આંધળો દોરે આંધળાને..એક જાણીતા ધનવાન સમાજસેવક સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતા. ત્યાં રોક્કળ કરતો એક ધોબી નીકળ્યો. એ મોટે મોટેથી રડીને કલ્પાંત કરતો હતો. સમાજસેવકે પૂછ્યું, “શું થયું ભાઈ! કેમ આવું કાળું કલ્પાંત કરે છે?” ધોબી ઊભો રહ્યો અને રડતાં રડતાં જ બોલ્યો, “ગંધર્વસેનનું મૃત્યું થયું છે.” ધનવાને પૂછ્યું “કોણ ગંધર્વસેન..?”ધોબીને ઊભા રહેવાનીય ફુરસદ નહોતી. એણે તો એટલું જ કહ્યું, “ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા. એના વગર હવે હું શું કરીશ? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું.” રડતો રડતો ધોબી ચાલતો થયો. સમાજસેવકને લાગ્યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ. તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોડી નાખ. બીજા ગ્રાહકોએ વાત સાંભળી. તેમણે વાત ફેલાવી.


બોડાવેલા માથે સમાજસેવક જતા હતા ત્યાં સામે રાજ્યના પોલીસવડા મળ્યા. તેમણે સમાજસેવકને માથું બોડાવવાનું કારણ પૂછ્યું. સમાજસેવકે જણાવ્યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા. પોલીસવડાને થયું કે માનવંતા સમાજસેવકે માથું બોડાવ્યું છે તો તેમણે પણ તેમનું અનુસરણ કરવું જોઈએ, તેમણે પણ માથું બોડાવ્યું.

પોલીસવડાનું માથું બોડાવેલું જોઈને રાજાએ ગંભીરતાથી પૂછ્યું, “કોનું અવસાન થયું છે?” પોલીસવડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્યું, “મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે.” રાજાએ તરત રાજ્યમાં શોક જાહેર કર્યો. રાજમહેલ પરનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો હુકમ કર્યો. રાણીવાસમાંથી મહારાણી બહાર આવ્યા. તેમણે બધે શોકનું સામ્રાજ્ય જોયું. મહેલનો ધ્વજ અડધી કાઠીએ ફરકતો જોયો. તેમણે રાજાને પૂછ્યું, “મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે..?” મહારાજે કહ્યું, “મહાન પૂજ્ય સંત ગંધર્વસેન દેવ થયા છે. તેને કારણે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે.”

મહારાણી એ પૂછ્યું, “ગંધર્વસેન કોણ હતા..? ક્યા આશ્રમ કે તીર્થમાં વસતા હતા?” રાજાને ખબર નહોતી. તેમણે પોલીસવડાને પૂછ્યું, તેમને પણ ખબર નહોતી. એમણે કહ્યું, “એ તો સમાજસેવકશ્રી જાણે.” સમાજસેવકને બોલાવ્યા. તેમને પણ ખબર નહોતી. તેમણે ધોબીનો હવાલો આપ્યો. ધોબીએ આવીને કહ્યું, “મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો. તે જ મારાં કપડાં લાવવા-લઈ જવાની ફેરી કરતો હતો. એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્પાંત કરતો હતો.”

જગતમાં બધાં આવી રીતે એકની પાછળ બીજો એમ આંધળું અનુકરણ કરે છે. આંધળો આંધળાને દોરે છે. વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે. એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે..

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top