[1] પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર – હિતેશ જોશી
વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે !
ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે. એમીલની જે લકી ડૉટરનું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! અને એ કંપની એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું. જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત. ક્યારેક ‘જો’ અને ‘તો’ ની વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય ! (‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.)
[2] કળશપૂજા કેમ ? સં. – આદિત્ય વાસુ
આજથી બે સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાનાં ગામડાંઓ અને નાનાં નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતો હતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છતાંય તે પાણીને ભરી રાખવા માટે તો ઘડા-કળશની તો જરૂર પડે જ છે.
યુગોથી જળ ભરેલા ઘડા-કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક – પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. તેને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી જ્યારે તે કોઈ શુભ કાર્ય – સારું કામ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે સર્વપ્રથમ તે કળશને યાદ કરે છે. આજની સામાન્યમાં સામાન્ય વિધિમાં તે કુંભ સ્થાપના કરવાની વિધિ સર્વ પ્રથમ કરે છે. લગ્ન પ્રસંગ હોય, ગૃહપ્રવેશ હોય, કોઈનું સ્વાગત કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવાનું હોય ત્યારે સર્વપ્રથમ શણગારેલા કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય જગતના કોઈ દેશમાં નથી. જેનો યશ આપણા જ્ઞાની પૂર્વજો અને ઋષિમુનિઓને જાય છે. અત્યંત સુંદર રીતે શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્નપત્રિકા, નિમંત્રણપત્રિકા કે જાહેરાતમાં જોઈએ છીએ ત્યારે આપણને આપણી આ પરંપરા માટે ગૌરવ થયા વગર રહેતું નથી. સમગ્ર જીવન દરમિયાન કળશ દ્વારા જળને મહત્વ આપનાર મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ઠિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવન જળ હવે ખૂટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર પહેલાં જળ ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે.
જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા તેને સમજાઈ. ધન-ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ તેણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમાં જળ ભરવાનો જ તેનો આશય હતો. માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા-કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેણે તેમાં વૃક્ષનાં પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો. કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક છે. (‘આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર.)
[3] ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં સામેલ થતા શબ્દો – હેમેન ભટ્ટ
ઓરેન્જ (Orange), પાયજામા (Pajama), ઠગ (Thug), બેંગલ્સ (Bangles), જંગલ (Jungle), કૉટ (Cot) આ બધા શબ્દોના અર્થ તો તમે જાણતા હશો, પણ આ બધા શબ્દોમાં શું સામ્ય છે, જાણો છો ? વિચારો…. નથી સમજ પડતી ? તો જાણી લ્યો કે, આ બધા શબ્દ ભારતીય ભાષામાંથી અંગ્રેજીમાં આવ્યા છે. દર વર્ષે અંગ્રેજી ભાષામાં ભારતીય ભાષામાંથી કોઈ ને કોઈ શબ્દ સામેલ કરવામાં આવે છે. તે એક બાજુ આ ભાષાનું મહત્વ દર્શાવે છે, બીજી બાજુ અંગ્રેજી ભાષાના આંતરરાષ્ટ્રીય મહત્વ પણ દર્શાવે છે. અંગ્રેજી ભાષાની ઑક્સફોર્ડ કન્સાઈઝડ ડિકશનરીએ ગયા વર્ષે પોતાની 11મી આવૃત્તિમાં ભારતના 50 કરતાં પણ વધુ શબ્દોને સામેલ કર્યા છે. તાજેતરમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા સૌથી વધુ છે. ઑક્સફોર્ડની નવી આવૃત્તિમાં આપણા જે શબ્દો સામેલ કરવામાં આવ્યા છે, તે છે; બદમાશ (Badmash), ઢાબા (Dhaba), હવાલા (Hawala), બંધ (Bandh), ભેળપૂરી (Bhelpuri), ચમચા (Chamcha) વગેરે. આ બધા શબ્દો ઉપરાંત યોગ (Yoga), મંત્ર (Mantra), પંડિત (Pandit), કર્મા (Karma) વગેરે ઘણા અગાઉથી અંગ્રેજીમાં પ્રચલિત છે જ.
ભારતનું નામ દુનિયામાં મસાલાઓ માટે મશહૂર છે. હવે ખાણીપીણીની દુનિયામાં ભારતીય ભોજનમાં લોકોની રુચિ એ વાતથી જણાય છે કે, અંગ્રેજીમાં કેટલાંક નામ એમાંથી પણ આવ્યા છે, જેમ કે, ચટણી (Chutney), તંદૂર (Tandoor), કરી-કઢી (Curry) વગેરે. Orange – ઓરેંજ એટલે નારંગી. સંસ્કૃતમાં આ ફળને નારંજ કહેવાતું, ત્યાંથી આ શબ્દ અરબી ભાષામાં ગયો, જ્યાં તે નારંજહ થઈ ગયો. અરબોનું જ્યારે સ્પેન પર આધિપત્ય છવાયું ત્યારે આ શબ્દ સ્પેની ભાષામાં નારનહાના ઉચ્ચારણ સાથે આવ્યો. સ્પેનિશથી તે અંગ્રેજીમાં A Naraj ના રૂપમાં ચાલ્યો ગયો. અંગ્રેજીમાં ‘જે’ અક્ષર પર ખૂબ મુશ્કેલીથી કોઈ શબ્દ પૂરો થાય છે, આથી તેનો સ્પેલિંગ Narange થઈ ગયો, અને લોકો તેને A Narange કહેવા લાગ્યા. પછી તે A Narange બોલતાંબોલતાં An Arange થઈ ગયું. પછી Arangeના શરૂઆતના ‘એ’ ને ‘ઓ’ના ઉચ્ચારણમાં લઈ લેવાયો. આ રીતે તે An Orange બની ગયો. મતલબ કે નારંગીમાં રંગ લાવવા માટે ઘણી લાંબી સફર કાપવી પડી. આ શબ્દ માટે એ વાત પણ યાદ રહેવી જોઈએ કે આ પ્રકારનો અંગ્રેજીમાં કોઈ બીજો શબ્દ નથી.
Cheese – ચીઝ, એક ચીઝ કે જેને આપણે પનીરના રૂપમાં ઓળખીએ છીએ. સમગ્ર દુનિયામાં તેનું પ્રચલન છે પરંતુ છેલ્લી એક સદીથી ચીઝ શબ્દનો પ્રયોગ ઉર્દૂ ભાષાના ચીઝ શબ્દના રૂપમાં જ થઈ રહ્યો છે. જેમ કે, He is a big cheese. (તે બહુ મોટી ચીઝ એટલે કે હસ્તી છે.)
Mango – મેંગો, આપણી કેરી માટે દુનિયાભરમાં જાણીતો આ શબ્દ મલયાલયના ‘માંગા’માંથી આવ્યો છે. સ્પેનીશમાં પણ મેંગા, મેંગો માટે વપરાય છે.
Bangles – બેંગલ્સ, આ શબ્દ હિન્દીમાંથી આવ્યો છે. તેનો અર્થ છે, બંગડીઓ કે કડા. હકીકતમાં આ હિન્દીના શબ્દ બાંગડીનું રૂપ છે, જેનો અર્થ કાચ થાય છે.
Shampoo – શેમ્પૂ. આ લોકપ્રિય શબ્દ ચમ્પૂમાંથી આવ્યો છે, જેને આપણે ચમ્પીથી પણ જાણીએ છીએ. Thug- ઠગ, મતલબ કે ચોર પણ ભારતમાંથી લેવામાં આવ્યો છે. આપણી લોકકથાઓમાં ઠગભગતના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. આનાથી જ શબ્દ ઠગી બન્યો છે. અંગ્રેજીમાં તેનો પણ ઘણી જગ્યાએ પ્રયોગ જોવા મળે છે. બીજા કેટલાક શબ્દો, જે ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં લેવામાં આવ્યા તે છે; (Sentry) – સંતરી, (Teapoy) – ટિપોય, (Sepoy) – સિપાઈ, (Toddy) – તાડી, (Pukaa) – પક્કા, પાકું જેમ કે તમારું કામ પાક્કું. (Chai) – ચા, (Bidi) – બીડી. આમ ભારતની જુદીજુદી ભાષાઓના સેંકડો શબ્દ અંગ્રેજી ભાષાના શબ્દકોશમાં છે. આ કામ ખૂબ અગાઉથી ચાલી રહ્યું છે. (‘નૉલેજ-ગાર્ડન’ પુસ્તકમાંથી સાભાર.)
.
[4] વર્તમાનપત્રોમાં કાર્ટૂન ચિત્રની શરૂઆત ક્યારે થઈ ? તેના પ્રકારો કેટલા છે ? અત્યારે શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ છે ? – બંસીધર શુક્લ
કાર્ટૂન કે કટાક્ષ ચિત્ર કે ઠઠ્ઠાચિત્ર અતિ પ્રાચીન કલા છે. ત્યારે ચિત્રકારો મોટે ભાગે વ્યક્તિનાં રમૂજી ચિત્રો બનાવતા. 15મી સદીમાં યુરોપમાં દેવળોની ભીંતો ઉપર કટાક્ષ ચિત્રો આલેખવાની પ્રથા ચાલી. નવજાગૃતિ સમયે રાજા, મંત્રી, સેનાપતિ, પાદરી આદિનાં કુરૂપ ચિત્રો દોરવાની શરૂઆત 16મી સદીના જર્મનીમાં થઈ. તેમને કેરિકેચર કહેતા. 18મી સદીમાં અંગ્રેજી વર્તમાનપત્રો તથા સામાયિકોમાં કટાક્ષ ચિત્રો નિયમિત છપાતાં થયાં. 19મી સદીમાં ફ્રાન્સમાં શાસનના ભ્રષ્ટાચાર સામે પ્રજાનો આક્રોશ કટાક્ષ ચિત્રો રૂપે વ્યક્ત કરાયો. અમેરિકામાં 1870ના દસકામાં હાર્પર્સ વીકલીનાં કટાક્ષ ચિત્રોએ વિલિયમ ટ્વીડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી તેને કારાગૃહ ભેગો કર્યો. બ્રિટનમાં કટાક્ષ ચિત્રોના સામાયિક ‘પંચે’ કાર્ટૂન શબ્દ પ્રચલિત કર્યો. પહેલી કટાક્ષ ચિત્ર-પટી યલો કિડ ‘ન્યૂ યૉર્ક જરનલ’માં 18-10-1896ના દિવસે પ્રગટ થઈ.
ગુજરાતીમાં મુંબઈના પારસી ‘ગપસપ’ માસિકમાં 1930 આસપાસ કટાક્ષ ચિત્ર દેખાયાં. આ જ સમયે ગુજરાતમાં પ્રથમ કટાક્ષ ચિત્રો રવિશંકર રાવળે ‘અફલાતૂન’ ઉપનામે તેમના કુમાર માસિકમાં છાપ્યાં. અમદાવાદના ‘રેખા’ માસિકે બંસીલાલ વર્મા (ચકોર)નાં વિશ્વ કક્ષાનાં કટાક્ષ ચિત્રો નિયમિત પ્રગટ કર્યાં. શંકર પિલ્લૈએ દિલ્હીથી અંગ્રેજી ‘શંકર્સ વીકલી’ કાઢ્યું. તેમાં તેમનાં કટાક્ષ ચિત્રો લોકપ્રિય થયાં. કટાક્ષ ચિત્રના મુખ્ય બે પ્રકારો છે. રાજકીય અને સામાજિક. કેટલીક વાર મળતી રજૂઆતને કારણે માહિતી ચિત્રને કાર્ટૂન કહે છે. સ્વરૂપ પ્રમાણે બે પ્રકાર એકલ તથા ચિત્રવાર્તા પટી છે.
ભારત તથા ગુજરાતના કેટલાક કટાક્ષ ચિત્રકારો આ પ્રમાણે છે : અબુ અબ્રાહમ, આબિદ સુરતી, ઈંદ્રદેવ આચાર્ય, કુટ્ટી, ગોપી ગજવાણી, ચંદ્ર ત્રિવેદી, જયંતી પટેલ, તુષાર તપોધન, દલસુખ શાહ, દીપક ચૌહાણ, દેવ ગઢવી, નટુભાઈ મિસ્ત્રી, નારદ, પ્રફુલ્લચંદ્ર લાહિડી, પ્રમોદ સોની, બલિ, બંસીલાલ વર્મા, ભદ્રેશ, મારિયો, મિલન, રણછોડભાઈ પુરાણી, રમેશ બૂચ, રવીન્દ્ર, રાજેન્દ્ર પુરી, રાસીપુરમ લક્ષ્મણ, રૂપમ, લક્ષ્મણ વર્મા, લલિત બૂચ, શનિ, શંકર પિલ્લૈ, શારદ, શિવ પંડ્યા, સુધીર દર આદિ કટાક્ષ ચિત્રકારો થયા. આમાં કેટલાક વિદ્યમાન નથી. 1958થી દસેક વર્ષ સુધી મારાં કટાક્ષ ચિત્રો ‘જનસત્તા’ દૈનિક તથા ‘રંગતરંગ’ માસિકમાં પ્રગટ થયાં. બીજાં કેટલાંક સામાયિક આદિમાં પણ છૂટાંછવાયાં પ્રગટ થયાં. (‘અખંડ આનંદ’ માંથી સાભાર.)