Breaking News

બોધ કથા=9 વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય....!!!

વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય....!!!!!



લાખો કરીને એક વણઝારો હતો. પૈસે ટકે ઘણો સુખી હતો. પરંતુ જિંદગીમાં દરેક દિવસો માણસને સરખા જતા નથી. તેને પૈસાની ખોટ પડવા લાગી. આથી તે એક શેઠ પાસે ગયો. પોતાની મુશ્કેલીની બધી વાત કરી અને કહ્યું કે તમારી પાસેથી ઉછીના લીધેલા પૈસા એક વરસમાં તમને પાછા આપી જઈશ. શેઠે કશી જ શરત કર્યા વિના પ્રમાણિકતા પર પૈસા આપ્યા.


વણઝારાએ પૈસા લઈને જતી વખતે કહ્યું કે આ મારો ડાઘિયો કૂતરો તમને સોંપું છું. પોતાના કૂતરાને શિખામણ આપી કે, હવેથી શેઠનું કામ બરાબર કરજે. અહીંથી નાસી આવીશ નહિ _કહી વણઝારો છૂટો પડ્યો.


હવે બન્યું એવું કે શેઠના ઘરમાં એક દિવસ ચોરી થઇ. કૂતરાએ શેઠને જગાડવાના ઘણા પ્રયત્ન કર્યા પણ શેઠ જાગ્યાં નહિ. ચોરલોકો બધું ઉઠાવી ગયા. પરંતુ કૂતરાએ તેનો પીછો પકડ્યો. પોતાના માલિકનું ધન ક્યાં છૂપાવે છે તે જોઈ લીધું. સવારે શેઠ જાગ્યાં ત્યારે ખબર પડી કે ઘરમાં ચોરી થઇ છે. શેઠ તો લમણે હાથ દઈ નીચે બેસી ગયા. ડાઘિયો શેઠના ધોતિયાનો છેડો ખેંચવા લાગ્યો, આથી શેઠ ઊભા થયા. ડાઘિયો તેને ધન દાટેલી જગ્યાએ લઇ ગયો. પોતાના પગ વડે જમીન ખોતરવા માંડ્યો. શેઠ સમજી ગયા કે કૂતરો શું કહેવા માંગે છે. તેથી જમીન ખોદીને પોતાનું ધન, ઘરેણા વગેરે પાછા મેળવ્યા. ડાઘિયા પર શેઠ ખૂબ ખુશ થયા. આથી તેને થયું કે ચાલ, હવે તેને હું મુક્ત કરું તેથી તે પોતાના માલિક વણઝારાને મળી આવે.

એ વિચારે શેઠે વણઝારા પર પત્ર લખ્યો કે હું તમારો ખૂબ જ આભાર માનું છું. કારણ કે તમારા ડાઘિયાએ સુંદર કામ કર્યું છે. એ ન હોત તો મારી શી દશા થાત ! તેના પર મને ખૂબ જ પ્રેમ આવે છે. જેથી તમારા પુત્ર જેવા ડાઘિયાને તમારા પાસે શાબાશીના શબ્દો માટે મોકલું છું. આ પ્રમાણે લખી ડાઘિયાના ગળે ચિઠ્ઠી બાંધી.

પોતાના માલિકને મળવા કૂતરો દોડ્યો જાય છે. તેવામાં સામેથી પોતાનો માલિક વણઝારો દેખાયો. ડાઘિયો તેની પાસે દોડીને પહોંચી ગયો. પોતાના માલિકને ઘણા સમય પછી મળ્યો તેથી તેને એમ હતું કે વણઝારો હમણા મને પ્રેમથી બોલાવશે. પણ તેણે ડાઘિયા પ્રત્યે તિરસ્કાર બતાવ્યો. વણઝારાને થયું કે શેઠને ત્યાં એણે વફાદારી નહિ બતાવી હોય જેથી આજે મારા પાસે મોકલ્યો છે. તું કશા જ કામનો નથી કહી વણઝારો ખૂબ ગુસ્સે થયો.

પોતાના માલિકના અવ તિરસ્કારથી ડાઘિયાને ખૂબ જ દુ:ખ થયું. તે પથ્થર પર માથા પછાડીને મરી ગયો. પછી વણઝારાને તેના ગળા ઉપર બાંધેલી ચિઠ્ઠી દેખાઈ. વણઝારાએ ચિઠ્ઠી વાંચી અને આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. અને કહેવા લાગ્યો, ડાઘિયા તે તો મારી આબરૂ વધારી હતી. શેઠ તારા પર ખુશ થયા હતા. પણ હું તને ન સમજી શક્યો. મેં આજે મારો પુત્ર ગુમાવ્યો હોય એટલું દુ:ખ તને ગુમાવતા થાય છે ! કહી વણઝારો પોક મૂકીને રડ્યો. પણ પછી પસ્તાવાથી શું ? આથી જ કહેવત હે કે, ‘વગર વિચાર્યું જે કરે તે પાછળથી પસ્તાય.’

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો