0
એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતા પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી.ફેસબુક પર હજારો ફ્રેન્ડસ હોવા છતા એને એકલતા કોરી ખાતી હતી. એકદિવસ એ કોઇ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધા પ્રશ્નો આ વિદ્વાન માણસ પાસે રજુ કરીને નિરાશા-હતાશાને દુર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી.

વિદ્વાન માણસે કહ્યુ, " ભાઇ તારી સમસ્યાઓનો ઉકેલ તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે." પેલા યુવાને વિદ્વાનને પ્રશ્ન કર્યો , " એ વળી કેવી રીતે ?" વિદ્વાને કહ્યુ , " તમે મોબાઇલનો ઉપયોગ કરો છો કે નહી?" સામે તુરંત જ જવાબ મળ્યો , " અરે મોબાઇલ વગર કેવી રીતે જીવી શકાય ! હું એક નહી ત્રણ-ત્રણ મોબાઇલ રાખુ છું"


વિદ્વાને વાતને આગળ વધારતા કહ્યુ , " આ તમારા મોબાઇલમાં કોઇના મેસેજ આવે તો પછી તમે શું કરો ? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા?" યુવાને કહ્યુ, " ના મહારાજ, બધા મેસેજ સાચવીને રાખીએ તો મોબાઇલ કામ કરતો બંધ થઇ જાય અને આમ પણ બધા જ મેસેજ કંઇ કામના નથી હોતા. અમુક તો સાવ ફાલતુ હોય એને તો વાંચ્યા વગર જ ડીલીટ કરી નાંખું. જો સારા મેસેજ હોય તો મિત્રોને ફોરવર્ડ કરુ અને કેટલાક મેસેજ તો ખુબ જ સારા હોય તો એને સાચવીને રાખુ અને નવરાશના સમયે એને વાંચુ"

હવે પેલા વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડીને કહ્યુ , " ભાઇ આ મેસેજની જેમ આપણા જીવનમાં પણ રોજ-બરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. જે ઘટનાઓ સાવ ફાલતુ હોય એને તુંરત જ ડીલીટ કરી દેવી. જે ઘટના સારી હોય એ આપણા પુરતી મર્યાદીત ન રાખતા મિત્રો વચ્ચે વહેંચવી અને કેટલીક ઘટનાઓ એવી હોય કે જેને હદયના ઉંડા ખૂણે સાચવીને રાખી મુકવી અને નવરાશના સમયે એ ઘટનાઓને વાગોળવી."

મિત્રો, આપણે બધા મોબાઇલનો ઉપયોગ કરીએ જ છીએ.મોબાઇલમાં આવતા ફાલતુ મેસેજને તુંરત જ ડીલીટ કરી નાંખનારા આપણે બધા જીવનની ફાલતુ ઘટનાઓને કેમ સેવ કરીને રાખીએ છીએ? અને જે સેવ કરવા જેવી ઘટનાઓ છે એને ડીલીટ કરી નાંખીએ છીએ. કોઇ બાળકે આપેલુ સ્મિત ભૂલાઇ જાય છે અને કોઇએ આપેલી ગાળ જીંદગીભર યાદ રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top