એક યુવક એના મિત્રો સાથે જંગલમાં ફરવા માટે ગયો. ગાઢ જંગલમાં યુવક એના મિત્રોથી છૂટો પડી ગયો. પ્રકૃતિની મજા જાણે કે હવે સજા બની ગઈ. અજાણ્યા જંગલમાં હવે કઈ બાજુ જવું એની કઈ ગતા-ગમ પડતી નહોતી. જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતો એ બિચારો જંગલમાં ભટકી રહ્યો હતો.

અચાનક વરસાદ શરુ થયો અને ધીમે ધીમે વરસતા વરસાદે થોડીવારમાં તો સુપડાધારે વરસવાનું શરુ કર્યું. રસ્તામાં એક મોટી નદી આવી. ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. નદીને ઓળંગવા માટે વાંસ અને દોરડામાંથી બનાવેલ એક સામાન્ય પુલ હતો. 
પુલનાં દોરડાઓ બહુ જુના હતા એટલે યુવક જાળવી-જાળવીને પુલ પરથી પસાર થઇ રહ્યો હતો. હવે વરસાદની સાથે વાવાઝોડુ પણ શરુ થયું. પુલ હાલક ડોલક થવા લાગ્યો. જો પુલ પરથી નીચે પડાય તો રામ રમી જાય એવી સ્થિતી હતી.


યુવાને એમના ઇષ્ટદેવને પ્રાર્થના કરીને મદદ કરવા માટે ખરા હૃદયથી આજીજી કરી. થોડીવાર થઈ અને પુલના સામા છેડે ઇષ્ટદેવના દર્શન થયા. પારાવાર તકલીફોની વચ્ચે પણ યુવકના ચહેરા પર સ્મિત આવ્યું, એના જીવમાં જીવ આવ્યો. યુવાન દોરડું પકડીને ઉભો રહી ગયો અને ભગવાન નજીક આવે એની રાહ જોવા લાગ્યો.

ભગવાન પુલના સામા છેડેથી યુવાન તરફ આગળ વધતા જ નહોતા એ તો સામા છેડે નીચે બેસી ગયા. યુવાને ખુબ રાહ જોઈ. પોતાની નજીક આવવા અને બચાવવા ભગવાનને એ સતત વિનંતી કરતો રહ્યો પણ ભગવાન નજીક ના આવ્યા. યુવાનને પોતાના ઇષ્ટદેવ પર ખુબ ગુસ્સો આવ્યો. મનમાં ને મનમાં કાંઈક બબડતો બબડતો એ ધીમે ધીમે પુલના બીજા છેડા તરફ આગળ વધ્યો.

થોડી તકલીફ પડી પણ પ્રયાસ કર્યો તો એ પુલના બીજા છેડે પહોંચી ગયો. પુલના બીજા છેડે પહોંચીને એણે જે દ્રશ્ય જોયું એનાથી એની આંખો ભીની થઇ ગઈ. પુલનો બીજો છેડો તૂટી ગયો હતો અને ભગવાન બીજા છેડાને એમના મજબૂત હાથથી પકડીને નીચે બેઠા હતા. યુવાનને સમજાઈ ગયું કે ભગવાને દૂર રહીને પણ મને બહુ જ મોટી મદદ કરી છે.

મિત્રો, ભગવાન આપણને મુશ્કેલીના સમયે મદદ કરતા જ હોય છે પણ આપણને ભગવાનની આ મદદ દેખાતી નથી કારણકે આપણે નીચે બેસીને માત્ર બચાવવાની રાડો જ પાડીએ છીએ. જો ઉભા થઈને ચાલવા માંડીએ તો ભગવાનની કૃપાની અનુભૂતિ પેલા યુવાનની જેમ આપણને પણ થશે.
 
Top