દૂરથી ગાડીની વ્હીસલનો અવાજ સંભળાયો . મધુકર સજાગ થઇ ગયો . પાર્કિંગમાંથી તેણે લક્ઝરી સિડાન બહાર કાઢી અને રેલવે સ્ટેશનની સામે આવીને એણે ગાડી પાર્ક કરી. 

તેણે સિગારેટ સળગાવી ને ગાડીના ટેકે ઉભો રહી , લાંબા કસે ધૂમ્રવલયો છોડવા લાગ્યો. તેની નજર રેલવે સ્ટેશનના મેઈન ગેટ પર મંડાયેલી હતી. 
થોડીવારમાં જ પ્લેટફોર્મ પર જબરો કોલાહલ મચી ગયો. ઉતરનારા - ચઢનારા મુસાફરોના ચિત્ર - વિચિત્ર અવાજો ...... ફેરિયાઓની બૂમાબૂમ ........કૂલીઓનો ધસારો ........બાળકોની ચીસાચીસ - થોડીવાર પહેલાનું શાંત દેખાતું રેલવે સ્ટેશન ભારે ચહલપહલથી જીવંત થઇ ઉઠ્યું.

ઉતારુઓ હવે ઉતાવળે પગલે બહાર આવી રહ્યા હતા . મધુકરની તીક્ષ્ણ નજર દરવાજામાંથી બહાર આવતા પ્રત્યેક પ્રવાસીને તપાસતી રહી . એ સહુ પોતપોતાની મંજિલ તરફ દોડ્યે જતા હતા .મધુકરને એવા લોકોમાં કશો રસ ન હતો . તેને તો ઇન્તજાર હતો સહુથી છેલ્લે નીકળનાર પ્રવાસીનો ; એવા પ્રવાસીનો કે જેના પગને દિશા ન હોય , નજરને ભવિષ્ય ન હોય અને એવા પ્રવાસી તરીકે કોઈ નમણી યુવતી હોય તો જ મધુકરનો ફેરો ફળતો.

મધુકર યુવાન હતો , સ્વરૂપવાન હતો , બાપ ધનવાન હતો. સાથે અવિવેક પણ ભળ્યો. પછી પૂછવું જ શું ? મધુકર રોજ સાંજે રેલવે સ્ટેશનની બહાર પોતાની સિડાન લઇ ઉભો રહેતો . આ મેટ્રોસિટીમાં રોજેરોજ કેટલીય યુવતીઓ અવનવા સપના લઈને ઉતરી પડતી . કોઈક પ્રેમી સાથે ભાગીને આવતી તો કોઈક ફિલ્મલાઈનમાં કામ મેળવવા . કોઈ મજબૂરીથી આવતી તો કોઈ મોજશોખ માણવા.........અને અંતે આ મહાનગરમાં ક્યાંય અલોપ થઇ જતી .

મધુકરને હવે આદત પડી ગઈ હતી . તે મજબૂર યુવતીનો હમદર્દ બની જતો . યુવતીને મીઠી વાતોથી વિશ્વાસમાં લઇ , પોતાના ખાનગી રીતે લીધેલા ફ્લેટ પર લઇ આવતો . વળતી સવારે યુવતીને નિ:સહાય હાલતમાં રેલવે સ્ટેશન પર છોડી , નવા શિકારની શોધમાં નીકળી પડતો.

બે - ત્રણ વખત તો એ પણ ભરાઈ પડ્યો હતો .ગામડેથી પ્રેમી સાથે ભાગીને આવેલી કામિનીને એનો પ્રેમી ગેસ્ટહાઉસમાં સૂતી મૂકીને ભાગી ગયેલો. કામિનીને ત્રણ દિવસ સુધી મધુકરે સાચવી , પણ પછી કામિની એને પળવાર માટે પણ રેઢો મૂકતી નહિ .મધુકરને જળોની જેમ ચોંટેલી જ રહે . છેવટે મોટી રકમ ચૂકવી , એણે કામિનીથી છૂટકારો મેળવેલો.

એક ટીનએજર - તર્જની મોડેલીંગમાં નામ કમાવા મેટ્રોસીટીમાં આવેલી . સ્ટેશનની બહાર પગ મૂકતા જ મધુકરની માયાજાળમાં ફસાઈ ગઈ .એને સાચવતા તો મધુકરને આંખે અંધારા આવી ગયેલા. લૂંટાયેલી સંપતિ ને ધૂંધળા ભવિષ્યને લઈને વાતે વાતે રડે . આખરે પોતાના એક મિત્રને ભળાવી , મધુકર માંડ માંડ છૂટ્યો.

ટન............. ટન............. ટન.............ટાવરમાં ડંકા પડવા શરુ થયા. મધુકરે ઘડિયાળમાં જોયું , આઠ થયા હતા.ધરતી પર ધીરે ધીરે અંધકારનું સામ્રાજ્ય જામવા લાગ્યું હતું .

મધુકરને એકલો જોઈ બે-ત્રણ ધંધાદારી સ્ત્રીઓએ દાણો ચાંપી જોયો . જોકે , મધુકરે એ તરફ દૃષ્ટિ સુધ્ધાં ન કરી . એને તો નવી તિતલીમાં જ રસ હતો.

એકાએક તેની આંખમાં ચમક આવી ગઈ .દરવાજામાંથી વીસ - બાવીસ વર્ષની એક યુવતી ધીમી ચાલે બહાર આવી રહી હતી . મધુકર જોઈ જ રહ્યો એને ....આછા ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ .........એવા જ રંગનો ટપકાવાળો દુપટ્ટો ...........ભરાવદાર ઉરપ્રદેશ.......... ગુલાબી લંબગોળ ચહેરો ને ખભા સુધી પહોંચતા વાંકડિયા વાળ .....!........' આવ ...આવ 'નું આમંત્રણ આપતા રસીલા હોઠ .......સુખ - ચેન છીનવી લે તેવી કામણગારી આંખો ને -

- અચાનક મધુકરની ભાવસમાધિમાં વિક્ષેપ પડ્યો . એક ટેક્સીવાળો યુવતી પાસે દોડી આવ્યો હતો , યુવતીએ ઇશારાથી જ તેને ના કહી દીધી. ટેક્સીવાળો નિરાશ થઇ પાછો વળ્યો . યુવતીએ ચારેબાજુ નજર ફેરવી અને પછી એ લાઈટના થાંભલા પાસે આવીને ઉભી રહી .

મધુકર યુવતીની હરેક હરકતને ઝીણવટથી નિહાળી રહ્યો . યુવતી પાસે ન તો કશો સામાન હતો કે ન તો હાથમાં પર્સ . તે કોઈકને શોધતી હોય એમ થોડી થોડી વારે ચારેબાજુ જોઈ લેતી અને પછી ટાવરના ઘડિયાળ તરફ નજર કરતી .ચહેરા પરની બેચેની તેના ચહેરાને વધુ આકર્ષક બનાવતી હતી .

પાંચ મિનીટ ......દશ મિનીટ .........પંદર મિનીટ ........સમય પસાર થતો રહ્યો .યુવતી કંટાળીને એટલામાં આંટા મારવા લાગી .મધુકરને લાગ્યું કે હવે સમય બગાડવો પાલવે તેમ નથી .શિકાર છટકી જાય તે પહેલા જાળ બિછાવી દેવી જોઈએ . તે યુવતીની પાસે પહોંચ્યો : ' મેં આઈ હેલ્પ યુ ...?' 
' ઓહ ..નો .....થેન્ક્સ .......'
' જુઓ ...તમે કાઈ ગેરસમજ ન કરતા ...પણ મને લાગે છે કે તમે કશીક મુશ્કેલીમાં છો .' 
' જ્યોતિષી છો ?' યુવતીએ માથામાં જાણે હથોડો માર્યો. 
' ના ....ના.... એમ નહિ ....પણ તમે ક્યારનાય અહી ઉભા છો તો મને થયું કે .......' મધુકરની જીભે લોચા વળવા લાગ્યા . 
' તો શું થયું ...? એમ તો તમે પણ ક્યારનાય અહી ઉભા છો .....મિસ્ટર - ' 
' મધુકર .......' મધુકરથી બોલી જવાયું . 
' જે હોય તે ...ચાલતી પકડો .... કે પોલીસ બોલાવું ...?'

મધુકરને યુવતીનો ગરમ મિજાજ ભારે પસંદ આવ્યો , ' ગમે તે ભોગે આ વાઘણને જેર કરવી જ છે ' તે પાછો પોતાની કાર પાસે આવીને ઉભો રહ્યો .

યુવતી થાંભલા પાસે જ ઉભી રહી . તે ત્રાંસી નજરે મધુકર તરફ જોઈ લેતી હતી . પેલો ટેક્સીવાળો પણ ત્યાં જ હતો . તે હિમત કરી આગળ આવ્યો , ' મેડમ , ક્યાં જવું છે આપને ...? ' 
' જહન્નમમાં .......! ....લઇ જઈશ ...?' યુવતી ચિડાઈને બોલી.

ટેક્સીવાળો ડઘાઈ જ ગયો. છતાં આ વખતે પાછા હટવાને બદલે એણે અન્ય ટેક્સીવાળાને બૂમ મારી.ત્રણ - ચાર ટેક્સીવાળા એની સાથે જોડાઈને હા ....હા .......હી ...હી .....કરવા લાગ્યા . એમના મોટેથી હસવાના અવાજથી ફૂટપાથમાં જાણે જીવ આવ્યો ...!...ત્રણ - ચાર ઓળા ઉભા થયા ને યુવતી તરફ ચાલ્યા .યુવતી પાસે પહોચતા જ એક ઓળો બોલ્યો , ' ભગવાન કે નામ પે કુછ દે.... દે .....બેટી ....! ...તેરા કલ્યાણ હોગા .....! '

યુવતીના ચહેરા પર ગુસ્સાની જગ્યાએ ભય ડોકાવા લાગ્યો . તેણે ત્યાંથી હટવા પગ ઉપાડ્યા તો ટોળું તેની સાથે ચાલ્યું .યુવતી રીતસર કંપવા લાગી . તેણે મધુકર સામે જોયું તેની આંખોમાં આજીજી તરવરી રહી હતી .મધુકરને લાગ્યું કે હવે આપણો ભાવ આવ્યો છે . તે ઝડપથી ટોળા પાસે જઈ પહોંચ્યો , ' શું છે આ બધું ..?..ચાલો ..હટો અહીંથી .....હમણા એક રીંગ મારીશ તો બધા અંદર થઇ જશો ...ચાલો , ભાગો ...! ' 
મધુકરનો સત્તાવાહી અવાજ , સુદઢ શરીર સૌષ્ઠવ ને ભપકાદાર વ્યક્તિત્વથી અંજાઈ, સૌ આઘાપાછા થઇ ગયા .

મધુકર યુવતીની પાસે આવ્યો . યુવતી સહેજ ઝંખવાઈ . તે ડરતા ડરતા બોલી , ' સોરી ...હું તમને ગલત સમજી હતી .' 
' ઇટ્સ ઓકે ...બોલો , શું મદદ કરું ...?' 
' વાત જરા એમ છે કે ...આ સિટીમાં ફર્સ્ટ ટાઈમ આવી છું .મારી ફ્રેન્ડ રીસીવ કરવા આવવાની હતી પણ તે ક્યાય દેખાતી નથી .' 
' ડોન્ટ વરી....! ......ક્યાં રહે છે તમારી ફ્રેન્ડ ...?' 
' જી .....સી. જી. રોડ પર ક્યાંક રહે છે . પણ એ લેવા આવવાની હતી એટલે એડ્રેસ નહોતું લીધું .' યુવતીએ રોતલ અવાજે કહ્યું . 
' જુઓ .....હું મારાથી બનતી તમામ મદદ કરીશ .' કહેતા મધુકરે ખીસામાંથી સેલફોન કાઢ્યો : ' બોલો.. તમારી ફ્રેન્ડનો નંબર ...?' 
' યુવતી રડી પડી .ડૂસકા ભરતા બોલી , ' નંબર યાદ નથી . મોબાઈલમાં 'સેવ' કરેલો હતો ને કોઈ મારો મોબાઈલ , કપડા ભરેલો થેલો ને હેન્ડબેગ - બધું ઉઠાવી ગયું . 
' પ્લીઝ ........પ્લીઝ ...........તમે રડો નહિ ....હું તમારી સાથે છું . બોલો, તમારી ફ્રેન્ડની ક્યાં સુધી રાહ જોઈશું ?' મધુકરે પ્રશ્નસૂચક નજરે યુવતી સામે જોયું . 
યુવતી અસમજંસમાં પડી.મધુકરને લાગ્યું કે આજે તો પાસા પોબાર છે. તેણે તરકસમાંથી તીર ફેંક્યું : ' ચાલો, મારી સાથે ....' 
' તમારી સાથે ...? ...આમ સાવ ઓળખાણ વિના ...તમે .....' ' - મધુકર ' 
' મને ખબર છે . આ નામ અગાઉ સાંભળી ચૂકી છું .' યુવતી સહેજ હળવી બની . 
' જુઓ , રાત્રીના દશ થવા આવ્યા છે ..અને અહી વધુ રોકવામાં જોખમ છે ' 
' પણ ...તમારા ડેડી .....મમ્મીને શું કહેશો ?' 
' અરે , હું એકલો જ રહું છું . વળી , મારે ત્યાં તમે બિલકુલ સલામત રહેશો તેની હું ખાતરી આપું છું .' 
' પ..ણ....આમ તમારી સાથે ...' યુવતી હજી કશો નિર્ણય નહોતી લઇ શકતી . 
' જુઓ - ' 
' સાધના ' 
' જુઓ , સાધનાજી.......' 
' જી નહિ લગાવો તો ચાલશે ' 
' જેવી આપની મરજી ....સાધના , હું આ શહેરમાં આવ્યો ત્યારે તમારી જેમ અજનબી ને એકલો જ હતો . આજે મારી પાસે ધન - દોલત બધું જ છે . છતાં આ મહાનગરની ભીડમાં હું આજેય એકલો જ છું ....ખેર .......મારી વ્યથા મારી પાસે . તમને મારા પર વિશ્વાસ આવતો હોય તો ચાલો મારી સાથે ....!' 
' હું આવું તો ખરી ..પ ..ણ ....' 
' પ ..... ણ ....... શું ...? ' મધુકર અધીરો થઇ ઉઠ્યો . ' પણ ..મને ભૂખ લાગી છે ...' સાધના હળવા મુડમાં આવી . 
' થેંક ગોડ...! ..હું પણ હજી જમ્યો નથી . ચાલો, કંપની રહેશે .'

શહેરની પ્રખ્યાત હોટલમાં બંને જમ્યાં. સાધનાના ડર , સંકોચ , ઉદાસી થોડા ઓછા થયા હતાં.તેણે કહ્યું , ' મધુકર , હું તમારી પાઈએ પાઈ ચૂકવી દઈશ. આવતી કાલે સી. જી. રોડ પર ફરીને મારી ફ્રેન્ડને શોધી કાઢીએ.' 
' ડોન્ટ વરી . બધું થઇ પડશે ...બોલો , હવે બીજું કાઈ ...?' ' તમને તકલીફ તો નહોતી આપવી ..પણ મારી પાસે પહેરવા માટે બીજા કપડા નથી.' 
' અરે , તો શું થઇ ગયું ...? અત્યારે જ ખરીદી લઈએ ...અને જુઓ , કીમત સામે જોશો નહિ , કપડા તમારી પસંદગી મુજબના હોવા જોઈએ .'

ક્રેડીટ કાર્ડની મદદથી બીલ ચૂકવતી વખતે મધુકર મલકાતો હતો ,' દસેક દિવસ તો રોકવી જ છે .' મનના ભાવ છુપાવતા એણે કહ્યું , ' બોલો , બીજી કોઈ સેવા ...?'

' તમને વધારે હેરાન નથી કરવા ..પણ શું કરું ...? ...મારો મેકઅપનો સામાન પણ બેગ સાથે જ ગયો ....' 
' તો શું થયું ...? જુઓ , હજી સ્ટોર બંધ નથી થયા ને મારું બેંક બેલેન્સ પણ ઝીરો નથી થયું .' 
' મધુકર , હું તમારી પાસે ખર્ચો કરાવી રહી છું પણ મારી એક શરત છે , જ્યારે પણ મારી પાસે પૈસા આવે ત્યારે તમારે ખર્ચાની રકમ પરત લેવી પડશે.' 
' મને એવી કોઈ જરૂર લાગતી નથી ' 
' તો ..મારે હવે કશી ખરીદી નથી કરવી .' 
' અરે , તમે તો રિસાઈ ગયા ...! ...ચાલો , તમે કહો તેમ ......હવે તો ખુશ ને ?'

- અને એ રાત મધુકર માટે યાદગાર રાત બની ગઈ. સવારે જાગ્યો ત્યારે તે એકદમ પ્રફુલ્લિત જણાતો હતો .તેણે પથારીમાં જોયું તો સાધના ન હતી . બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. તે બહાર બાલ્કનીમાં આવ્યો . ક્યાય સાધના દેખાઈ નહિ .તે પાછો રૂમમાં આવ્યો ને તેની નજર ટીપાઈ પર પડેલી ચબરખી પર પડી .

ચબરખીમાં લખ્યું હતું : ' મધુકર , આમ તો હું એક નાઈટના ફક્ત બે હજાર જ લઉં છું પણ તું બહુ ઉદાર નીકળ્યો . તારી ઉદારતા માટે આભાર ..... અને હા , વારે વારે તારી ' જુઓ ...જુઓ ' બોલવાની આદત ખૂબ પસંદ આવી. -સાધના

મધુકરનું માથું ભમવા લાગ્યું. તેણે ગુસ્સામાં દીવાલ પર મુક્કો પાર્યો ને પછી હાથ પંપાળતો ફર્શ પર બેસી પડ્યો. 

- મગન મકવાણા ' મંગલપંથી '

- ફિલિન્ગસ 2012ના દીપોત્સવી અંકમા પ્રકાશિત


 
Top