એક નાનુ બાળક પોતાના ઘરમાં આમથી તેમ દોડા- દોડી કરી રહ્યુ હતુ. અચાનક એનો પગ કાચની ફુલદાની સાથે અથડાયો. ફુલદાની નીચે પડી અને તેના ટુકડા ટુકડા થઇ ગયા. ફુલદાની ખુબ કિંમતી હતી. બાળકના પિતાનું ધ્યાન ગયુ એટલે એણે બરાડા પાડવાના શરુ કરી દીધા.બાળક પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ , " ડોબા ,તે આ કિંમતી ફુલદાની તોડી નાખી. આટલી સરસ ફુલદાની માંડ મળી હતી. ઘરમાં ટાંટીયો વાળીને
બેસતા શું થાય છે ? તારા બાપે પાઇ-પાઇ બચાવીને આ ફુલદાની ખરીદી હતી અને માત્ર બે સેકન્ડમાં તો તે
એનું 'રામ નામ સત્ય' કરી નાંખ્યુ. તારા જેવા દિકરા ઘરમાં કોઇ પછી ક્યાંથી બરકત આવે. " બાળક તો સુનમુન થઇને આ બધુ સાંભળી રહ્યો હતો. જેમ જેમ પપ્પાનો અવાજ વધતો ગયો તેમ તેમ બાળકની આંખમાંથી નીકળતા આંસુ પણ વધતા ગયા. પતિને રાડા-રાડી કરતા સાંભળીને રસોડામાં કામ કરતી પત્નિ બહાર આવી. એને આખી ઘટના સમજાઇ ગઇ. એ સીધી જ બાળક પાસે ગઇ અને બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. બાળક તો માની  સાડીના પાલવમાં માથું છુપાવીને માને ભેટી
પડ્યો. બાળકના પિતાએ આ દ્રશ્ય જોયુ એટલે પોતાની પત્નિને પણ ખીજાઇને કહ્યુ , " તું જ આ છોકરાને ચડાવે છે અને તે જ એને બગાડી મુકયો છે." પત્નિએ બધુ જ સાંભળી લીધુ પછી બાળકને રૂમમાં મોકલી દીધો. પોતાના પતિ પાસે જઇને ધીમા અવાજે કહ્યુ , " ફુલદાની તુટી જાય એની તમને ચિંતા અને દુ: ખ છે પણ તમારા એકના એક દિકરાનું દિલ તુટી જાય એની તમને ચિંતા નથી ! ઘરની ચીજ વસ્તુઓને સાચવવી
જરુરી છે કારણકે એ આપણી સંપતિ છે પરંતું સંતાન તો આપણી સૌથી મોટી સંપતિ છે માટે એને સાચવવું વધુ
મહત્વનું છે. જરા શાંતિથી વિચારો , ફુલદાની તો
ઘરમાં બીજી પણ આવશે પણ બીજો દિકરો ક્યાંથી
લાવશો ? "
આપણી સૌથી મોટી સંપતિ આપણા સંતાનો છે.
આપણી સ્થુળ સંપતિનું જેટલુ જતન કરીએ છીએ , જેટલું
ધ્યાન રાખીએ છીએ અને જેટલો પ્રેમ કરીએ છીએ એવું
સંતાન માટે થાય છે ખરુ ?
 
Top