Breaking News

પ્રસન્ન દામ્પત્યની મહેક – ડૉ. ચંદ્રકાન્ત મહેતા


‘અખંડ આનંદ’માંથી સાભાર.]
‘દીકરી, ભણવામાં બરાબર ધ્યાન આપ. તારી પાસે પદવી નહીં હોય તો તને નોકરી કોણ આપશે.’
‘એમાંય આજકાલ તો માણસની યોગ્યતા માર્કસથી મપાય છે… લગ્ન માટે તારું તેજસ્વી હોવું જરૂરી છે ! તારા મોટા ભાઈ વેદજ્ઞની પત્ની શીતાદ્રિ ઈજનેર છે અને નાના ભાઈ લોકજ્ઞની પત્ની મંદાક્ષી શિક્ષિકા છે. એમનો પાસ-પડોશમાં ને સમાજમાં એક મોભો છે. તારે પણ કશુંક થવું તો પડશે જ ને.’


મમ્મી-પપ્પાના આવા સંવાદો સાંભળી મંત્રણાના કાન પાકી ગયા હતા ! મંત્રણા માનતી હતી કે નારીનું લક્ષ્ય નોકરી માત્ર નથી. જેને એ પોતીકું ગણે, પોતાની દષ્ટિ અનુસાર સજાવેલું, પોતાની રુચિ અનુસાર ગોઠવેલું, એવું ઘર જ્યાં આતિથ્યનો મહિમા હોય, જ્યાં વડીલોની ઈજ્જત હોય અને નાનેરાંને યોગ્ય આઝાદી હોય ! જ્યાં નોકર કે કામવાળીને હલકાં ગણી તુચ્છ વ્યવહારથી મુક્ત રાખવામાં આવતાં હોય અને તેમના કામની કદર થતી હોય, જ્યાં પતિ-પત્નીનો સહવાસ નહીં, સહયાત્રા હોય ! આવા ઘરના નિર્માણ માટેની દષ્ટિ પદવી દ્વારા સંભવ છે ? એટલે જ મંત્રણા પરીક્ષા કરતાં ઈતર પુસ્તકોનાં વાચનને વધુ મહત્વ આપતી. એને મન વ્યક્તિત્વવિકાસ એટલે શણગારેલું વ્યક્તિત્વ નહીં, પણ મહેકતું વ્યક્તિત્વ ! બહારની મહેક માટે ફૂલો ખરીદી શકાય, પણ અંદરની મહેક માટે તો અંતઃકરણને જ નંદનવન બનાવવું પડે.

‘આવા તરંગી વિચારો કરીશ તો સાસરિયાં તગેડી મૂકશે. આજના જમાનામાં સંસ્કાર કરતાં ચબરાકીપણાને વરેલી સ્ત્રીઓની બોલબાલા છે ! સલૂણાપણું પણ આજની દુનિયામાં નખરાં વગર અલૂણું ગણાય છે, આટલી વાત તને વીસ વર્ષે પણ કેમ સમજાતી નથી ?’ – મમ્મી મંત્રણાને ટોણો મારવાનું ક્યારેય ચૂકતી નહોતી. પપ્પા પણ એમાં હાજીઓ પુરાવતા ! મંત્રણાને માથે જવાબદારી આવશે એટલે એના મનઘડંત આદર્શો આપોઆપ અદશ્ય થઈ જશે એવા ખ્યાલથી એના પપ્પાએ લગ્ન માટેના મૂરતિયા-શોધ અભિયાન શરૂ કરી દીધું. મંત્રણાના બન્ને ભાઈઓ પણ પોતાની ખોટની બહેનના જીવનને સુખ-સાહ્યબીભર્યું બનાવવા ઈચ્છતા હતા. મંત્રણાની કંચનવર્ણી કાયા, અમીઝરતી આંખો, મૃદુ મુસ્કાન અને સાદગી મઢ્યું સૌંદર્ય જોનારની આંખમાં વસી જાય તેવું મનોહર હતું. તેના બન્ને ભાઈઓના સાસરિયાં પોતપોતાના નિકટનાં સગાંવહાલાંના પુત્રો મંત્રણાને દેખાડીને ચોકઠું ગોઠવી દેવા તૈયાર હતા !

એક દિવસ સમીસાંજે મંત્રણાની કેટલીક સખીઓ એને મળવા આવી ! મંત્રણાનાં મમ્મી મહેમાનભૂખ્યાં સન્નારી ! નોકરને બદલે જાતે જ નાસ્તાની ડીશો લઈને આવ્યાં, ત્યારે આગંતૂક સહેલીઓ ચર્ચામાં મશગૂલ હતી. એક સહેલીએ કહ્યું : ‘મંત્રણા, હું કોઈ સામાન્ય ઘરની પુત્રી નથી. મારા પપ્પાજી આઈ.એ.એસ. ઑફિસર છે અને મમ્મી એક પ્રતિષ્ઠિત કંપનીમાં ડિરેકટર છે.’
‘અને મારા પપ્પાનું ધીકતું નર્સિંગ હોમ છે અને મમ્મી બુટિક શૉપની માલિક છે… સમાજમાં અમારા કુટુંબનો વટ છે.’ – બીજી સાહેલીએ વટભેર જણાવ્યું.
‘એ બધું તો ઠીક, પણ તારાં મમ્મીપપ્પા શું કરે છે, એ તો તેં જણાવ્યું જ નહીં, મંત્રણા.’ – ત્રીજી સખીએ ઉત્સુકતા દર્શાવતાં પૂછ્યું.
‘મારા પપ્પાજી સ્કૂલમાં શિક્ષક છે અને તમારી સામે નાસ્તાની ડીશો લઈને ઊભી તે મારી મમ્મી. ઘર એ જ એને મન સ્વર્ગ.’ મંત્રણાએ સ્મિત સાથે કહ્યું.
‘એ બધું તો ઠીક પણ તારી મમ્મી કોઈ નોકરી-બોકરી, કામધંધો કરે છે કે નહીં ?’ બીજી સખીએ સહેજ વ્યંગમાં પૂછ્યું.
‘મારી મમ્મી સમર્પિત ગૃહસેવી મહિલા છે. મારો, પપ્પાનો, મહેમાનોનો અને પડોશીઓનો તન-મનથી ખ્યાલ રાખવો એ જ એની નોકરી અને એ જ એનો બિઝનેસ.’ મંત્રણાએ ચોખવટ કરી !
‘અરે ! રસોઈ-બસોઈ તો રસોઈયાનું કામ. ઘરકામ માટે કેરીયરને હોડમાં ન મુકાય ! મંત્રણા, તારા વિચારો કેમ પરંપરાગત છે એનો ખ્યાલ મને હવે આવ્યો !’ – પ્રથમ સખીનો પ્રતિભાવ !
‘તારી વાત સાચી છે કે રસોઈ તો રસોઈયો પણ બનાવી આપે. પણ ગૃહિણી અને રસોઈયામાં મોટો ફેર છે. રસોઈયો સ્વાદને મહત્વ આપે, ગૃહિણી ઘરના સભ્યોના સ્વાસ્થ્યને. અને જિંદગીની દરેકની પરિભાષા અલગ અલગ હોય છે ! ઘરરખ્ખુ મમ્મી દ્વારા થતાં ઘરનાં તમામ કામોનું મૂલ્ય ગણવામાં આવે તો એની વાર્ષિક આવક એક મોટી કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર કરતાં ઓછી ન ગણાય. કેટલીક સેવાઓ અમૂલ્ય હોય છે. એનું મૂલ્ય આંકવું એ પણ એક મૂર્ખતા ગણાય !’ મંત્રણાએ ચોખ્ખુંચટ પરખાવી દીધું એટલે ચર્ચા ત્યાં જ સમાપ્ત થઈ ગઈ !
અંતે મંત્રણાએ જીવનસાથીની પસંદગી કરી. એક નાનકડા બિઝનેસ સંભાળતા વેપારી યુવક પર પસંદગીનો કળશ ઢોળ્યો. મંત્રણાની મમ્મી ખુશ હતી પણ બન્ને ભાઈઓ નાખુશ ! નાનકડા વેપારીનું ‘સ્ટેટસ’ શું ?…. બન્ને ભાઈઓ એ દલીલને વળગી રહ્યા. પણ મંત્રણા પોતાના નિર્ણયમાં અફર હતી. શીલન એના મિતભાષી અને મૃદુ સ્વભાવને કારણે મંત્રણાને ગમી ગયો હતો. શીલન જીવનમાં સાદગી અને શાંતિને મહત્વ આપતો હતો. સવારે એ પોતાની પેઢી પર જાય અને બપોરે 1 વાગ્યે જમવા આવે. સાડાત્રણ પછી ફરીથી ઑફિસે જાય અને સાડા છના ટકોરે ઘરે પાછો ફરે ! મંત્રણાને શીલનનું સમયપત્રક બહુ જ ગમી ગયું. લગ્ન પછી મંત્રણા ઈચ્છે તો ઑફિસે કામ કરી શકે એવો વિકલ્પ શીલને મંત્રણા સમક્ષ રજૂ કર્યો પણ મંત્રણાએ ગૃહજીવનને જ મહત્વ આપી કામ કરવાની અનિચ્છા દર્શાવી. એણે રસોઈયાને રૂખસદ આપી દીધી. ધોબીને ઈસ્ત્રી માટે કપડાં આપવાનું અટકાવી દીધું. શાકવાળો ઘેર શાક પહોંચતું કરતો હતો, તે પ્રથા બંધ કરી દીધી. રસોઈ, ઈસ્ત્રી, શાક-મરી-મસાલાની ખરીદી વગેરે કાર્યો મંત્રણા જાતે જ કરતી. શીલનના નિવૃત્ત અને બીમાર પપ્પાની નેચરોપથીનો અભ્યાસ કરી સારવાર કરતી. શીલન બપોરે જમવા આવે ત્યારે એને પ્રેમથી જમાડતી અને બાકીના સમયમાં નાની-મોટી ગૃહબનાવટની ચીજ-વસ્તુઓ તૈયાર કરતી ! અને તેમ છતાં આખો દિવસ ખુશખુશાલ રહેતી.
દોઢ વર્ષ પછી મંત્રણા માતા બની ! પુત્ર શીર્ષકના આગમનને કારણે શીલન અને મંત્રણાનું જીવન આનંદથી છલકાતું હતું. મંત્રણાનું મન બાળઉછેર માટે સજ્જ હતું. એવામાં શીર્ષકને રમાડવા માટે એની કૉલેજકાળની ત્રણ સાહેલીઓ આવી પહોંચી. મંત્રણાની જેમ એ ત્રણેનાં લગ્ન પણ થઈ ગયાં હતાં. મંત્રણાએ જાતે જ રસોઈ બનાવી અને તેના પતિ શીલનને પોતાના હાથે જ રસોઈ પીરસી. મંત્રણા તથા તેની સાહેલીઓને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. મંત્રણાએ કહ્યું : ‘શીલન તેની અનુકૂળતા મુજબ મને ઘરનાં નાનાં-મોટાં કામોમાં મદદ કરે છે ! સાચું કહું, હું ગૃહિણી તરીકે જીવવાને વરદાન માનું છું. અરે ! પણ હું તો માત્ર મારા જીવનની જ વાતો કરું છું. તમારા જીવન વિશે તો સાવ અજાણ છું !’
પહેલી સહેલીએ કહ્યું : ‘પપ્પાજીએ મારાં લગ્ન ધામધૂમથી એક મોટી હોટલના માલિકના પુત્ર સાથે કરાવ્યાં… પણ એ નશાખોર અને વિલાસી. મારઝૂડને કારણે મેં છૂટાછેડા માટે અરજી કરી છે. સાહ્યબીનાં સપનાં મને મોંઘાં પડ્યાં !’
બીજી સહેલીનો પતિ ડૉક્ટર હતો. આખો દિવસ નર્સિંગ હોમની જવાબદારીમાં વ્યસ્ત રહેતો. મંત્રણાની સહેલી અધિકારીપ્રિય હોવાને કારણે પતિ સાથે ઝઘડતી રહેતી. એણે વટ ખાતર નોકરી સ્વીકારી હતી પણ બન્ને વચ્ચે અબોલા હતા ! ત્રીજી સહેલીના પતિની ઈચ્છા તેની પત્ની ઘર સંભાળે તેવી હતી પરંતુ પોતાને નાનમ લાગવાને કારણે બ્યૂટી પાર્લર શરૂ કર્યું હતું ! તેનો પતિ રિસાઈને વિદેશ ચાલ્યો ગયો હતો !


ફરી પાછો ત્રણે સહેલીઓનો એ જ પ્રશ્ન : ‘મંત્રણા, તું પણ તારી મમ્મી જેવી જ નીકળી !… 21મી સદીમાં ઘરને સ્વર્ગ માનનારી આદર્શ સન્નારી ! તને નથી લાગતું કે તારું શિક્ષણ એળે ગયું છે ?’
મંત્રણાએ કહ્યું : ‘ના, શિક્ષણે જ મને જીવન જીવવાની જડીબુટ્ટી આપી છે. મારા જીવનનું લક્ષ્ય પદવી પ્રાપ્તિનાં પુસ્તકો વાંચવાનું નહીં પણ જીવનઘડતરનાં પુસ્તકો વાંચવાનું હતું. જેને નોકરી કે વ્યવસાય કરવો હોય એ સ્ત્રી ભલે એ માર્ગે જાય, પણ સ્વાવલંબી નારી નોકરિયાત નારી કરતાં નાની નથી એ ભ્રમ દૂર થવો જોઈએ. આજે પણ કેટકેટલીક નારીઓ ઘરની જવાબદારી સંભાળી, અગ્નિપરીક્ષામાં પણ અવિચળ રહે છે. વૈભવનાં સ્વપ્નો આંખમાં આંજ્યા વગર ઘરની જવાબદારીઓ ટાંચાં સાધન વચ્ચે પણ હસતા મુખે અદા કરે છે. કોઈ પણ સદીમાં પ્રેમ, લાગણી અને સ્વયંસ્વીકૃત જવાબદારી અદા કરવાની ઉત્સુકતાનું મહત્વ રહેવાનું ! કોઈ પણ સ્ત્રી એના વ્યવસાયના ખાનામાં ‘ઘરકામ’ લખે છે ત્યારે હું મનોમન એને વંદન કરું છું, કારણ કે એ સ્વાવલંબી છે ! જે સ્ત્રીના હૈયામાં ઘરની ઈજ્જત ન હોય એના નારિત્વને હું અપૂર્ણ ગણીશ. ઉમેરાતી સદી માણસાઈને બે વેંત ઊંચી ન કરે તો અંતે એ બદી જ ઠરે !’
મંત્રણાની ત્રણે સહેલીઓ નિરુત્તર બની અને શીલન તથા મંત્રણાના પ્રસન્ન દામ્પત્યની મહેક બેઠકખંડને ખુશબોદાર બનાવી રહી હતી

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો