પ્રિતી નામની એક યુવતી મુંબઇની જાણીતી સંસ્થા 'ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સ'માં અભ્યાસ કરી રહી હતી. અભ્યાસના ભાગ તરીકે પ્રિતીએ સામાજીક સમ્સ્યાઓ પર એક સંશોધનપત્ર રજુ કરવાનું હતું. પ્રિતીએ પોતાના સંશોધન કાર્ય માટે કમાટીપુરાના રેડલાઇટ એરીયા પર પસંદગી ઉતારી. કમાટીપુરા "દેહના વેપાર" માટે જાણીતો વિસ્તાર છે.

પ્રિતીએ પોતાના સંશોધન કાર્ય માટે આ વિસ્તારની મુલાકાત લીધી. સેક્સ વર્કર તરીકે કામ કરતી બહેનોને મળીને એમની આપવીતી જાણી ત્યારે પ્રિતી હચમચી ઉઠી. ખાસ કરીને સેકસ વર્કર તરીકે કામ કરતી બહેનોના સંતાનોની પરિસ્થીતી અત્યંત દયનિય હતી. પ્રિતીને એના સંશોધનકાર્ય દરમ્યાન જાણવા મળ્યુ કે રાત્રે જ્યારે ગ્રાહકો શરીરસુખ માણવા માટે આવે ત્યારે 'સેકસ વર્કર' નાના દિકરા-દિકરીને દવા પાઇને પલંગ નીચે સુવડાવી દે અને દિકરા-દિકરી મોટા હોય તો રાત્રે ઘરની બહાર કાઢી મુકવામાં આવે.


સેકસ વર્કરના સંતાનો પૈકી દિકરાઓને વેંચી નાંખવામાં આવે અને દિકરીઓને માતાના વ્યવસાયમાં ઘસડી જવામાં આવે. છોકરીઓએ પોતાના તમામ અરમાનોની હોળી કરીને પારાવાર પીડા સાથે મમ્મીના ધંધાને સ્વિકારી લેવાનો. કેટલીક વખત તો છોકરાએ એની મા કે બહેન માટે ગ્રાહકો શોધી લાવવાનું કામ કરવું પડે.

પ્રિતીએ જ્યારે આ બધુ જાણ્યુ ત્યારે એનુ હદય ખુબ વલોવાયુ. એમની ઉંઘ ઉડી ગઇ. એ તો માત્ર અભ્યાસના એક ભાગ રુપે સંશોધનકાર્યના ઇરાદાથી રેડલાઇટ એરીયાની મુલાકાતે ગઇ હતી પરંતું એમણે હવે આ બદનસીબ બાળકોના નસીબને ચમકાવવાનો નિર્ણય કર્યો. ગોલ્ડમેડાલીસ્ટ પ્રિતીએ કોઇ નોકરી કરવાના બદલે રેડલાઇટ એરીયાના બાળકો માટે કોઇ નક્કર કામ કરવાનું નક્કી કર્યુ.

પ્રિતીએ આ માટે રેડલાઇટ વિસ્તારમાં જ "નાઇટ સેટલર" ચાલુ કર્યા. આ એવી વ્યવસ્થા હતી જ્યાં સેક્સ વર્કર રાત્રે એમના સંતાનોને મુકી જાય અને સવારે પાછા લઇ જાય. આ કામ માટે પ્રિતીને શરૂઆતમાં ખુબ મુશ્કેલી પડી પરંતું સતત કાઉન્સેલીંગ અને હીંમતને કારણે એ એના ધ્યેયમાં સફળ થઇ. મોટા ભાગની સેક્સ વર્કર બહેનો એમના સંતાનોને આ રાતે પ્રિતીની સંસ્થામાં મુકી જતી.

આ તમામ બાળકો માટે રાત્રે જમવાની વ્યવસ્થા થાય. સાથે સાથે બાળકોને ભણાવવામાં આવે. મોટા માણસ બનવાના સપના બતાવવામાં આવે અને એમના સપના પુરા કરવામાં માતાનો વ્યવસાય ક્યાંય આડખીલીરૂપ નહી બને એમ સમજાવવામાં આવે. બાળકોમાં રહેલી ક્ષમતાઓને પૂર્ણપણે ખીલવવાના સુંદર પ્રયાસો પણ થાય. પ્રિતીના આ પ્રયાસોને કારણે દિકરા અને દિકરીને વેંચવાનું કાર્ય બંધ થયુ. જે છોકરા છોકરીઓ અસામાજીક પ્રવૃતિનો હિસ્સો હતા એ જ છોકરા છોકરીઓ હવે સામાજીક પ્રગતિના પુરક બન્યા.

પ્રિતી પાટકરે 1986 માં "પ્રેરણા" ના નામથી શરુ કરેલી આ પ્રવૃતિ આજે વિકસીને વીરાટ વટવૃક્ષ બની છે એની શીતળ છાંયડીનો લાભ સેંકડો બાળકો લઇ રહ્યા છે અને એક નવા જીવનનો અધ્યાય શરુ કરી રહ્યા છે. પોતાના સંતાનોને પ્રગતિના પંથે આગળ વધતા જોઇને સેક્સ વર્કર માતાનું હૈયુ હરખથી કેવું ઉભરાતું હશે !


 
Top