Breaking News

શિક્ષણ અને મૂલ્યકોઇ નાગરિક ખૂબ ભણેલો હોય, ડિગ્રીવાળો-હોદ્દાવાળો હોય, પરંતુ જો પ્રામાણિકતા, મૂલ્યો તેનામાં ન હોય તો તેનું એ શિક્ષણ વ્યર્થ ગણી શકીએ?
શિક્ષણ અને મૂલ્ય
સ્પેકટ્રમ સ્કેમનું ઓપરેશન તો વિકિલીક્સે કર્યું, પરંતુ તે પછી મીડિયા અને પોલિટીકલ પાર્ટીઓ ગીધ જેમ મૃત પશુનો દેહ ચૂંથે તેમ તેનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે. આ પ્રકરણના રાજકીય અને આર્થિક તો અનેક એંગલ છે. એક સોશિયલ આસ્પેકટ પણ છે. એવું કહેવાય છે કે યોગ્ય શિક્ષણનો અભાવ માણસને અનીતિ અથવા અસામાજિક પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે. બીજી એક દ્રઢ, ઓન પેપર, ઓન રેકોર્ડ માન્યતા એવી છે કે સાઉથનાં રાજ્યોમાં-દક્ષિણ ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધારે છે. અહીં અનેક જિલ્લા,શહેરો રાજ્યો સો ટકા સાક્ષરતા દર ધરાવે છે. ઓરિસ્સા કે બિહાર જેવા રૂક્ષ પ્રદેશમાંથી ગળથૂથીમાં અભાવ અને ભૂખ લઇને આવેલો કોઇ માણસ દેશને નુકસાન થાય તેવી રીતે પૈસા કમાય અને ‘માસ્ટર માઇન્ડ’ ગણાતા દક્ષિણ ભારતીયોનાં નામ કૌભાંડમાં ખુલે તે બંને સ્થિતિમાં ફર્ક છે. કહેવાનો અર્થ એ છે કે એવું શિક્ષણ શું કામનું કે જે માણસને તેનાં પાયાનાં મૂલ્યોથી દૂર રાખે? એ. રાજા કે દયાનિધિ કે કનિમોઝી... કોઇ નાગરિક કે જે ખૂબ ભણેલો હોય, ડિગ્રીવાળો અને હોદ્દાવાળો હોય, પરંતુ જો પ્રામાણિકતા, મૂલ્યોનાં ગુણ તેનામાં ન હોય તો તેનું એ શિક્ષણ આપણે વ્યર્થ ગણી શકીએ? વર્તમાન શિક્ષણ પદ્ધતિને વખોડવામાં આપણે કાંઇ બાકી રાખતા નથી. પરંતુ જે આજે પચાસ વર્ષના છે તેમણે ભણવાનું પૂર્ણ કરી દીધે ઓછામાં ઓછા પચ્ચીસ વર્ષ તો થઇ ગયાં. તો પછી આ નબળાઇ પચ્ચીસ વર્ષ જૂની તો છે જ ને? શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ જવાનું શરૂ થયું તેને પચ્ચીસ વર્ષ થયાં તેમ ન કહેવાય? એક ‘રાજા’ જ નહીં આખી પ્રજા માટે આ સવાલ અગત્યનો છે કે જેને આપણે એજ્યુકેશન કહીએ છીએ, તે આપણને યોગ્ય માનવી બનાવે છે? ડોક્ટર થવું, એન્જિનિયર થવું એમબીએ થવું જરૂરી જ છે. પાઇલટ બનવું એ એચિવમેન્ટ જ છે. તેથી એ વિષય શિક્ષણનો વિરોધ ન થઇ શકે. પરંતુ તે પછી શું? જવાબ આપણી પરંપરા, આપણા ઈતિહાસમાં જ છે. એક વસ્તુ ચોક્કસ છે કે જે શિક્ષણ આપણને ડિગ્રી આપે છે તે માણસ તરીકેની ડિગ્નિટી પણ આપવા સક્ષમ જ હોય તેવું નથી. જેમ ડિગ્રી જરૂરી છે તેમ ગરિમા પણ આવશ્યક છે. ઓસ્કર વાઇલ્ડે વર્ષો પહેલાં કહ્યું હતું કે અત્યારે લોકો બધાની કિંમત જાણે છે પરંતુ કોઇ વસ્તુનું મૂલ્ય જાણવા માગતા નથી તે વાત આજે પણ પ્રસ્તુત છે. કેટલીક બાબતો એવી છે કે જેના વગર જીવનમાં નહીં ચાલે અને તે બધું કલાસરૂમમાં કદાચ નહીં મળે, મુદ્દો સો ટકા સાક્ષરતા અને જેને આપણે શિક્ષણ માનીએ છીએ તેનો છે. ભવ્ય ઇમારતો, લાખોમાં ચૂકવાતી ફી પછી પણ એ. રાજા અને દયાનિધિ અને નીરા જ આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ! એક શબ્દ છે મૂલ્યશિક્ષણ-વેલ્યૂ એજ્યુકેશન. અત્યંત ઉચ્ચ સ્તરીય સંસ્થાનો પણ કદાચ તેના વિદ્યાર્થીઓમાં આ વેલ્યૂઝ ઇમ્પોઝ કરી શકતાં નથી. શિક્ષણ અને કેળવણી વચ્ચે ભેદ છે. શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી. કંઇ જાણવું, ન જાણવું તે શિક્ષણ છે અને તે જાણ્યા પછી તે કરવું કે ન કરવું તે કેળવણી છે. વા‹રન બફેટનું જાણીતું અવતરણ છે કે કિંમત એ છે જે તમે ચૂકવો છો, મૂલ્ય એ છે જે તમે મેળવો છો. દેશભરમાં એજ્યુકેશનના ક્ષેત્રે પરિવર્તનની એક તાકતવર લહેર ઊઠી છે, પરીક્ષાઓ અને શિક્ષણની પદ્ધતિઓમાં આમૂલ બદલાવ આવી રહ્યો છે. પેપર સ્ટાઇલથી માંડીને માર્કશીટ સુધીના દસ્તાવેજોનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે, ત્યારે એક ઉત્તમ પ્રોફેશનલની સાથે એક ઉમદા હ્યુમન આપણને આપી શકે તેવી અપેક્ષા આપણે શિક્ષણાલયો પાસે રાખી શકીએ તેમ છીએ? જવાબ સહેલો નથી પરંતુ વાતાવરણ આવું કેમ છે? રોમમાં ભરાયેલી ‘બિઝનેસ એથિકસ એન્ડ લિગાલિટી’ અંગેની કોન્ફરન્સમાં એચિલા સિલ્વેસ્ટિની નામના વકતાએ કહ્યું હતું કે જ્યાં જઇએ, જે કામ કરવા જઇએ ત્યાં આપણા સિદ્ધાંતો, આપણો ધર્મ સાથે રહેવો જોઇએ. પરંતુ એ જ તો થતું નથી. અહીં વાતો અલગ અને જીવન અલગ છે. સમસ્યાઓનાં મૂળિયાં ઊંડે સુધી ગયાં છે. તેમાં થોડું બહાર દેખાતું મૂળ હોય તો તે છે આપણી રાષ્ટ્રીય જીવનશૈલી-દંભ. ખ્યાલ ન આવે તેવી રીતે આપણે આ અસાધ્ય રોગથી પીડાઇએ છીએ. વાતો અલગ, જીવનશૈલી અલગ. નારી આપણે ત્યાં વસ્તુ નહીં, પૂજનીય ગણાય છે. પશ્ચિમમાં તેવું નથી, પરંતુ અમેરિકામાં કોઇ સ્ત્રીને દહેજની આગમાં સળગવું પડતું નથી. આપણા મહાન ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ, બિઝનેસમેન સવારે કબૂતરને ચણ નાખીને ‘પુણ્યનું ભાથું બાંધે’, પરંતુ ઇન્કમટેક્સ ભરવાની વાત આવે ત્યારે જાતજાતના ગોટાળા કરે. લોકસાહિત્યના કલાકારો ત્યાગ, બલિદાન, સંસ્કૃતિની વાતો કરે, હણહણાટી અને ધબધબાટીની વાતો કરે પરંતુ લાખો રૂપિયા કમાઇને તેમાંથી એક પાઇનોય વેરો ન ભરે! સેલ્ફ ફાયનાન્સ્ડ સ્કૂલો હોંશિયાર બાળકોને એડમિશન આપી, બહેનોને માત્ર ૨૫૦૦ના પગારે નોકરીએ રાખે ને કહે અમે ગુણવત્તાવાળું શિક્ષણ આપીએ છીએ. અવતારોને પૂજીએ પરંતુ માણસની કિંમત કોડીની! વેદ-ઉપનિષદની સંસ્કૃતિ આપણી અને એ જ પ્રજાને એમ કહેવું પડે કે જ્યાં ત્યાં થૂંકશો નહીં. જ્યાં રાષ્ટ્રગીત વાગે ત્યાં લખવું પડે કે ‘રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા રહો’! વિશ્વના સૌથી મોટા ગણતંત્રમાં આઝાદીના ૬૭ વર્ષ પછી નહીં હૈ પૂરા ખાના કે પછી નથી પૂરતી સંખ્યામાં પાયખાનાં!નોસ્ટેલ્જિક થવામાં પણ વાંધો નહીં, જો માણસ રિયલિસ્ટિક હોય તો! પરંતુ અહીં પરંપરા, પ્રણાલીના નામે ઘણું ચાલે છે. અરે, વિવિધતામાં એકતા અને ‘હમ બુલબુલે હૈં ઉસકી’ના ઊંચા સ્વર વચ્ચે, હવે તો શરૂ થઇ રહી છે જ્ઞાતિમુજબની વસતી ગણતરી! પીટર ડ્રકર કહે છે, મેનેજમેન્ટ ડુઇંગ ધ થિંગ્સ રાઇટ, લીડરશિપ ડુઇંગ ધ રાઇટ થિંગ્સ! આપણા દેશ માટે આ કવોટેશન સો ટકા ખોટું પડે છે. આપણે હવે શિક્ષણ સંસ્થાઓની ઇમારતોની ભવ્યતા પાછળ ઘેલા થયા છીએ. આ મહાલયો જરૂરી છે પણ ચાલો સોનેરી પેન કાઢો અને લખી રાખો કે પ્રોફેશનલ્સથી દેશ ચાલી શકે, દેશને ટકાવવા માટે ઉમદા ઇન્સાનો જોઇએ. આ આખા લેખના સાર રૂપે ઉમાશંકર જોશીનું એક વિધાન: બધી જ ઇમારતો પડી જાય પછી જે બચે તે યુનિવર્સિટી.‘
jwalant.chhaya@guj.bhaskarnet.com સંવાદ, જવલંત છાયા

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો