Breaking News

દ્રઢ સંકલ્પબળથી અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બને છે

તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ ત્રણ શિષ્યોનું ગુરૂકુળનું સત્ર પૂર્ણ થતાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ નામના રાજનીતિવિષયક ગ્રંથના રચયિતા કૌટિલ્ય વ્યવહારિક જ્ઞાનને વિશેષ મહત્ત્વ આપતા હતા. જીવનભર અકંિચન બ્રાહ્મણ રહેલા કૌટિલ્યએ પોતાના શિષ્યો વ્યક્તિત્વને આગવી રીતે ઘડવાનો પ્રયાસ કર્યો.
આચાર્ય વિષ્ણુગુપ્તે પોતાના ત્રણે શિષ્યોને વાંસની ટોપલી આપી અને કહ્યું કે આમાં પાણી ભરીને લઈ આવો. એ પાણીથી મારે ગુરુકૂળમાં સફાઈ કરવી છે.
આચાર્યની આજ્ઞા સાંભળીને શિષ્યો વિચારમાં પડી ગયા. વાંસની ટોપલીમાં પાણી ભરીને લાવવું એ તો અસંભવ હતું. ગમે તેટલું પાણી ભર્યું હોય, તો પણ એનાં છિદ્રોમાંથી નીકળી જાય. ગુરુની આજ્ઞા શિરોધાર્ય માનીને શિષ્યો નદીને કિનારે ગયા ખરા, વાંસની ટોપલીમાં પાણી ભરીને લાવ્યા, પણ પાણી તો બઘું એ ટોપલીમાંથી બહાર નીકળી ગયું.
એક શિષ્યને પોતાના ગુરુ પ્રત્યે અગાધ નિષ્ઠા હતી અને તેથી જ એ વારંવાર ટોપલીમાં પાણી નાખવા લાગ્યો. એ મનમાં વિચારતો હતો કે ગુરુદેવે આપેલી આજ્ઞાની પાછળ કોઈ મર્મ હશે. એ મર્મ પામવો જોઈએ. માત્ર નિરાશ થયે કશું ન વળે.
આ રીતે સવારથી સાંજ સુધી એ વાંસની ટોપલીમાં પાણી ભરતો રહ્યો અને ધીરે ધીરે એ વાંસ ફૂલતાં ટોપલીમાંનાં છિદ્રો બંધ થઈ ગયાં. પરિણામે સાંજે એ ટોપલીમાં પાણી ભરીને આચાર્ય વિષ્ણુગુપ્ત પાસે આવ્યો. આ મહાન આચાર્યએ આ જોઈને પોતાના અન્ય શિષ્યોને કહ્યું, ‘મેં તમને અશક્ય લાગે તેવું કાર્ય સોંપ્યું હતું, પરંતુ એને શક્ય કરવા માટે વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસની જરૂર હતી. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળથી અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બને છે અને તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે હંિમત હારવી જોઈએ નહીં

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો