એક શાળામાં શિક્ષકની વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓના વહાલા બહેન આજે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના આચાર્ય, બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા.

નિવૃતિ લઇ રહેલા શિક્ષિકાની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃતિ જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા હતા. પ્રવચનો પુરા થયા એટલે શાળાના આચાર્ય તથા સૌ શિક્ષકોએ સાથે મળીને આ શિક્ષિકા બહેનને શાલ, શ્રીફળ અને સાકરનો પળો આપ્યો. કેટલાક શિક્ષકો એમના માટે ગીફ્ટ લાવ્યા હતા એ ગીફ્ટ પણ આપવામાં આવી.

સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઉભી થઇ અને શરમાતા શરમાતા બોલી, " મારે પણ મારા તરફથી બહેનને કંઇક આપવું છે ". આચાર્યએ એ છોકરીને આગળ બોલાવી અને કહ્યુ, " બેટા, તારે જે આપવુ હોય તે આપ." છોકરીએ પોતાના દફતરમાંથી એક નાનુ લંચબોકસ કાઢ્યુ અને પોતાના વહાલા બહેનને આપ્યુ. બધાને આશ્વર્ય થયુ કે આ છોકરી લંચબોક્ષમાં શું લાવી. શિક્ષિકાએ લંચબોક્સ ખોલ્યુ તો એમાં થોડી રોટલી અને ગોળ હતો. શિક્ષિકાએ છોકરીને પુછ્યુ, " બેટા, તું મારા માટે રોટલી અને ગોળ કેમ લાવી ? "

છોકરીએ આંખમાં આંસુ સાથે કહ્યુ, " બહેન, હવે તમે આ નિશાળ છોડીને દુર દુર તમારા ગામમાં જશો તમને ભૂખ લાગે તો તમે શું ખાશો ? એટલે હું તમારા માટે ખાવાનું લાવી છું. મારી મા તો મને નાની મુકીને જ મરી ગઇ હતી. હું નિશાળમાં ભણવા માટે આવી અને મને મારી મરી ગયેલી મા તમારા રૂપે પાછી મળી. એક મા પોતાની દિકરીનું ધ્યાન રાખે એમ તમે પણ મને દિકરી સમજીને મારુ ધ્યાન રાખ્યુ છે એટલે હવે મારી પણ ફરજ છે કે હું મારી માનું ધ્યાન રાખુ. આજે માત્ર મારા શિક્ષિકા જ નહી મારી માની પણ વિદાય છે. હું ફરીથી મા વગરની થઇ જઇશ."

નાની છોકરીની વાતો સાંભળીને બધાની આંખો ભીની થઇ ગઇ. એક બીજા શિક્ષિકા બહેને આ દિકરીને ઉપાડી લીધી અને કહ્યુ, " બેટા હવે અમે તારી મા બનીને તારુ ધ્યાન રાખીશું"

આ કોઇ વાર્તા નથી. ધારી પંથકના એક ગામની આ સત્ય ઘટના છે. આ શિક્ષિકાનું નામ છે હંસાબેન માઢક.

મિત્રો, માત્ર કરવા ખાતર કામ કરવું અને દિલ દઇને કામ કરવું આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણને સોંપાયેલ કામ નિષ્ઠાપૂર્વક કરીએ ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલાય લોકોની બહુ મોટી સેવા પણ થતી હોય છે અને એ સેવાની યોગ્ય નોંધ પણ લેવાતી હોય છે
 
Top