સ્પેનની રાજધાની મેડ્રીડમાં તા. 23મી સપ્ટેમ્બર 1943ના રોજ જન્મેલો એક બાળક નાનપણથી ફુટબોલના ખેલાડી બનવાનું સપનું જોતો હતો.જ્યારથી સમજતો થયો ત્યારથી એણે પોતાની જાતને ફુટબોલ માટે સમર્પિત કરી. સ્પેનને પણ આ છોકરામાં ફુટબોલની રાષ્ટ્રીય ટીમ માટેનો એક શ્રેષ્ઠ ખેલાડી દેખાતો હતો.

કિશોરાવસ્થામાં જ એણે સ્પેનની ફુટબોલ ટીમમાં સ્થાન મેળવી લીધુ અને થોડા સમયમાં એ સ્પેનનો નંબર - 1 ગોલકીપર પણ બની ગયો. 1963ના વર્ષમાં મિત્રો સાથે બહાર ફરવા માટે ગયેલા આ યુવાનની કારનો અકસ્માત થયો અને એની કમરનો નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો.


બે વર્ષ સુધી તે ચાલી શકે એવી સ્થિતીમાં પણ નહોતો. 18 મહીના સુધી તો પથારીવશ રહ્યો. આ સમયગાળા દરમ્યાન શરુઆતમાં એ ખુબ નિરાશ થઇ ગયો. પોતાના સપનાને રોળાતુ જોઇને એ ખુબ દુ:ખી થયો. તેની સેવામાં રહેલી નર્સે ઉદાસ યુવાનના જીવનમાં નવા રંગો પુરવા માટે એક ગીટાર ભેટમાં આપી. આખો દિવસ પથારીમાં બેસીને કંટાળેલા આ યુવાને ગીટાર વગાડવાનું શરુ કર્યુ.

ધીમે ધીમે ગીટાર વગાડવામાં એ નિપૂણ બની ગયો. હવે તો એ ગીતો પણ લખવા લાગ્યો. પોતે જ લખે , પોતે જ વગાડે અને પોતે જ ગાય. 1968માં સ્પેનમાં આયોજીત એક સંગિત સ્પર્ધામાં એણે લખેલ અને ગાયેલ ગીત " Life goes on the same " લોકોને ખુબ પસંદ પડ્યુ અને એ સ્પર્ધામાં એણે પ્રથમ ઇનામ જીત્યુ.

આ યુવાને હવે પોતાની બધી જ શક્તિઓ લેખન અને ગાયનના ક્ષેત્રે કેન્દ્રિત કરી જેના પરિણામે આજે એ વિશ્વના શ્રેષ્ઠ ગાયકોમાંનો એક ગાયક ગણાય છે. એણે ગાયેલા ગીતોના 30 કરોડથી વધુ આલ્બમ્સ વેંચાઇ ચુક્યા છે. જૂલિયો ઇગ્લેસિયસ કાર અકસ્માત બાદ ક્યારેય ફુટબોલ નથી રમી શક્યો પણ હતાશાને ખંખેરીને ફરીથી ઉભો થયો અને સંગિતનો બેતાજ બાદશાહ બની ગયો.

જીવનમાં મનગમતા ક્ષેત્રમાં આગળ વધવાની તક ન મળે તો જે ક્ષેત્રમાં જવુ પડે તે ક્ષેત્રને મનગમતુ કરીને જાતને સમર્પિત કરીએ તો આપણે પણ જૂલિયો ઇગ્લેસિયસ જ છીએ.

ગણગણી લે એ જે સહજ આપે,
રોજ ક્યાંથી જુદી તરજ આપે ?
- સંજુ વાળા
 
Top