વાહ...ગુરૂજી!!!!!!!!! 
આજે દિકરા માટે બજારમાંથી ખજૂર લેવાનું મન થયું.ખજૂરનો ભાવ ૩૪૦ રૂપીયે કિલો .ઘડિક આપણને થાય કે આટલી માંઘી ખજૂર ,હોળી વખતે તો ખજૂર ઢગલે ઢગલે દેખવા મળે અને માગ્યા વગર પણ ખાવા મળે ...... ભાવતાલ દુકાનદાર સાથે કરતો હતો પણ મન ચકડોળે ચડ્યું અને એક પ્રસંગ યાદ આવી ગયો.......... ..... વાત છે, પાટણ તાલુકાની વાયડ સેન્ટરમાં આવેલ હરીપુરા પ્રાથમિક શાળાની અને ગુરૂજીઓની. આશરે ત્રણેક વર્ષ પહેલાં DGRG અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી કન્યાઓના શિક્ષણ તથા તેમના શારીરીક ફેરફારો અનુસાર કેવી કેવી કાળજીઓ શિક્ષકોએ રાખવી. આ તાલિમ-માર્ગદર્શક વર્ગમાં હરીપુરા શાળામાંથી શ્રીમતી અલ્પાબેન નટવરલાલ પટેલ નામના ગુરૂજી તાલિમાર્થી તરીકે જાય છે. તાલિમમાં ઘણા વિષયો પર સંવાદો થાય છે અને સમય બાદ તાલિમ પૂર્ણ થાય છે. પણ આ તાલિમ વર્ગના અંદર થયેલા સંવાદો પર ગહન વિચાર કરીને આ શિક્ષિકા બેન એક સંકલ્પ લે છે. આ સમય ગાળા દરમિયાન શાળા આરોગ્ય તપાસણીના કાર્યક્રમ અંતર્ગત શાળાના બધાજ બાળકોની ચકાસણી કરવામાં આવે છે ત્યારે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓમાં અને કેટલાક છોકરાઓમાં લોહી જરૂરી માત્રા કરતાં ઓછું હોવાનું માલુમ પડે છે. ગુરૂજીના મનમાં લિધેલા સંકલ્પને પરીપૂર્ણ કરવાનું બળ આ ઘટના પૂરું પાડે છે. અને આ ગુરૂજી તથા શાળાના અન્ય ગુરૂજીઓ દરરોજ બજારમાંથી ખજૂરની ખરીદી શરૂ કરે છે. દરરોજ પ્રાર્થના સભા પત્યા બાદ દરેક બાળકને ખજૂરની એક પીંછી આપવામાં આવે છે. અને આ લેખ લખાય છે એ દિવસની પ્રાર્થના સભા સુધી આ સંકલ્પીત કાર્ય ચાલુ છે. 
આ ઉપરાંત દર શુક્રવારે બધાજ બાળકોને ગોળ-ચણાનો નાસ્તો ફરજીયાત આપવામાં આવે છે. ગામમાં પ્રથમ વખત વિયણતી ભેંશ કે ગાયનું દૂધ( શીરૂ) ગામના લોકો ત્રણ દિવસ સુધી શાળામાં આપી જાય છે. અને બધાજ બાળકોને આ શીરૂ પીવડાવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દૂધ ખૂબજ પૌષ્ટીક હોય છે અને આંખોના નંબર દૂર કરનારું છે. આ દૂધને ગરમ કરી તેની ‘ બળી ‘ બનાવીને બાળકોને પીરસવામાં આવે છે. માત્ર એક વર્ષ બાદ જ્યારે ફરીથી શાળા આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ શાળામાં યોજાય છે ત્યારે એક પણ બાળક લોહીની ઉણપ ધરાવતું જોવા મળતું નથી.
આ ગુરુજી તથા આ પાઠશાળાના અન્ય ગુરુજીઓ દર વર્ષે બાળકોને પોતાના ખર્ચે પ્રવાસ લઇ જાય છે. પરંતું ચાલુ વર્ષે પ્રવાસ નું આયોજન ન કરતાં ૧૮૦૦૦/- અઢાર હજાર રૂપીયા જેટલી રકમનાં બાળકો માટે સ્વેટરો લાવીને બાળકોને આપે છે. ખરેખર આવા ગુરૂજીઓ મા-સ્તરનું કાર્ય કરીને શિક્ષક ધર્મ ઉજાગર કરે છે આવા ગુરૂજીઓ વિશે જ્યારે સાંભળવા કે જાણવા મળે છે ત્યારે હૈયામાંથી નિકળી પડે છે વાહ..... ગુરૂજી!!!!!!!!!
- મૌલિક પટેલ
 
Top