એક શેઠ દૈનિક સત્સંગમાં જતા. તેમના ઘરે પાંજરામાં કેદ પાલતું પોપટ પણ હતો. એક દિવસ એ પોપટે તેમને કહ્યું, માલિક, "તમે દરરોજ સત્સંગમાં જઈ જ્ઞાન મેળવો છો. તો એકાદ જ્ઞાનની વાત મને પણ શીખવોને ! શેઠે જવાબ વાળ્યો, જ્ઞાન તો કાંઈ આમ ઘરે બેઠાં અને પાંજરામાં મળતું હશે ? તેના માટે આશ્રમમાં ગુરુજી પાસે સત્સંગ કરવો પડે. કાંઈ વાંધો નહીં, તો તમે મારું એક કામ કરજો. આજે પાછા ફરતી વખતે મહાત્માજીને પૂછજો કે મારી મુક્તિ ક્યારે થશે. સત્સંગ પૂરો થતાં પેલા શેઠે મહાત્માજીને તેના પાલતું પોપટ અંગે વાત કરી અને તેની મુક્તિ અંગે પૂછ્યું. આ સાંભળી પેલા મહાત્મા બેભાન થઈ ગયા. શેઠ પરત ઘરે આવ્યા અને તેમના પોપટને કહ્યું, તારાં નસીબ જ ખરાબ છે. મેં તારી મુક્તિ વિશે મહાત્માને પૂછ્યું અને તે જવાબ આપે તે પહેલાં જ બેભાન થઈ ગયા. બીજા દિવસે સમય મુજબ શેઠ સત્સંગે જવા નીકળતા જ હતા ત્યાં પેલો પોપટ અચાનક પાંજરામાં ઢળી પડ્યો. શેઠે વિચાર્યંુ કે તે મૃત પામ્યો છે. તેને પાંજરામાંથી બહાર કાઢ્યો કે તરત જ પોપટ ઊડી ગયો. મહાત્માજીએ શેઠને તેના પાલતુ પોપટ અંગે પૂછતાં શેઠે મહાત્માજીને પોપટના ઢોંગ કરી ઊડી જવાની ઘટના કહી. મહાત્માથી મૂછમાં મલક્યા અને શેઠને કહ્યું, તમે દરરોજ મારા સત્સંગમાં આવો છો, છતાં આજદિન સુધી સંસારના મોહમાયાના પિંજરામાં કેદ છો, જ્યારે તમારો પાલતુ પોપટ અહીં આવ્યા વગર જ મારો એક ઇશારો સમજી મુક્તિના માર્ગને પામી ગયો.
જ્ઞાન એ સતત સત્સંગ કરવાથી કે મહાપુરુષોના સાંનિધ્યમાં રહેવા માત્રથી જ પ્રાપ્ત થતું નથી. મહાપુરુષો આપણને ઇશારા-ઇશારામાં જ મુક્તિ અને જ્ઞાનનો માર્ગ બતાવી દેતા હોય છે. તેને પારખી શકનારો ક્ષમતાવાન માણસ જ જ્ઞાન અને મુક્તિ મેળવી શકે છે.
 
Top