Breaking News

માનવીય ગુણો..ડૉ. રાજેન્દ્રપ્રસાદ

માનવીય ગુણો......................................................!!!

મિત્રો, ડૉ. રાજેન્દ્રપ્રસાદ જ્યારે વકીલાત કરતા હતા તે સમયની આ વાત છે. અદાલતમાં તેઓ એક બાહોશ અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ હતા. જે અસીલનો કેસ તેઓ હાથ પર લેતા એમાં અચૂક અસીલને જીતાડી આપતા. તેમની કાયદાની સૂઝ ખૂબ ઊંડી હતી. પણ અસત્યનો જ્યાં આશ્રય લેવો પડે એવા કેસને તેઓ કદી હાથ પર લેતા નહોતા. અસત્યથી પ્રાપ્ત થતી કમાણી તેઓ કદી ઈચ્છતા નહોતા.

એક વાર એક માણસ તેમની પાસે આવ્યો અને પોતાનો કેસ લડવા તેણે રાજેન્દ્રબાબુને આગ્રહ કર્યો; એટલું જ નહિ એ કેસ હાથ પર લેવાય તો ઘણી મોટી ફી આપવાની પણ તેણે પોતાની તૈયારી બતાવી. રાજેન્દ્રબાબુએ કહ્યું : ‘તમે કેસનાં કાગળિયાં મારી પાસે મૂકતા જાઓ. આજે રાત્રે હું તે જોઈ લઈશ અને કાલે તમને જવાબ આપીશ.’

તેમણે કાગળિયાં તપાસ્યાં. બીજે દિવસે પેલો માણસ તેમની પાસે આવ્યો કે તરત જ રાજેન્દ્રપ્રસાદે તેને કાગળિયાં પરત કર્યાં અને કહ્યું : ‘તમારો કેસ હું લડી શકીશ નહિ.’ પેલાએ કારણ પૂછ્યું તો રાજેન્દ્રબાબુએ કહ્યું : ‘તમારી પાસે બધા જ પૂરાવાઓ છે. તમે સો એ સો ટકા કેસ જીતી જાઓ તેમ છો; છતાં તમે એક વિધવા બાઈ સામે કેસ કર્યો છે. તમે જીતો એનો અર્થ એ થાય કે એ વિધવા બાઈનો રોટલો ઝૂંટવાઈ જાય, એ સાવ નિરાધાર બની જાય ! તમને એની મિલકત મળે તેથી તમને તો આનંદ થાય પણ એ બિચારી વિધવાનું શું ? એણે તો ભૂખે મરવાના દિવસો જ જોવાના રહે !

વ્યવસાયની સાથે સાથે મારા કેટલાક આગવા સિદ્ધાંતો પણ છે. મારી તો તમને સલાહ છે કે તમે એ વિધવાની સામે કેસ કરવાનું માંડી જ વાળો. આમ કરવામાં માનવતા છે. એક વાત સદા યાદ રાખો કે કોઈની આંતરડી કકળાવીને પ્રાપ્ત કરેલી મિલકત તમને સંતોષ નહિ આપે; તમારા આંતરિક સંતોષને એ નષ્ટ કરશે. આમ છતાં જો તમે એ વિધવાની સામે કેસ કરશો તો હું એ વિધવાનો બચાવ કરીશ અને તેની પાસેથી ફીની એક રાતી પાઈ પણ લઈશ નહિ !’ અને અસીલે પેલી વિધવા સામે કેસ કરવાનું માંડી વાળ્યું !

અને છેલ્લે..................................

દોસ્તો, આ ડૉ. રાજેન્દ્રપ્રસાદ તેમની આવી સેવાભાવના, દયા, કરુણા, માનવસેવા જેવા ઊંડા ગુણોને લીધે ધીમેધીમે આપણા દેશના રાષ્ટ્રપતિ પદે પણ બિરાજમાન થયા જે આપણે બધા જાણીએ છીએ. આપણે પણ જ્યાં શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો હોય ત્યાં આવા માનવીય ગુણો ના કેળવી શકીએ.....................???

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો