એક ગુરુ પોતાના શિષ્યો સાથે તિર્થયાત્રાએ
નીકળ્યા હતા. આધુનિક યુગમાં પણ એમણે આ યાત્રા
પગપાળા કરવાનું પસંદ કર્યુ. એકદિવસ સાંજના સમયે
થાક ઉતારવા માટે બધા એક વૃક્ષ નીચે બેઠા હતા.
સામે જ મોટુ મેદાન હતુ અને ગામના યુવાનો આ
મેદાનમાં ફુટબોલ રમી રહ્યા હતા.
ગુરુજી એકાગ્ર ચીતે ફુટબોલ રમી રહેલા યુવાનોને
જોઇ રહ્યા હતા. એક શિષ્યએ પુછ્યુ , " ગુરુદેવ, આપ
આટલી એકાગ્રતા સાથે શું નિરિક્ષણ કરી રહ્યા છો ?
બધી જ રમતો જેવી આ એક સામાન્ય રમત છે એમા
આપને આટલી બધી રુચી કેમ છે ? શું આ આપની પ્રિય
રમત છે ? "
ગુરુએ કહ્યુ, " અરે ભાઇ એવુ કંઇ નથી હું તો આ રમતમાં
ઉપયોગમાં લેવાતા ફુટબોલની દશા જોઇ રહ્યો
હતો. કેવી લાતો ખાય છે અને સતત એક જગ્યાએથી
બીજી જગ્યાએ ફંગોળાઇ રહ્યો છે. જેની પાસે જાય
છે એ પગથી જોરદાર લાત મારે છે. શિષ્યએ કહ્યુ , "
તો એમાં શું નવી નવાઇ છે એનું કામ જ લાત ખાવાનું
છે ? "
ગુરુજીએ શિષ્યને પુછ્યુ, " તને ખબર છે આ બોલ શા માટે
બધાની લાત ખાઇ રહ્યો છે ? " શિષ્યએ કહ્યુ, " ના,
આપ જ જણાવો." ગુરુએ સ્પષ્ટતા કરતા કહ્યુ, "
બોલમાં હવા ભરાયેલ છે અને હવા ભરાવાથી એ
બરોબરનો ફુલાઇ ગયો છે એટલે બધા એને લાત મારી
રહ્યા છે. તમે બધા પણ યાદ રાખજો જો તમારામાં
હવા ભરાઇ જશે અને ફુલી જશો તો લોકો પણ તમને
લાતો મારશે."
મિત્રો, જે માણસને સત્તાની, સંપતિની, રૂપની કે
જ્ઞાનની હવા ભરાઇ જાય છે એને પણ આ ફુટબોલની
જેમ લોકોની લાતો ખાવાનો સમય ચોક્ક્સ પણે આવે
છે માટે બહુ ફુલાઇ ન જવુ.
 
Top