Breaking News

ધન્ય ડૉક્ટર દીકરાને અતિ સંવેદના જગાવતી કુટુંબ માટે પ્રેરણારૂપ


ડો. કુલદીપ મહેશ્વરીના દવાખાનાના દરવાજે એક ટેક્સી આવી ઉભી જેમાંથી એક બુઝર્ગ સાથે એકવીશ વર્ષીય યુવતી બે સૂટકેસ સાથે ઉતરી દવાખાનામાં પ્રવેશ્યા.
અંદર પ્રવેશતાજ રીસેપ્સનિસ્ટના ટેબલે પહોંચી યુવતીએ પોતાના મોબાઈલમાં દવાખાના તરફથી મળેલ સંદેશ બતાવતા પૂછ્યું " ડોક્ટર સાહેબ છે ? અમે અમદાવાદથી આવીએ છીએ અને આજની તારીખની મને સાહેબે એપોઇન્ટમેન્ટ આપી છે "
રીસેપ્સનિસ્ટે મોબાઈલમાં રહેલો મેસેજ વાંચી રજીસ્ટર સાથે સરખાવતાં કહ્યું "હા, થોડીવાર બેસો"એટલું કહીને ઇન્ટરકોમ ઉપર ડોક્ટર સાથે વાત કરી યુવતીને અંદર જવાની પરવાનગી આપી.
"ગુડ મોર્નિંગ સર.હું પ્રીતિ અમદાવાદથી મારા પિતાશ્રીની તબિયત બતાવવા આવી છું. અમદાવાદ ના ડો. કાપડિયા સાહેબ ના બધાજ રિપોર્ટ પણ આ સાથે લાવી છું" એમ કહીને મેડિકલ રીપોર્ટની ફાઈલ ડોકટરના હાથમાં મૂકી.
ડોકટરે ફાઈલમાં રહેલ લેબોરેટરી રિપોર્ટથી માંડીને એક્સ-રે, સ્ક્રીનિંગ,સોનોગ્રાફી સહિતના બધા રિપોર્ટ જોઈને કહ્યું "બહેન,તને ડો. કાપડિયાએ કહ્યુજ હશે તેમ છતાં રિપોર્ટ જોતા એમ લાગે છે કે તારા પિતાશ્રીને મગજનું કેન્સર છે.આ દર્દને અમારી મેડીકલ ભાષામાં "ન્યુરો એન્ડોક્રાઇન ટયુમર"કહે છે. દરદ આગળ વધે તે પહેલાં તેનું ઓપરેશન તાત્કાલિક કરવું જરૂરી બને છે.ટયુમર એટલું ફેલાયેલું છે કે મગજની બારીક રક્તવાહિનીઓ પણ એ ટયુમર નીચે દબાઈ ગયેલ હોય ઓપરેશન જોખમી અને ગંભીર તો છે જ પણ મને વિશ્વાસ છે કે એ ઓપરેશન હું સફળતા પૂર્વક કરી શકીશ પણ એ માટે ઓછામાં ઓછા પંદર દિવસ રોકાવું જરૂરી છે.અહીં બધાજ રિપોર્ટ્સ પહેલેથી કરવા પડશે ત્યારબાદ ચાર પાંચ દિવસ ઓપરેશન પહેલાની બધી ટ્રીટમેન્ટ અપાશે અને ઓપરેશન થયા બાદ એક અઠવાડિયું તબીબી નિરીક્ષણ માટે રેહવું પડશે "
મેં તમને મેઈલમાં જણાવ્યા મુજબ અહીં દર્દી ઉપરાંત એમના સગાઓ ને પણ રહેવામાટે બધીજ સુવિધા સાથેનો અલગ એ.સી.રૂમ છે એ ઉપરાંત દર્દીના ભોજન માટે અહીં અલગ કેન્ટીન પણ છે જ્યાંથી દર્દીની પરેજી પ્રમાણે સાત્વિક ખોરાક પીરસાય છે.એ જ રીતે દર્દીના સગા માટે પણ એક અલગ કેન્ટીન છે ત્યાંજ ભોજન લેવાનું રહેશે બહારથી કોઈ ખાદ્ય ચીજ વસ્તુ દવાખાનામાં લાવી શકશો નહીં. ઓપરેશનના ખર્ચ સહિત આ બધાજ પેકેજનો ખર્ચો લગભગ રૂપિયા બે થી અઢી લાખ જેટલો થશે જો તે પરવડી શકે એમ હોય તો આપણે આગળ વધીએ દરદીને તપાસતા પહેલા કેટલીક સ્પષ્ટતા જરૂરી બનતી હોય મારે જણાવવું જરૂરી છે. યુવતીના હાથમાં ફાઈલ મૂકતાં ડોકટરે કહ્યું.
"ખર્ચની ચિંતા નથી જો આપ આ કેસ હાથમાં ન લેત તો અમારી તૈયારી અમેરિકા સુધી જવાની હતી જ. સાહેબ,હું જાણું છું કે આ ઓપરેશન તથા સારવાર મોંઘા અને ખર્ચાળ છે પણ જયારે જિંદગી અને મૌત વચ્ચે જંગ ખેલાતો હોય ત્યારે શ્વાસબુક જોવાય પાસબુક નહીં. મને તો પપ્પાનું ઓપરેશન સુખરૂપ થઇ જાય અને પુન: સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એજ મારું લક્ષ્ય છે.
મારા પપ્પા ગુજરાત હાઇકોર્ટના નામી વકીલ છે.લગભગ આઠ દશ વર્ષ પૂર્વે મારા મમ્મીનું અવસાન થઇ જતા નાની ઉંમરે આ જવાબદારી મારા ઉપર આવી પડી છે"
"ઓપરેશન સફળ થવા માટે ત્રણ વસ્તુની તમારા તરફથી અપેક્ષા છે ડોકટરે સૂચન કરતા કહ્યું
1.ઈશ્વર ઉપર શ્રદ્ધા 2.ડોક્ટર ઉપર વિશ્વાસ અને 3.દર્દીનું મનોબળ અથવા આત્મ વિશ્વાસ ડોકટરે ઉમેર્યું.
ચાલો બહેન હવે પપ્પાને અહીં બોલાવી લો એનું ચેક અપ કરી લઉં.
ડોકટરે બુઝર્ગ વકીલની તબિયત બરાબર તપસ્યા બાદ કહ્યું "અંકલને બી.પી.વધુ છે વળી છાતીમાં કફનું પણ પ્રમાણ વધુ છે સૌ પહેલા આપણે એની પ્રાથમિક સારવારથી શરૂઆત કરીશું એટલું કહી ડોકટરે નર્સને બોલાવી કહ્યું " પેશન્ટનો કેસ કાઢી એડમિશન ફોર્મ ભરી મને મોકલો અને તેને એડમિટ કરો.

ડો. કુલદીપની વિશાળ અદ્યતન હોસ્પિટલની બિલકુલ અડીને પોતાનો "ગુલમહોર"નામનો બે માળનો રજવાડી બંગલો હતો. ડોક્ટર અને તેમના મમ્મી સિવાય આ વિશાળ બંગલામાં બીજું કોઈ રહેતું ન હોતું.બંગલાના ચોગાનમાં બે ઘેઘુર ગુલમહોરના વૃક્ષો ઉભા હતા.પુત્રના દવાખાને ગયા પછી એમના મમ્મી વાંચનમાં સમય પસાર કરતા હતા અને ફુરસદે બંગલાની બારી પાસે લુંબેઝુંબે લહેરાતા ગુલમહોરના ફૂલોનું મનોરમ્ય દ્રશ્ય જોયા કરતા હતા.
રવિવારની સાંજ હતી.આજે દવાખાને જવાનું ન હોય ડોક્ટર પોતાના મમ્મી જોડે બંગલાની બહાર ગુલમહોરની શીળી છાંય નીચે ઝૂલે બેસી વાતોના ગપાટા મારતા બેઠા હતા.
ડોકટરે વાતની શરૂઆત કરતા કહ્યું, "મા,અઠવાડિયા પહેલા અમદાવાદ ના એક નામી વકીલ પોતાની યુવાન પુત્રી સાથે ટ્યુમરના ઓપરેશન માટે આપણે ત્યાં દાખલ થયા છે. આવતીકાલે એનું ઓપરેશન છે.
આજસુધી મેં ઘણા દર્દીઓના ઓપરેશન રમતની જેમ કરી નાખ્યા છે પણ આ વખતે આ ઓપરેશન કરતા મને ખુબજ ડર લાગે છે હું કેમ જાણે મારા સ્વજનનું ઓપરેશન કરવાનો હોઉં એ રીતે મને એક માનસિક ભય સતાવે છે. આવતી કાલ સવારે વહેલા ઉઠી ભગવાનની પૂજા કરી તારા આશીર્વાદ લઇ અને શુભ ચોઘડીએ ઓપરેશન શરૂ કરીશ,"
"મા, દરરોજ સાંજે દવાખાનેથી ઘેર આવ્યા પહેલા રોજ હું અર્ધી કલાક વકીલ સાહેબ પાસે બેસીને આવું છું કુદરતી રીતેજ કોણ જાણે કેમ પણ હું એના વ્યક્તિત્વથી એની બુદ્ધિગમ્ય અને વ્યવહારિક વાતોથી એટલો પ્રભાવિત થયો છું કે એની સાથે કેમ જાણે મારે લોહીનો સબંધ હોય એવી આત્મીયતા મને લાગ્યા કરે છે.તેઓ એની વય કરતા માનસિક રીતે વધુ ભાંગી પડ્યા છે. દરેક વખતે એમની વાતમાં એક વાક્ય તો અવશ્ય આવે છે કે "કર્મના ફળ તો મનુષ્યે ભોગવવા જ પડે છે અને એ કર્મના ફળ સ્વરુપે જ હું આ જીવલેણ દર્દ ભોગવું છું.આજે જો મારી જીવનસંગીની મારી સાથે હોત તો મને ઘણી રાહત રહેત અફસોસ આજે એ પણ મારી સાથે નથી "
"વકીલ સાહેબના પત્ની સાથે નથી આવ્યા ?" મમ્મીએ પૂછ્યું
"ના.એમની યુવાન પુત્રી પ્રીતિ સાથે આવી છે અને એના કહેવા પ્રમાણે વકીલ સાહેબના પત્ની આઠેક વર્ષ પહેલા અવસાન પામ્યા છે "
મમ્મીએ ઉત્તર વાળતા કહ્યું "તેઓ સાચા છે પરંતુ માનવી કર્મ કરતી વખતે કર્મના પરિણામનો વિચાર કરવાને બદલે કર્મનું ફળ ભોગવતી વખતે કરેલા કર્મોને યાદ કરે છે.આ અવળી વિચારસરણી જ મનુષ્યને દુઃખ તરફ ધક્કેલે છે અને હા જીવનસંગીની છોડીને જતી રહે
તે ઈશ્વરના હાથની વાત છે પણ ક્યારેક જીવન સાથી જીવન સંગિનીને સામેથી તરછોડી દેતા હોય છે એવા પણ દાખલાની મને ખબર છે."

બીજા દિવસની સવારે ડોક્ટર નિત્યસમય પહેલા ઉઠી દૈનિક ક્રિયાઓ પતાવી પૂજા કરવા બેસી ગયા.પૂજા પુરી થયે માતાને પગે લાગી આશીર્વાદ મેળવી ડોક્ટર દવાખાને જવા રવાના થઇ ગયા.
ડોકટરના પહોંચ્યા પહેલાં ઓપરેશનની બધીજ તૈયારી થઇ ચુકી હતી.એવામાં ડોક્ટર વૉર્ડમાં આવ્યા વકીલ સાહેબને પગે લાગતા બોલ્યા "અંકલ મને આશીર્વાદ આપો કે હું મારી ફરજ માં સફળ નીવડું આટલા વર્ષોની મારી કેરિયરમાં આપ પહેલાજ એવા વયસ્ક દર્દી છો કે જેને ઓપરેશન કરનાર ડોક્ટર ઓપરેશન કરવા પહેલાં પગે લાગે છે."
વકીલ સાહેબની આંખમાં આંસુ છલકાયા અને ડોકટરના માથા ઉપર હાથ મુકતા બોલ્યા" આજે હું દર્દી તરીકે નહીં પણ એક બાપ જેમ દીકરાની સફળતા ઈચ્છે એમ પુત્રવત આશિષ આપું છું.આટલા દિવસોમાં હું અહીં દવાખાનામાં નહીં પણ મારા દીકરાને ઘેરજ આવ્યો હોઉં એવું મને લાગ્યું છે. બેટા આ તમારા કુટુંબના સંસ્કાર બોલે છે" એટલું કહેતા વકીલ સાહેબની આંખ આંસુ ન રોકી શકી.
ઓપરેશન લગભગ છ કલાક ચાલ્યું અને સફળ નીવડ્યું ડોકટરે નિરાંત નો દમ ખેંચ્યો અને ઈશ્વરનો આભાર માન્યો.

ઓપરેશનના ચાર દિવસ પુરા થયા.
વકીલ સાહેબ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા. બસ હવે બે-ત્રણ દિવસમાં ઘેર જવાની છુટ્ટી મળશે એવા વિચારે તેઓ વધુ પ્રફુલ્લિત હતા. હવે તો રૂટિનની થોડી દવા સિવાય ખોરાકમાં પણ કોઈ પરેજી રહી નહોતી.
એક દિવસ દવાખાનેથી પાછા ફર્યા પછી રાત્રિનું ભોજન પતાવી ડોક્ટર અને તેના મમ્મી બેઠા હતા ત્યારે ડોકટરે કહ્યું "મમ્મી,હવે વકીલ સાહેબને બે દિવસ પછી હું દવાખાનામાંથી ઘેર જવાની રજા આપીશ હવે એ તદ્દન સાજા અને ભયમુક્ત થઇ ગયા છે.
" બેટા,મને એમ લાગે છે કે છેલ્લા પંદર દિવસથી દવાખાનાના કેન્ટીન ની ફિક્કી રસોઈ ખાઈ એ કંટાળ્યા હશે હવે જયારે તેઓ જાય જ છે ત્યારે આવતી કાલે બાપ દીકરી બન્ને માટે આપણે ઘેરથી ટિફિન મોકલશું " ? ડોકટરના મમ્મીએ પૂછ્યું
"વાહ,મા હું પણ મનમાં એવું જ વિચારતો હતો ત્યાં તે મારા વિચારો ને વાચા આપી દીધી ખરેખર ઉત્તમ વિચાર છે' ડોકટરે માતાના વિચાર સાથે સહમતી આપતા કહ્યું.
બીજે દિવસે ભોજનના સમયે ડોક્ટરને ઘેરથી ટિફિન આવ્યું બાપ-દીકરી સાથે જમવા બેઠા.ટિફિન ખોલતાં જ ખીર,વડાં,ભીંડાનું શાક, કચુંબર,વિગેરે જોઈને બાપ દીકરી બન્ને ખુશ થયા આરામથી ભરપેટ જમ્યા છતાં વકીલ સાહેબ વ્યથિત અને બેચેન જણાતા હતા.ભોજન પૂરું કરી વકીલ સાહેબ દીવાલ તરફ પડખું ફેરવી ઓશિકાની આડશમાં ચોધાર આંસુએ રડતા હતા. એવામાં ડોક્ટર પ્રવેશ્યા.
વકીલ સાહેબને આ રીતે રડતા જોઈને પોતે તેના પલંગ ઉપર બેસી સાંત્વના આપતા રડવાનું કારણ પૂછ્યું.વકીલ સાહેબ પથારીમાં બેઠા થયા અને રડતા રડતા ડોક્ટરનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યા
"ડોક્ટર સાહેબ આપના ભોજને મને ભૂતકાળમાં ધક્કેલી દીધો ખીર-વડાં અને ભીંડાનું શાક મારી પ્રિય વાનગી છે ખીર સાથે સામાન્ય રીતે પુરી હોય,પણ હું હમેશા ખીર સાથે વડાં જ ખાવું પસંદ કરું છું એટલુંજ નહીં પણ ખીરમાં જાયફળ અને કેસર એ મારો ટેસ્ટ અને શોખ છે અને પ્રયેક જન્મદિવસે મારી પત્ની અચૂક એ બનાવતી આજે એ જ વાનગી અને એજ સ્વાદની રસોઈ જમતાં એ મને યાદ આવી ગઈ.આજે હું મારી ભૂલના પ્રાયશ્ચિત રૂપે રડી પડ્યો છું."
"ભૂલ ? પ્રાયશ્ચિત ?આ શું બોલો છો તમે ? એવીતે કઇ ગંભીર ભૂલ તમે કરી છે કે આજના ભોજને તમને ચોધાર આંસુએ રડવા મજબુર કર્યા છે ? ડોકટરે ઇંતેજારીથી પૂછ્યું વાતાવરણની ગંભીરતા અને પિતાના આંસુ ન જોઈ શકનારી પ્રીતિ વોર્ડની બહાર ચાલી ગઈ.
"હું આવતીકાલે તો અહીંથી જવાનો છુ.ખબર નથી કેમ પણ મને તમારા ઉપર પુત્રવત વાત્સલ્ય ઉપજે છે અને તેથીજ હું આજે તમારી પાસે મારુ હૃદય હળવું કરીશ.
" ડોક્ટર,એ મારા યુવાનીના દિવસો હતા આજથી ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં મારા લગ્ન મમતા નામની એક સુશીલ,ઘરરખ્ખુ,સમજદાર અને શિક્ષિત સંસ્કારી કન્યા સાથે થયા હતા.વકીલ તરીકે મારી શાખ અને પ્રતિષ્ઠા જામી ચુક્યા હતા.
એ દરમ્યાન માયા નામની એક સુંદર અને દેખાવડી કન્યા મારી સાથે જુનિયર તરીકે મારે ત્યાં વકીલાત કરતી હતી.ધીરે ધીરે અમારી વ્યવસાયિક નિકટતા પ્રેમમાં પરિણમી આ રીતે અમારો પ્રેમ પત્નીની જાણબહાર બે ત્રણ વર્ષ ચાલ્યો એ દરમ્યાનમાં મમતા ગર્ભવતી હતી હું માયાની માયામાં એટલો મોહાંધ બની ગયો હતો કે મેં મારી પત્ની મમતાને કાયમ માટે એના પિયર મોકલી દઈ અને પતિ-પત્નીના સંબંધ ઉપર હંમેશ માટે પૂર્ણવિરામ મૂકી દીધું.ગર્ભવતી મમતાએ પોતાની પિયરની વાટ પકડી લીધી.
આ બાજુ મેં મમતાને કાયદેસરના છુટાછેડા આપ્યા ન હોય હું અને માયા મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા.બે-ત્રણ વર્ષ પછી માયાને સંતાનની ઈચ્છા જાગતા અમે એક અનાથાલયમાં જઈને એક નાની બાળકીને દત્તક લઈ આવ્યા અને એ જ આ પ્રીતિ.
આજથી દશેક વર્ષ પહેલા વહેલી સવારે માયા બાથરૂમમાં ન્હાવા જતા તેણીએ ગીઝર ચાલુ કર્યું અને ગમે તે બન્યું પણ શોર્ટ સર્કિટને કારણે માયાને કરંટ લાગતા તે બાથરૃમમાંજ ઢળી પડી અને તેનું મૃત્યુ થયું.
એ દુઃખમાંથી બહાર આવતા મેં મમતાના પિયર નડિયાદ તપાસ કરી મમતાની ભાળ મેળવવા કોશિશ કરી પણ કમનસીબે નડિયાદમાં એનું પિયરનું ઘર પણ વહેંચાઈ ગયું અને હું તેની શોધ કરવામાં નિષ્ફ્ળ રહ્યો.ભગવાન જાણે એ આજે ક્યાં અને કેમ હશે."
વડીલ જે બનવા કાળ હતું એ બની ચૂક્યું છે હવે એનો રંજ હૃદયમાં રાખીને શા માટે તમારી તબિયત બગાડો છો ? આ રીતે વકીલ સાહેબને સાંત્વના આપી ડોક્ટર ઘેર જવા નીકળી ગયા.

"કેમ આજે તબિયત સારી નથી? કે કોઈ ગંભીર વિચારમાં અટવાયો છે ? કે શું બાબત છે ?"
ઉદાસ,નિસ્તેજ,અને ગંભીર ચહેરે આરામ ખુરશી ઉપર બેસેલ ડોક્ટરને માએ પૂછ્યું.
" ના.મા આજે મેં એક જિંદગીની એવી કરૂણ દાસ્તાન સાંભળી કે એ હજુ સુધી ચલચિત્રની જેમ મારા માનસપટ ઉપર સરકી રહી છે" ડોકટરે ઉંડો નિસાસો નાખતા કહ્યું.
"એવું બધુ શું છે ?"વિસ્મયતાના ભાવ સાથે મા એ સામો પ્રશ્ન કર્યો
"મા,આજના આપણા ભોજને વકીલ સાહેબને રડાવ્યા,એટલુંજ નહીં પણ હૃદય વલોવી નાખે એવી એની જીવન કથા જયારે મેં એને મોઢે સાંભળી ત્યારે મને એમ થયું કે, જો પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીરામની પત્ની સીતાજી પણ જો માયામાં ફસાઈ શકતા હોય,તો આ બુદ્ધિજીવી, હોશિયાર, અને વકીલ દરજ્જાનો માણસ કેમ બચી શકે ? એટલું કહી ડોકટરે વકીલ સાહેબની પુરી આપવીતી ટૂંકમાં કહી સંભળાવી.
જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ ડોકટરના મમ્મીની આંખ માંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા પુત્રની વાત પુરી થતા મમ્મીએ પૂછ્યું "વકીલ સાહેબની પ્રેમિકાનું નામ માયા અને પત્નીનું નામ મમતા હતું ?"
આશ્ચર્યથી પહોળી થઇ ગયેલી આંખે પુત્રે મમ્મીને પૂછ્યું," હા,મા પણ તને એ કેમ ખબર પડી ?મારી પુરી વાતમાં હું એમના નામ તો બોલ્યો જ નથી ? અને આ શું ? તારી આંખમાં આંસુ ?"
"બેટા,એ વકીલ સાહેબ બીજા કોઈ નથી પણ તારા પિતાશ્રી છે અને એની પત્ની મમતા એટલે હું તારી મમ્મી છું" સાડીના પાલવથી આંખ લૂછતાં રૂંધાયેલા સ્વરે મા એ જવાબ આપ્યો.
મા,પણ તારું નામતો મહેશ્વરી છે તું મમતા કેવી રીતે હોઈ શકે ?" અસમંજસ પુત્રે માતાને પ્રશ્ન કર્યો
તું સાચો છે.જે સત્યકથાનો તું પૂર્વાર્ધ સાંભળી આવ્યો એનો ઉતરાર્ધ આજે આટલા વર્ષે હું તને કહું, સાંભળ
"મારુ મૂળ નામ પહેલેથી જ માહેશ્વરી છે પણ જયારે મારા લગ્ન થયા ત્યારે મારા સાસરિયાને તથા તારા પિતાને એ નામ બહુ જુનવાણી અને લાંબુ લગતા તેઓ એ મારુ નામ મમતા રાખ્યું હતું, અને ત્યારથી હું મમતા તરીકેજ ઓળખાતી હતી પણ જે દિવસથી મને તારા પિતાએ ઘરમાંથી કાઢી મૂકી એ જ દિવસે એની જ ચોક્ટ ઉપર મેં મારુ મંગળસૂત્ર ઉતારી નાખ્યું અને એણે આપેલું નામ તેના ઉંબરે મૂકીને મેં ઘર છોડી દીધું.
પિયર નડીયાદમાં તારો જન્મ થયો અને ત્યાંજ રહી શિક્ષિકા તરીકે નોકરી કરી તને મેં ઉછેર્યો અને ભણાવ્યો એટલુંજ નહીં પણ તને સ્કૂલમાં દાખલ કર્યો ત્યારે મેં તારા નામની પાછળ તારા પિતાના નામને બદલે મેં મારુ મૂળનામ "મહેશ્વરી" લખાવેલું જયારે તું ઇન્ટર સાયન્સ માં સારે માર્ક્સથી પાસ થયો એ દરમ્યાન મારા માતા પિતા પણ ગુજરી ગયા અને તને સુરતની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યું અને હું પણ ત્યાંની એક ખાનગી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ તારો M.S.નો અભ્યાસ પૂરો થતાં મારા પિતાજી તરફથી મને વારસામાં મળેલ નડિયાદનું ઘર અને ફાર્મ હાઉસ વહેંચી નાખી તને કેન્સર નિષ્ણાત બનાવવા અમેરિકા મોકલ્યો.આજે આટલા વર્ષે એની પ્રેમિકાનો સાથ છૂટી જતા હું તેને યાદ આવી.મનુષ્ય પોતાના ઉજળા દિવસોમાં કરેલા કુકર્મો જયારે પાછલી જિંદગીમાં ભોગવે છે ત્યારે પ્રાયશ્ચિત રૂપે એ આંસુ સ્વરૂપે આંખમાંથી ટપકે છે.
બેટા, હવે બધીજ સ્પષ્ટતા કરી તું તેને અમદાવાદ જવાને બદલે અહીં જ આપણી સાથે રેહવાની વાત કરી જોજે અમેરિકા જવાને બદલે ઓપરેશન માટે તેનું અહીં આવવું એજ કુદરતી સંકેત છે અને જો ઈશ્વર તેને એ રીતે માફ કરી શકતો હોય તો હું તો "મહા-ઈશ્વરી" છું ? સવારનો ભૂલેલો જો રાત્રે પાછો આવે તો એ ભૂલેલો નથી ગણાતો
આટલું સાંભળતાજ ડોક્ટર માના પગમાં પડી રડવા લાગ્યો "મા, જિંદગીના મોટાભાગના વર્ષો તે દુઃખ,તકલીફ અને સંતાપમાં જ વેઠ્યા છે એટલુંજ નહીં પણ એ બાબતે આજસુધી તે કદી ન તો હરફ ઉચ્ચાર્યો છે કે નથી મને કાંઈ કળાવા દીધું ધન્ય છે તને અને તારી સહનશક્તિને ! તું આ ઝેર આજ સુધી પચાવી કેમ શકી ?
"બેટા,પરિવારને ટકાવી રાખવા કોઈકે તો નિલકંઠ બનવું જ પડે" સાડીના પાલવથી આંખના ખૂણા લૂછ્તાં મહેશ્વરી બોલી.
સવારે ઉઠતાવેંતજ ડોક્ટર દવાખાને પહોંચ્યા.
આ બાજુ વકીલ સાહેબ તથા પ્રીતિ આજે અમદાવાદ પાછું ફરવાનું હોઈ પોતાનો સમાન પેક કરવામાં વ્યસ્ત હતા.ડોક્ટર વોર્ડમાં પ્રવેશ્યા અને વકીલ સાહેબને કહ્યું,
"કેમ આજે તો જવાની તૈયાર પણ થઇ ગઈ ?"
વકીલ સાહેબ ધીમું હસીને બોલ્યા, "સાહેબ,આજે પંદર દિવસ પુરા થયા હવે તબિયત પણ પહેલા જેવીજ સારી થઇ ગઈ છે આપ આપનું બિલ આપી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપો એટલે વહેલા ઘેર પહોંચી જઈએ"
ડોકટરે જવાબ દેતાં કહ્યું "એ તો બરાબર છે પણ મારી ઈચ્છા એવી છે કે આપ આપનેે ઘેર જાવ તે પહેલાં મારે ઘેર પધારી ચા-નાસ્તો કરી અને વિદાય લો.મારા ઘરમાં આપ વડીલના પગલાં એ એક છુપા આશીર્વાદ સમાન જ છે.હું ઈચ્છું કે ફરી મારે ત્યાં આવા નિમિત્તે આપને આવવાની જરૂર ન પડે."
ડોકટરના આગ્રહથી ભાવુક બનેલ વકીલ સાહેબે ઘેર આવવાનું નિમંત્રણ સ્વીકારી એ અને પુત્રી પ્રીતિ ડોકટરના નિવાસ સ્થાને ગયા.
દીવાનખાનામાં વકીલસાહેબનું સ્વાગત કરતા ડોકટરે કહ્યું "પધારો",
બેઠકરૂમમાં પ્રવેશતાં જ સામી દીવાલ ઉપર મહેશ્વરીનો ફોટો જોઈ વકીલ સાહેબથી સહસા પુછાઈ ગયું " આ.........ફોટો ...... ?"
વકીલ સાહેબ વાક્ય પૂરું કરે તે પહેલા જ ડોકટરે કહ્યું, "જી.એ મારી મા ની તસ્વીર છે "
આંખના ભીના ખૂણા રૂમાલથી લૂછતાં વકીલ સાહેબે કહ્યું "સામાન્ય રીતે ઈશ્વર જયારે મનુષ્યનું સર્જન કરે છે ત્યારે લગભગ બધાના ચહેરા-મ્હોરા અલગ અલગ જ હોય છે પણ ખબર નહિ કદાચ ઈશ્વરના કારખાનામાં પણ બીબાંની તંગી પડી ગઈ હશે." વકીલ સાહેબનું માર્મિક વિધાન ડોક્ટર તુરત જ સમજી ગયા.
થોડીજ વારમાં પૂજા-પાઠથી પરવારી માહેશ્વરી દીવાનખંડમાં પ્રેવેશ્યા.
મહેશ્વરીને જોતાજ વકીલ સાહેબનું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું ફિક્કી જીણી આંખો નીચે કાળા કુંડાળા સાથે નાની કરચલીઓ,અર્ધ સફેદ વાળ,હાથ અને ચહેરા ઉપરની કરચલીઓ, નિસ્તેજ મુખમુદ્રા આ બધું જોતા વકીલ સાહેબની આંખમાંથી અસ્ખલિત આંસુ વહેવા લાગ્યા અને મહેશ્વરી ને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડતા બોલ્યા, "મમતા મને માફ કર મારા પાપનું ફળ હું વર્ષો સુધી ભોગવી ચુક્યો છું મહેશ્વરીએ પોતાના સાડીના પાલવથી વકીલ સાહેબની આંખો લૂછતાં કહ્યું "સમય બળવાન છે જે વીતી ગયું એને યાદ કરવાનો કોઈ ફાયદો નથી "
એજ ક્ષણે ડોકટરે પોતાના ખિસ્સા માંથી વકીલ સાહેબના હાથમાં મંગળસૂત્ર આપતા કહ્યું
"તમે જે દિવસે મારી માને ઘરવટો આપ્યો ત્યારથી એ મમતા મટી મહેશ્વરી બની ગઈ છે અને હવે જીવન પર્યન્ત એ મહેશ્વરીજ રહેશે"
વકીલ સાહેબે મંગળસૂત્ર હાથમાં લઈ મહેશ્વરીના ગળામાં પહેરાવતા પ્રીતિને કહ્યું,"બેટા આ જ તારી મા છે એને પગે લાગ."
પ્રીતિ મહેશ્વરીને પગે લાગતા મહેશ્વરીએ કહ્યું,,"એક સ્ત્રીને પોતાથી વિખૂટો પડેલો પતિ,પુત્રને પિતા,ભાઈને બહેન અને પિતાને પોતાનો પરિવાર મળતાં આજે ઘર ગુલમહોર જેવું રંગીન અને મનોહર બન્યું છે."
હવાની લહેરખી આવતા બારી બહારની ગુલમહોરની બે ડાળીઓ ઝૂલવા લાગી એકે બીજી ડાળીને કહ્યું, "ધન્ય છે આ સ્ત્રીને જેણે ઉંમરના આખરી પડાવ સુધી આપણી જેમ ગ્રીષ્મની કાળીગરમી સહન કરીને પરિવારને આપણા જેવો જ સુંદર,રંગીન અને મનોરમ્ય રંગ આપ્યો"
બીજી ડાળીએ જવાબ આપ્યો "ખીલીને ખરી જવું એ તો સહજ અને કુદરતી પ્રક્રિયાનો એક ભાગ છે તેમ છતાં પોતે તપીને બીજાને ઠંડક આપે અને આકર્ષી શકે એ જ આપણા ખીલ્યાનો ઉદ્દેશ્ય છે અને તે ઉદ્દેશ્ય આ સ્ત્રીએ બખૂબી ચરિતાર્થ કર્યો છે "

વ્યોમેશઝાલા
94276 03278
સ્વ લિખિત #જીવનસંધ્યા.માંથી

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો