Breaking News

જિંદગીને ક્યારેક થોડીક છુટ્ટી પણ મૂકી દો


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
એવો લપેટાઈ રહ્યો'તો જીવ માયાજાળમાં, 

પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
-આદિલ મન્સૂરી

જિંદગી ક્યારેય પ્લાનિંગ મુજબ ચાલતી નથી, છતાં દરેક માણસ જિંદગીને પોતાની રીતે ચલાવવાનો પ્રયત્ન કરતો રહે છે. ચોપાટની રમતમાં પાસાં કેવાં પડશે એ કોઈને ખબર હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. હવે પછીની ક્ષણ કેવું રૂપ લઈને આવશે એ નક્કી હોતું નથી. સમય બદલાય એટલે આપણે નાછૂટકે જિંદગીમાં પરિવર્તન લાવીએ છીએ. આપણી મરજીથી આપણે ક્યારેય જિંદગીને છુટ્ટી મૂકતા નથી. એક ફિક્સ ફ્રેમમાં જકડાઈ રહેવું આપણને એટલું બધું ફાવી ગયું હોય છે કે આપણે તેમાં જરાસરખો પણ ફેરફાર સ્વીકારી શકતા નથી.

નિયમિતતા જરૂરી છે. નક્કી કર્યું હોય એ રીતે આગળ વધીએ તો જ મંઝિલ પર સમયસર પહોંચી શકાય છે. આમ છતાં બધું જ ટાઈમટેબલ મુજબ જ ચાલે એવો આગ્રહ વધુ પડતો હોય છે. તમને ક્યારેય એવું લાગે છે કે તમે ડાયરી અને એલાર્મના સહારે જ જીવો છો? મોબાઈલમાં મૂકેલા એલાર્મ મુજબ આપણે ઊઠીએ છીએ અને પછી એકદમ ટાઈટ શિડયુલમાં આખો દિવસ પસાર કરી દઈએ છીએ. નિર્ધારિત કાર્યક્રમમાં જરાયે આડુંઅવળું થાય ત્યારે આપણે અપસેટ થઈ જઈએ છીએ.

જિંદગીની ખરી મજા મોટા ભાગે અનિશ્ચિતતામાં આવતી હોય છે. આપણે એવું સાંભળીએ છીએ કે દુઃખ અથવા મુશ્કેલી કંઈ પૂછીને નથી આવતી, સુખ અને આનંદનું પણ એવું જ હોય છે. દુઃખ તો ઘૂસી જ આવે છે, એને તમે રોકી શકતા નથી, પણ સુખ ઘણી વખત આવવાનો પ્રયાસ કરે ત્યારે આપણે એને રોકી દેતા હોઈએ છીએ. હમણાં નહીં, હમણાં હું બીઝી છું.

એક માણસે નક્કી કર્યું હતું કે મારે જિંદગીમાં આ મુકામ સુધી પહોંચવું છે. પછી હું જિંદગીને સો એ સો ટકા એન્જોય કરીશ. એ સતત કામ કરતો રહેતો. એક વખત એના ઘરની ડેલી ખખડી. તેણે જોયું તો બહાર એક નાનકડી ખુશી ઊભી હતી. એ માણસે દરવાજો ન ખોલ્યો, નાનકડી ખુશીને કહ્યું કે, આટલી નાની ખુશી માટે મારી પાસે સમય નથી. મારે મોટી ખુશી માટે કામ કરવાનું છે. એ પાછો પોતાના કામે લાગી જતો. દરરોજ નાની ખુશી તેના દરવાજે આવી ડેલી ખખડાવતી હતી. રોજ પેલો માણસ તેને કાઢી મૂકતો.

સમય વીતતો ગયો. એ માણસ થાકી ગયો. મોટી ખુશી કાયમ એવડી મોટી થતી જતી હતી કે એ ક્યારેય તેના સુધી પહોંચી જ શકતો ન હતો. એક દિવસ એ થાકીને સૂઈ ગયો. એને સપનું આવ્યું. એના ઘરની ડેલી ખખડી. દરવાજો ખોલ્યો તો સામે મોટી ખુશી ઊભી હતી. એ માણસે કહ્યું કે તું છેક હવે આવી. હું તો તારી રાહ જોઈને થાકી ગયો. જિંદગી પૂરી થવા આવી ત્યારે છેક તું આવી. મોટી ખુશી મુસ્કુરાવા લાગી, તેણે કહ્યું કે હં તો રોજ આવતી હતી પણ ત્યારે હું થોડીક નાની હતી એટલે તું મને ગણકારતો ન હતો. અચાનક ધડામ દઈને બારણું બંધ થઈ ગયું. એ ખુશી, તું રોકાઈ જા... રોકાઈ જા... એ રાડો પાડી બારણા સાથે માથું અથડાવવા લાગ્યો. ત્યાં જ એની ઊંઘ ઊડી ગઈ.

જિંદગીને પણ થોડીક રેઢી મૂકતાં આવડવું જોઈએ. બહુ સાચવીને મૂકેલું જ ઘણી વખત આપણને મળતું હોતું નથી. આપણું તો રિલેક્સેશન પણ ટાઈમટેબલ મુજબનું જ હોય છે. ફરવા જવાનું શિડયુલ પણ કેવું ચસોચસ હોય છે. આટલા વાગ્યે અહીં અને તેટલા વાગ્યે ત્યાં. ઘણાં લોકો તો એવી રીતે ફરતા હોય છે જાણે કોઈ સ્થળ સાથે મિટિંગ્સ ન ગોઠવી દીધી હોય. ફરગેટ એવરિથિંગ, જસ્ટ એન્જોય એવું વિચારીને તમે તમારો સમય જીવી જાણો છો ખરાં?

નાની નાની ખુશી, હળવાં હળવાં હાસ્ય, થોડી થોડી મજા અને થોડીક પળોની હળવાશ આપણી આજુબાજુ વિખરાયેલી જ પડી હોય છે તેને ઝડપી લેતા આવડવું જોઈએ. આપણે આકાશમાં મેઘધનુષ્ય રચાવાની રાહ જોઈને બેઠા હોઈએ છીએ અને ધરતી પર ફેલાયેલા રંગો તરફ નજર નાખતા નથી. આપણે વરસાદની રાહ જોઈએ છીએ, એટલા માટે કે અત્યારે આકરી ગરમી છે. કેટલા લોકો ભીંજાવવા માટે વરસાદની રાહ જુએ છે? કારમાં જતા હોઈએ અને અચાનક વરસાદ તૂટી પડે ત્યારે તમે કારને સાઈડમાં પાર્ક કરીને, આકાશ સામે જોઈ ક્યારેય વરસાદને આલિંગન આપ્યું છે? બાઈક પર જતી વખતે પણ આપણે વરસાદથી બચવાના જ પ્રયાસો કરતા હોઈએ છીએ. ખબર હોય કે પલળી જ જવાના છીએ તો પણ આપણે વરસાદથી બચવાનાં ફાંફાં મારતાં રહીએ છીએ. પલળી જવું અને ભીંજાવવું એ બન્નેમાં બહુ મોટો ફર્ક છે. સમયને માણવા માટે ક્યારેક એને સરન્ડર થઈ જવું પડતું હોય છે. એટલું કંઈ જ પકડી ન રાખો કે તમે જ એનાથી છૂટી ન શકો.

બે ભાઈ હતા. બંને સારું ભણ્યા. મોટા થઈને એક ભાઈએ નોકરી મેળવી લીધી. બીજા ભાઈએ કહ્યું કે હું તો બાપદાદા કરતા આવ્યા છે એ ખેતી જ કરીશ. બંને પોતપોતાનું કામ કરતા હતા. નોકરી કરતા ભાઈએ એક દિવસ કહ્યું કે તને કંટાળો નથી આવતો? ખેતીમાં તો કંઈ જ નક્કી નથી હોતું, થાય પણ ખરી અને ન પણ થાય. ખેતી કરતા ભાઈએ કહ્યું કે, મને પણ તારા માટે એવો જ વિચાર આવે છે કે એકસરખી જિંદગીથી તું થાકી નથી જતો? રોજ એ જ ચેમ્બર અને એ જ લેપટોપ, નવા નવા ગોલ અને લક્ષ્યાંક સિદ્ધ કરવાની પળોજણ. હા, ગોલ તો હું પણ બાંધું છું પણ સાથોસાથ જિંદગી પણ માણું છું. રોજ કુદરતનાં નવાં નવાં રૂપ જોઉં છું. રોજ થોડું થોડું કંઈક ખીલતું, ઊગતું, પ્રગટતું અને જીવતું રહે છે. અહીં કંઈ જ 'ડેડ' નથી, બધું જ 'લાઈવ' છે. હું પણ... હા, ક્યારેક વરસાદ ન આવે કે પાકમાં રોગ આવી જાય તો ટાર્ગેટ કે ગોલ પૂરો નથી થતો, એ તો તારે પણ ક્યાં દર વખતે પૂરા થાય છે? પણ તારો ગોલ પૂરો ન થાય ત્યારે તને ફસ્ટ્રેશન આવે છે, મને નથી આવતું. આટલો જ ફર્ક છે. તું કરે છે એ ખોટું નથી પણ એટલો ફિક્સ ન થઈ જા કે જરાયે હલીચલી ન શકે. આપણા બંનેમાં એટલો જ ફર્ક છે કે મેં મારી આજુબાજુના પાણીને પાણી જ રહેવા દીધું છે, અને તેં તારી આજુબાજુના પાણીને જમાવીને બરફ કરી દીધો છે અને આ બરફમાં તું એટલો જકડાઈ ગયો છે કે નથી તું તરી શકતો કે નથી તું પાણી પી શકતો.

જિંદગીમાં બધું જ કરો, નિયમિત રીતે કરો પણ મુઠ્ઠીને એટલી બંધ ન રાખો કે આંગળા કાયમ માટે જકડાઈ જાય. કેટલાંક લોકો મરી જાય ત્યાં સુધી જીવતા હોતા નથી. માણસે રોજ થોડું થોડું જીવતા શીખવું જોઈએ. એટલા બધા બીઝી ન થઈ જાવ કે જીવવા માટે પણ સમય ન મળે. જિંદગીને જાકારો ન આપો, હળવાશથી જિંદગીની સફર માણવા જેવી રહે છે અને મંઝિલે પહોંચવાનો થાક પણ નથી લાગતો. નાની ખુશી તમને આવાજ દેતી હોય ત્યારે કાન માંડજો, આખા દિવસનો થાક ઊતરી જશે. 
છેલ્લો સીન :
કુછ કર ગુજરને કે લિયે, મૌસમ નહીં, મન ચાહિયે. -અજ્ઞાત 

(‘સંદેશ’, તા. 9 જુન, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો