરડા સુધી પહોંચાડી પેશાબ અને મળ વાટે બહાર ફેંકી દેવાનું કામ પણ કરે છે.


લોહીના લાલ કણનું આયુષ્ય 120 દિવસનું હોય છે. તમે આંખનો પલકારો મારો તે દરમિયાનમાં 12 લાખ જેટલા લાલ કણ નાશ પામે છે અને તેની જગ્યાએ તેટલા જ સંખ્યામાં નવા લાલ કણ તમારા શરીરના (પાંસળી, કરોડનાં હાડકાં એટલે કે વર્ટીબ્રા અને ખોપરીના) હાડકામાંથી ઉત્પન્ન થઈ તેની જગા લે છે. તમને નવાઈ લાગશે કે માનવીની જિંદગી દરમિયાન હાડકામાં અર્ધોટન જેટલા લાલ કણો ઉત્પન્ન થાય છે. દરેક લાલ કણ પોતાની ચાર મહિનાની નાની જિંદગીમાં હૃદયથી શરીરના જુદા જુદા કોષો સુધી 75000 વખત રાઉન્ડ ટ્રીપ મારે છે. માનવીના હૃદયના પ્રત્યેક ધબકારે લોહીનો પ્રવાહ ખૂલી ગયેલી આર્ટરીમાં દાખલ થાય અને બે ધબકારાના વચ્ચેના સમયે જ્યારે આર્ટરી દબાય ત્યારે આ લોહીનો પ્રવાહ આગળ જાય. આમ જ્યારે માનવીના હાથ ને પગમાં લોહી પહોંચે અને પછી વપરાયેલું લોહી વેઈન્સ મારફતે પાછું આવે ત્યારે આ ધબકારાનું દબાણ ઝીરો (શૂન્ય) થઈ ગયું હોય. આ વખતે લોહીની નળીઓ જેમાંથી પસાર થાય તે સ્નાયુ જ્યારે જ્યારે પ્રવૃત્તિશીલ થાય ત્યારે પાછું હૃદય સુધી પહોંચે. ફરી એક વાર સમજો. (1) લોહીના પ્રવાહને હૃદયનો ધક્કો વાગે. (2) ધક્કાથી આર્ટરી પહોળી થાય એટલે લોહીનો પ્રવાહ આગળ વધે. (3) એમ કરતાં હાથ ને પગના છેડા સુધી લોહી પહોંચે. (4) બધા કોષને લોહી પહોંચ્યા પછી કચરાવાળું (અશુદ્ધ) લોહી વેઈન મારફતે ઉપર ચઢવા માંડે. (5) વેઈનમાં (દા.ત. પગની વેઈનમાં) થોડે થોડે અંતરે વાલ્વ હોય, જેની રચના કૂવામાંથી પાણી ઉપર ચઢાવવાના રેંટ જેવી હોય. (6) દરેક ધીમા ધક્કે લોહી ઉપર ચઢે. (7) વચ્ચે રહેલા વાલ્વ આ લોહીને નીચે જતું અટકાવે. (8) પગના સ્નાયુમાંથી પસાર થતી નળીઓ જો તમે ફક્ત ચાલવાની કસરત કરતા હો ત્યારે વધારે દબાય અને લોહી ઝડપથી ચોખ્ખું થવા પાછું ફરે. માટે જ ચાલવાની કસરત તમારા શરીરના લોહીના પ્રવાહના પરિભ્રમણ માટે શ્રેષ્ઠ કસરત કહી છે. મોટી ઉંમરે જ્યારે વેઈનના વાલ્વ નબળા પડી જાય ત્યારે વેઈન ગંઠાઈ જાય અને આ પરિસ્થિતિને ‘વેરીકોઝ વેઈન’ કહેવાય.


લોહીના પ્રવાહની એક બીજી વિશેષતા છે કે તમારી ઓળખ માટે તેના ગ્રૂપના વર્ગીકરણ જાણી શકો છો. બેઝિક ગ્રૂપ ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ છે પણ તે સિવાય જેમ દરેક વ્યક્તિની આંગળીઓની છાપ અલગ હોય છે, તેમ મા અને બાપના વિશેષ ગ્રૂપ એમ.એન. અને આર.એચ. વગેરે ગ્રૂપની ખાસ તપાસ કરીને બાળકની પેટરનીટી નક્કી કરી શકાય છે. આખી દુનિયાના લોકોની તપાસ કરીએ તો કોઈ પણ બે વ્યક્તિના ગ્રૂપ એકસરખા ના આવે તેવું ફક્ત આ લોહીના પ્રવાહથી જ નક્કી થઈ શકે છે. તમને નવાઈ લાગે છે ને ? હજુ આગળ સમજો, શરીરના દરેક અંગોને ઓક્સિજન અને ખોરાક પહોંચાડવાનું અદ્દભુત કામ કોઈ પણ શહેરની મ્યુનિસિપાલિટીની વોટર સપ્લાય સિસ્ટમની માફક આ લોહીનો પ્રવાહ અને તેમાં રહેલા લાલ કણો કરે છે. જેમ કે હૃદયનો ધક્કો વાગ્યો એટલે પહેલાં મોટી અને પછી ધીરે ધીરે નાની થતી જતી લોહી લઈ જનારી નળીઓ મારફતે જુદા જુદા કોષને પોષણ આપે છે. એકદમ ઝીણી નળીઓને કેપીલરી કહે છે અને કેપીલરીમાં લાલ કણ એક પછી એક લાઈનમાં રહીને જેમ ટ્રકની લાઈન હોય અને આગળની ટ્રકમાંથી માલ ઠલવાઈ જાય પછી બીજાનો નંબર આવે તે રીતે આ લાલકણો ખાલી થતા જાય અને આ ખાલી થયેલા રક્તકણ નકામો કચરો શરીર બહાર કાઢવા માટે ભરીને આગળ વધે. માલ ખાલી કર્યો તે ઓક્સિજન અને માલ ભર્યો તેને કાર્બન ડાયોકસાઈડ (કચરો) કહેવાય.


આપણી માન્યતા એમ છે કે આપણે મોંથી ખાવાનું ખાધું, તે હોજરીમાં ગયું અને ત્યાંથી આંતરડામાં એબસોર્બ થઈને શરીરમાં બધે વહેંચણી થઈ, આટલું સહેલું નથી. આ બધું જ કામ લોહીની ઝીણી નળીઓ (કેપીલરીઝ) કરે છે. આનો અર્થ એ કે જેટલી તમારી લોહીની આ ઝીણી નળીઓ તંદુરસ્ત એટલા તમે તંદુરસ્ત ગણાઓ. તમને ખબર છે કે જ્યારે તમે તમારી આંખ તપાસવા આંખના ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે તે ઓપ્થેલ્મોસ્કોપ નામના મશીનથી તમારી આંખની કેપીલરીઝ જુએ છે. આ એક જ જગા (આંખ) છે જ્યાં કેપીલરીઝ ચોખ્ખી દેખાય છે. કેપીલરીઝ ક્લોટ થયેલી હોય કે ફૂલી ગઈ હોય તો તેનો અર્થ કે તમે મોટી તકલીફમાં પડવાના છો. આ લોહીની નળીઓમાં ફરતા લોહીના પ્રવાહનો બીજો એક ચમત્કાર પણ જાણી લો. કોઈ કારણસર શરીરની ચામડીમાં કોઈ ઠેકાણે ઘા થયો તો તરત પ્લેટલેટ્સ ત્યાં પહોંચે અને એકબીજાને ચોંટી જઈ ઘામાંથી લોહી નીકળતું હોય તેને બંધ કરી દે.


તમારા શરીરના લોહીના પ્રવાહમાં બહારથી દાખલ થયેલાં ઝેરી તત્વો જો શરીરમાં જ રહે તો શરીરનો નાશ કરે. આને માટે તંદુરસ્ત લોહીમાં એન્ટીબોડીઝ હોય છે. ઉપર બતાવેલા કરોડોની સંખ્યામાં તમારા શરીરમાં દાખલ થયેલા ઝેરી પદાર્થો આ એન્ટીબોડીઝ વડે નાશ પામે છે. એમ માનોને કે તમારા લોહીના પ્રવાહમાં અનેક પ્રકારના એન્ટીબોડીઝ રૂપે રહેલા લશ્કરના કરોડો સિપાહીઓ અને તમારા શરીરમાં દાખલ થયેલા કરોડો દુશ્મનોની સાથે તમારા આખા જીવન દરમિયાન આ લોહીના પ્રવાહમાં સતત યુદ્ધ ચાલ્યા જ કરે છે. જેટલી તમારી જીવનશૈલી તંદુરસ્ત હોય તે પ્રમાણમાં તમારા એન્ટીબોડીઝ દુશ્મનોનો સફાયો કરી તમને તંદુરસ્ત રાખે. આ એન્ટીબોડીઝની ખાસિયત જુઓ. માનો કે તમારા શરીરમાં કોઈ દુશ્મન દાખલ થયા કે તરત જ તમારા લોહીમાં એનો સામનો કરવા એન્ટીબોડી ઉત્પન્ન થાય અને તેનો નાશ કરે. એક વિશેષ વાત આ એન્ટીબોડીઝની પણ જાણવા જેવી છે. ભૂતકાળમાં કોઈ પણ વખતે તમારા શરીરમાં દાખલ થયેલા દુશ્મનો-એક હોય કે અનેકની સામે લડવા એક વખત એન્ટીબોડીઝ બન્યા પછી એ જ પ્રકારના દુશ્મન (વાયરસ-બેકેટેરિયા વ.) તમારી આખી જિંદગી દરમિયાન તમારા શરીરમાં ફરી દાખલ થાય ત્યારે તેને માટે નવા એન્ટીબોડીઝ ના બને. પણ જૂની ઓળખાણ તાજી રાખી પહેલાંના ચોક્કસ દુશ્મનને ઓળખી શાંતિથી રાહ જોઈ બેઠેલા તેનો પ્રતિકાર કરનારા ચોક્ક્સ એન્ડીબોડી તેનો નાશ કરે. તમને નથી લાગતું કે પરમેશ્વરે આ કેવી કમાલની ગોઠવણ કરી છે ! ઉપર બતાવેલ વાયરસ અને એન્ટીબોડીઝની લડાઈ પૂરી થયા પછી જે ખરાબ કચરો ભેગો થયો હોય તેને પણ તમારા લોહીમાં રહેલા સફેદ કણો સાફ કરી નાખે. આ બધી જ ક્રિયા તમારા શરીરના લોહીના પ્રવાહમાં સતત ચાલ્યા જ કરે.


ઉપરની વાત તો બેક્ટેરિયા વાયરસની કરી. તમારા લોહીના પ્રવાહના ચમત્કારની બીજી વાત સાંભળો. લોહીનો પ્રવાહ જે નળીઓમાં સતત વહે છે તેમાં રહેલું કેલ્શિયમ આ નળીઓમાં કોઈક કોઈક ઠેકાણે ચોંટી જાય ત્યારે જેમ જેમ ઉંમર થાય તેમ આ નળીઓ સખત થાય અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય. આવે વખતે તમારા ખોરાકમાં લીધેલો કોલેસ્ટ્રોલ નામનો ચીકણો પદાર્થ લોહીના પ્લેટલેટ્સ સાથે ચોંટી જાય અને તે લોહીની નળીઓમાં ચોંટી જઈ ક્લોટ બનાવે, જેથી લોહીને આગળ વધવામાં જોર પડે અથવા તો આ ક્લોટ હૃદયની નળીને બ્લોક (બંધ) કરી દે. આ બંને પરિસ્થિતિમાં પહેલામાં બી.પી. (લોહીના દબાણ)નો રોગ થાય અને બીજામાં હાર્ટએટેક આવે. યાદ રાખો આ પરિસ્થિતિ તમે ચરબીવાળા અને કોલેસ્ટ્રોલ હોય તેવા પદાર્થો વધારે ખાવાથી ઊભી થઈ. આ જ રીતે તમારા ખોરાકમાં તમે ગળપણવાળા પદાર્થો વધારે ખાઓ અને કશી પ્રવૃત્તિ ના કરી હોય ત્યારે તમને મોટી ઉંમરે થનારો ડાયાબિટીસ પણ થાય. ખોરાકમાં પૌષ્ટિક તત્વો એટલે કે પૂરતું પ્રોટીન (50થી 60 ગ્રામ) અને કાચા શાકભાજી અને ફળોની મારફત પૂરતા વિટામિન કે મિનરલ્સ ના લો તો સ્વાભાવિક છે કે રક્તક્ષીણતા (એનિમિયા)નો રોગ થાય. તમારા ખોરાકમાં તમે મીઠું વધારે લો તો તમારા લોહીના પ્રવાહનું વહન કરનાર નળીઓ ખરાબ થઈ જાય અને આને લીધે તમને બી.પી.નો રોગ થાય. લોહીનો પ્રવાહ તમને એનિમિયા, ચેપ, ડાયાબિટીસ, હાર્ટએટેકની શક્યતા, કીડની ખરાબી, કમળો, એઈડ્ઝ વગેરેની માહિતી આપે છે.


જોયું ને ? પરમેશ્વરે કેવા વિચારપૂર્વક માનવ શરીરનાં જુદાં જુદાં અંગો બનાવ્યાં છે ? આ લોહીના પ્રવાહને અવિરત વહેતો રાખવા અને તંદુરસ્ત રાખવા જૂના અને જાણીતા આરોગ્યના પાયાના સિદ્ધાંતો 
(1) કસરત 
(2) ખોરાકનું ધ્યાન 
(3) મનની શાંતિ અને 
(4) નિયમિત શરીરની મેડિકલ ચેકઅપને તમારા મનમાંથી વિસારશો નહીં.

આપના અમુલ્ય પ્રતિભાવ આપ અહીં આપી શકો છો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)