Breaking News

પ્રેરણાદાયી વાત શિક્ષક તરીકે અચુક વાચવા જેવી

એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત.

(જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ)

ટેડ....


 • નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.
 • એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઇપણ બોલ્યાચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાયે દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઇને ટીચરને સુગ ચડી ગઇ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઇ ગયો હતો.
 • ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચુકતા નહીં. શરુઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડુ મુકવાનું શરુ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં. ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઇ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઇ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઇને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગુઠાથી જમીન ખોતરતો રહેતો.
 • નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજીયાત હતો. એક વખત પ્રિંસિપાલે મિ. થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ u સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકૉર્ડ વાંચ્યો છે. પ્રિંસીપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી.. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો.
 • ટેડના પહેલા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે ‘ટેડ એક ખુબ જ હસમુખો અને હોંશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી.એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઇ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હીમ.’ મિસિસ થોમ્પ્પ્સનને આ વાંચીને નવાઇ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઇ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરુ કર્યું
 • બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોંશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઇ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારુડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઇ રહી છે.’ આ વાંચ્યા પછી મિસિસ થોમ્પ્સનને આઘાત લાગ્યો.
 • ત્રીજા વર્ગશિક્ષકની નોંધ હતી, ‘માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઇક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઇ જ બોલતો નથી. કોઇ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય…’ આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્પ્સનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી.
 • ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે’ ટેડ કોઇપણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઇ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા. અને બીજી કોઇ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં કયારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઇની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે…’
 • બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પ્સન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઇજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં ઝીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું ? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા.
 • બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઇ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત્પ્રજ્ઞની જેમ કોઇ હાવભાવ વગર બેઠો રહ્યો.
 • બધા બાળકો એક પછી એક આવીને ‘મેરી ક્રિસમસ મિસિસ થોમ્પ્સન’ કહેતાં પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાળેલા બોક્સ મિસિસ થોમ્પ્સનને આપતાં હતાં. ટેડ માથું ઝુકાવીને બેઠો હતો.. છેલ્લે ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઇ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મુંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઇને હસતા એની મશ્કરી કરવા લાગ્યા.બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોમ્પ્સન પાસે પહોંચ્યો. નીચું જોઇને ખચકાતાં ખચકાતાં એણે હાથ લંબાવ્યો.
 • “મારા વહાલા દીકરા ! આ ભેટ આપવા બદલ તારો ખુબ ખુબ આભાર !” કહેતાં મિસિસ થોમ્પ્સને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એણે મિસિસ થોમ્પ્સનની આંખોમાં જોયું. એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઊભરી આવી હતી. ટેડની આંખમાં પણ આભારના હજાર શબ્દો લખાઇ ચુક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો.
 • મિસિસ થોમ્પ્સને ટેડે આપેલી કથ્થાઇ so કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલાં છીપલાંનો એક કઢંગો પાટલો (બ્રેસલેટ) એમાં હતો. ટેડે જાતે જ બનાવેલો. અમુક છીપલાં બનાવતાં જ તૂટી ગયેલાં એની સાથે હતી પોણી વપરાઇ ગયેલી પર્ફ્યુમની બાટલી. આખો વર્ગ આ વસ્તુઓને જોઇને હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પ્સને બધાંને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઇને વહાલથી પૂછ્યું, ‘ટેડ દીકરા સાચું કહું ? આટલી સરસ ભેટ મને ક્યારેય કોઇએ આપી નથી. બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે. પણ તેં તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને ?” હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઇ ગયો.
 • એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસિસ થોમ્પ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે ‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો. – ટેડ.’ વાંચીને મિસિસ થોમ્પ્સનની આંખમાં આંસુ આવી ગયાં. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી
 • બીજે દિવસે ટેડ નહાઇને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એણે ધોયેલાં કપડાં પહેર્યા હતા. ત્યાર પછીથી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતાં ટેડનાં વખાણ કરવાની એક પણ તક જતી ન કરતાં. ટેડ નવમાસિક પરીક્ષામાં છઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ !! વરસના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો. મિસિસ થોમ્પ્સન પણ એટલું જ રડ્યાં. હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચુક્યો હતો.
 • એક વરસ પછી મિસિસ થોમ્પ્સનને ટેડનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોમ્પ્સન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભુલી શકે.
 • સમય સરકતો ગયો. છ સાત વરસ પછી મિસિસ થોમ્પ્સન આ ઘટનાને લગભગ ભુલી જવા આવ્યાં હતાં. એવે વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો. એણે લખ્યું હતું,’ મિસિસ થોમ્પ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજુરી કરીને ભણતાં ભણતાં મેં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ.’આંસુભરી આંખે મિસિસ થોમ્પ્સન પત્ર સામે જોઇ રહ્યાં.
 • એ પછી પાંચ વરસ સુધી ટેડના કોઇ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઇ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબીડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. આ વખતે ‘તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો’ એથી વધારે વિગત નહોતી. ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું. પણ પત્રમાં સહી બદલાઇ ગઇ હતી. પત્રને અંતે જ્યાં ‘ટેડ’ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉ. થીઓડોર એફ. સ્ટોડાર્ડ, એમ.ડી. એમ લખ્યું હતું. હા !! ટેડ હવે ડૉકટર બની ગયો હતો. મિસિસ થોમ્પ્સનની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.
 • પત્ર મળ્યાના બે દિવસમાં જ સવારના આઠ વાગ્યામાં મિસિસ થોમ્પ્સનના ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની સાથે એક રુપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ‘ઓળખ્યો મને ?’ મિસિસ થોમ્પ્સન હજુ અવઢવમાં હતાં.
 • ’હું ટેડ અને આ મારી વાગ્દત્તા !’ એટલું કહીને ટેડ મિસિસ થોમ્પ્સનના પગમાં પડી ગયો. ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું.
 • ત્રણ દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોમ્પ્સન આવ્યા ત્યારે ટેડે મિસિસ થોમ્પ્સનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા.એમના શરીર પરથી આવતી પર્ફ્યુમની સુગંધ ટેડ ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બાટલી મિસિસ થોમ્પ્સનને ભેટ આપી હતી એ જ !! એણે કહ્યું, ‘મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી. બાકીની પા મેં તમને આપેલી. એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી મા જ ત્યાં બિરાજે છે. મને ડૂમો ભરાઇ આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઇક સત્વ પડેલું છે અને હું પણ કંઇક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે…’ ટેડ આગળ ન બોલી શક્યો.
 • ’ના બેટા, એવું નથી. હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઇક અદભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઇએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઇક પણ ભણવા-ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચુકવી શકીશ ?’ ટેડ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પ્સને એને આશિર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનુ બ્રેસલેટ હતું…..
 • આ વાંચ્યા પછી તમારી આંખ માં આંસુ ન આવેતો તમારે હૃદય નો ઈલાજ કરાવવો જોઈએ એવું મારુ સ્પષ્ટ માનવું છે
 • કપિલસ્વામીજી
 • (‘મનનો માળો’)

6 ટિપ્પણીઓ:

 1. અશ્રુભીની આંખે આ અદભૂત કથા માટે ધન્યવાદ 🙏🙏

  જવાબ આપોકાઢી નાખો
 2. ખુબ સરસ પ્રેરણાદાયી વાર્તા છે મારે ડોક્ટર પાસે જવું પડે એવું નથી. એટલે કે મારે આંખ ભીની થઈ ગઈ અને હૃદયને પણ દુઃખ અને પછી રાહત મળેલ. દરેકને આવા બદલેલા શિક્ષક મળે તો

  જવાબ આપોકાઢી નાખો
 3. Vah vah 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  જવાબ આપોકાઢી નાખો
 4. Vah vah 👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏🙏👌🙏👌🙏👌🙏🙏🙏👌🙏👌🙏👌👌🙏👌👌🙏👌🙏

  જવાબ આપોકાઢી નાખો
 5. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏻👌👌🏻👌

  જવાબ આપોકાઢી નાખો

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો