0

એલેકઝાન્ડર ઘણાં રાષ્ટ્રો જીત્યા બાદ ઘેર પાછો ફરી રહ્યો હતો.માર્ગમાં તે બિમાર પડ્યો અને બિમારી તેને મરણપથારી સુધી ખેંચી ગઈ.મૃત્યુ સમીપ આવ્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના બધા વિજયો,તેની મહાન સેના,તેની ધારદાર તલવાર અને તેની સઘળી સંપત્તિ એ બધાં નો કોઈ જ અર્થ નહોતો.

આ ઘડીએ તેને પોતાને ઘેર પહોંચી જઈ માતાનું મુખ જોવાની અને તેને અલવિદા કહેવાની પ્રબળ ઇચ્છા થઈ આવી.પણ તેણે એ હકીકત સ્વીકારવી જ પડી કે તેનું બિમાર શરીર હવે દૂરના અંતરે આવેલી પોતાની માતૃભૂમિ સુધી પહોંચવા સક્ષમ નથી.આથી શક્તિશાળી એવા આ સિકંદરે નિશ્ચેષ્ટ અને દયનીય લાચાર હાલતમાં પડ્યા પડ્યા મૃત્યુની રાહ જોવા સિવાય કોઈ છૂટકો રહ્યો નહિ.

તેણે સાથે રહેલા કાફલામાંથી પોતાના અંગત મંત્રીઓને બોલાવ્યાં અને કહ્યું,"હવે મારો આ દુનિયામાંથી વિદાય લેવાનો સમય આવી પહોંચ્યો છે.મારી ત્રણ અંતિમ ઇચ્છાઓ છે,તે તમે ચોક્કસ પૂરી કરજો." આંખોમાં આંસુ સાથે મંત્રીઓએ તેમના પ્રિય રાજાને વચન આપ્યું કે તેઓ ચોક્કસ તેની અંતિમ ઇચ્છાઓ પૂરી કરશે.

એલેકઝાન્ડરે કહ્યું,"મારી પહેલી ઇચ્છા એ છે કે મારા ચિકિત્સકોએ જ મારી લાશને દફન વિધિ માટે લઈ જવી."

થોડો સમય અટક્યા બાદ તેણે કહ્યું,"બીજું જ્યારે મારા શબને દફન કરવા લઈ જવામાં આવે ત્યારે એ આખા માર્ગને મેં આજીવન કમાઈને મારા ખજાનામાં સંગ્રહેલા સુવર્ણ,રજત,હીરા અને મહા મૂલા રત્નોથી જડી દે જો."

આટલું બોલીને રાજા જાણે ખૂબ થાકી ગયો. એકાદ ક્ષણ તેણે મૌન સેવ્યું અને ત્યાર બાદ ફરી બોલ્યો,"મારી ત્રીજી અને અંતિમ ઇચ્છા એવી છે કે મારા બંને હાથ મારી કબરની બહાર રાખવામાં આવે."

ત્યાં ભેળા થયેલા મંત્રીઓને એલેકઝાન્ડરની આ વિચિત્ર માંગણીઓ સાંભળી ખૂબ નવાઈ લાગી.પણ કોઈની તેની સામે એક પણ હરફ સુદ્ધા ઉચ્ચારવાની હિંમત ચાલી નહિ. એલેકઝાન્ડરના ખાસ નજીકના મંત્રીએ તેનો હાથ લઈ ચૂમી લીધો અને તેને પોતાની છાતીએ લગાડી વચન આપ્યું કે તે રાજાની ત્રણે અંતિમ ઇચ્છાઓ પૂરી કરશે.છતાં તે પોતાના કુતૂહલને ખાળી શક્યો નહિ અને તેણે રાજાને આવી વિચિત્ર ઇચ્છાઓ પાછળનું કારણ પૂછયું.

એલેકઝાન્ડરે એક ઊંડો શ્વાસ લઈ તેના આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું,"મેં હમણાં જ શિખેલા ત્રણ પાઠ મારે વિશ્વને જણાવવા છે. હું ઇચ્છુ છું કે મારા ચિકિત્સકો મારા શબને દફન કરવા લઈ જાય કારણ એનાથી લોકો જોશે અને તેમને ખબર પડશે કે કોઈ ડોક્ટર ખરેખર મૃત્યુના મુખમાંથી ગમે તેવા મોટા માણસને પણ પાછો લાવી શકતો નથી. મોતના સંકજા સામે ભલભલો ચિકિત્સક વામણો સાબિત થાય છે. આથી આપણે જીવનનું મૂલ્ય જરા પણ ઓછુ આંકવુ જોઇએ નહિ અને ભરપૂર જીવી જાણવું જોઇએ.

કબર સુધીના માર્ગને કિંમતી રત્નો વગેરે જડીત બનાવવા પાછળનો આશય લોકોને એ જણાવવાનો છે કે આખી જિંદગી આટલી બધી સંપત્તિ એકઠી કરી હોવા છતાં તેમાંથી તસુભાર જેટલું ધન પણ હું સાથે લઈ જઈ શક્યો નથી. સમજવાનું એ છે કે સંપત્તિ પાછળ મૂકેલી આંધળી દોટ વ્યર્થ છે,મિથ્યા છે.

અને હાથ કબરની બહાર દેખાય એમ રાખવાની મારી છેલ્લી અને ત્રીજી ઇચ્છા પાછળનું કારણ એ છે કે હું તેમને યાદ અપાવવા માગુ છું કે આ દુનિયામાં આપણે સૌ ખાલી હાથે જ આવ્યા હતાં અને આ દુનિયા ખાલી હાથે જ છોડી જવાના છીએ.”

આટલું બોલી રાજાએ સદાયને માટે આંખો મીંચી દીધી.

આપણું સારૂં સ્વાસ્થ્ય આપણાં પોતાના હાથમાં છે, તેનું જતન કરો. જો તમે જીવતા હશો અને સ્વસ્થ-સાજા હશો તો જ તમે તમારી સઘળી સંપત્તિ માણી શકશો, તેનો ઉપયોગ કરી શકશો.

તમે જે તમારા પોતાના માટે કરો છો તે તમારી સાથે જ મૃત્યુ પામે છે.પણ જે તમે બીજાઓ માટે કરો છો તે કાયમ જીવંત રહે છે, જેને આપણે ‘વારસો’ કહીએ છીએ.


જીવન તમે તેને જે બનાવો છો તેના દસ ટકા માત્ર છે, બાકીનું નેવુ ટકા તમે એ કઈ રીતે જીવો છો તે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top