ભારતની આઝાદી પહેલાના સમયની આ વાત છે. એક બ્રિટીશર મહીલા ભારતની મુલાકાતે આવી હતી. આ મહીલા ભારતીય પ્રજાને સાવ પછાત ગણતી હતી. ભારતીય લોકો પ્રત્યે એને ખુબ અણગમો હતો. ભારતની ગુલામ પ્રજા પર કેવુ શાસન કરે છે એ જોવા માટે જ એણે ભારતની મુલાકાત લીધી હતી. એકવખત એ એક ટ્રેનમાં બેસીને મુસાફરી કરી રહી હતી. એણે ટ્રેનમાં એક સાધુને સામાન્યલોકોની સાથે બેઠેલો જોયો. આ મહીલા સાધુને જોઇને ખુબ ગુસ્સે ભરાઇ કારણકે એ સાધુ બ્રિટીશર હતો. એક અંગ્રેજને સાધુના ભગવા કપડામાં જોઇને બ્રિટીશ મહીલા સીધી જ સાધુ પાસે પહોંચી ગઇ અને સાધુને પુછ્યુ, " એક બ્રિટીશર થઇને આ ગુલામ અને પછાત ભારતીયોની વચ્ચે બેસતા તમને શરમ નથી આવતી ? મને એવુ લાગે છે કે તમે બહુ ભણેલા-ગણેલા નહી હોય " પેલા સન્યાસીએ હસતા હસતા કહ્યુ, " મેડમ, હું કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પ્રોફેસર હતો." જવાબ સાંભળીને મહીલાને આશ્વર્ય થયું. એણે તરત જ કહ્યુ, " તમને તમારા દેશ પ્રત્યે પ્રેમ નથી ? " સન્યાસીએ સ્મીત સાથે કહ્યુ, " પ્રથમ વિશ્વયુધ્ધ વખતે હું મારી 18 વર્ષની ઉંમરે ફાઇટર પ્લેનનો પાઇલોટ હતો અને બ્રિટન માટે જ વિશ્વયુધ્ધ લડેલો." નાની ઉમરે પાઇલોટ તરીકે વિશ્વયુધ્ધમાં ઉતરનાર અને કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પ્રોફેસર તરીકે સેવા આપનાર માણસને એક ભારતીય સાધુના વેશમાં જોઇને પેલી બ્રિટીશ મહીલાની આંખો પહોળી થઇ ગઇ. એમણે સાધુને પુછ્યુ, " આ ભારતે તમને એવુ શું આપ્યુ કે તમે બ્રિટન જેવા વિકસીત દેશને છોડીને આ પછાત અને ગુલામ દેશમાં આવ્યા ? " આ સાધુ એ પોતાની પાસે રહેલી નાની પેટીમાંથી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તી બહાર કાઢીને બતાવી અને કહ્યુ, " ભારતે મને ભગવાન કૃષ્ણ આપ્યા છે."
આ સાધુનું નામ હતું 'યોગી કૃષ્ણપ્રેમ'.
 
Top