એક માછિમારનો દિકરો હતો. તેને ભણવાની ખૂબ ધગશ. મનમાં એક જ સંકલ્પ કે, મારે પાયલોટ થવું છે. ઘરમાં ગરીબીનો કાયમી વસવાટ હતો. આવા સમયે તે માછિમારના દિકરાની બહેન તેની વ્હારે આવી. પોતાના તમામ ઘરેણાં વેચી ભાઈને ભણાવ્યો. એ દિવસ આવી ગયો કે જ્યારે તે દિકરાનું સપનું સાચું પડવાની સંભાવના પેદા થઈ. દહેરાદૂનમાં પાયલોટના ઈન્ટરવ્યુ માટે તેની પસંદગી થઈ. પણ અફસોસ કે આ માછિમારનો દિકરો તે ઈન્ટરવ્યુમાં નવમાં નંબરે આવ્યો. પાયલોટ તરીકે તેની પસંદગી ન થઈ.
તે દહેરાદૂનના એક સ્થળે ઉદાસ થઈને બેઠો હતો. કોઈક સજ્જને તેને ઉદાસ જોઈ તેની સાથે વાત કરી. તે સજ્જને તમામ કથની સાંભળી તે દિકરાને કહ્યું, “જો, ભાઈ ઉદાસ નહીં થવાનું. તને વિશ્વાસ હોય કે, તું એક કાબેલ માણસ છું તો તું જીવનમાં જરૂરથી સફળ થઈશ. ભગવાને તારા માટે આનાથી પણ કઈંક સારું વિચારી રાખ્યું હશે.”
આ ગરીબ માછિમારનો દિકરો આગળ જતાં તેના દેશના સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રપતિની ખુરશી પર બિરાજ્યો. ત્યારે તેણે જાહેરમાં કબૂલ્યું કે, "તે સમયે મને દુ:ખ થયું હતું કે, હું પાયલોટ ન બની શક્યો પરંતુ ભગવાનની ઈચ્છા મને પાયલોટ બનાવવાની ન હતી, ભગવાનની ઈચ્છા તો મને આખા દેશના પાયલોટોનો વડો બનાવવાની હતી !!!”
આ મહાન વ્યક્તિની ઓળખાણ પડી ? હા, આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક અને એક ઉત્તમ શિક્ષણશાસ્ત્રી શ્રી ડો.અબ્દુલ કલામ.

લાયકાત અને સદ્-ગુણ મેળવો, બાકી ઉપરવાળો તો તમને તમારી ક્વોલિટી મુજબ બધું આપવા જ બેઠો છે. પરમાત્મામાં વિશ્વાસ રાખજો.
 
Top