એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, " બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે." છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ જ્યારે બહાર જાય ત્યારે એને તો કોઇ સુચના આપવામાં નથી આવતી ! "

પિતાએ દિકરીના માથા પર હાથ ફેરવીને કહ્યુ, " બેટા, તારી મનોવેદના હું સમજુ છું, તું પણ મારી વેદનાને સમજવા માટેનો પ્રયાસ કર. " પિતા દિકરીનો હાથ પકડીને શેરીમાં લાવ્યા. જીઇબી વાળાનું કંઇક કામ ચાલતું હતું એટલે લોખંડની ઘણી વસ્તુઓ ત્યાં કેટલાક દિવસથી પડી હતી. પિતાએ દિકરીને આ વસ્તુઓ બતાવીને કહ્યુ, " બેટા, તને ખબર છે આ વસ્તુઓ ઘણા દિવસથી બહાર એમ જ પડી છે." છોકરીએ તુરંત જ જવાબ આપ્યો, " હા પપ્પા મને ખબર છે. "


પિતાએ દિકરીને કહ્યુ, " બેટા, આ જીઇબી વાળા લોખંડને એમ જ મુકીને જતા રહ્યા છે એના પર જો ખરોચ પડે તો ? " દિકરીએ હસતા હસતા કહ્યુ, " અરે પપ્પા, લોખંડ પર ખરોચ પડે તો એનાથી એના મૂલ્યમાં કોઇ મોટો ફેરફાર ન થઇ જાય." પિતાએ કહ્યુ, " બેટા, કોઇ ઝવેરી પાસે અત્યંત કિમતી હીરો હોય તો એ હીરાને આ લોખંડની જેમ રેઢો મુકી શકાય ? " છોકરીએ ના પાડી એટલે પિતાએ એમ ન કરવાનું કારણ પુછ્યુ.

દિકરીએ જવાબ આપતા કહ્યુ, " પપ્પા, હિરાના મૂલ્યને ધ્યાનમાં લઇને એની સલામતીની બધી જ વ્યવસ્થા કરવી જોઇએ. જો હીરામાં નાની ખરોચ આવે તો પણ એના મૂલ્યમાં બહુ મોટો ઘટાડો થાય. માટે લોખંડને રેઢુ મુકો એમ હીરાને રેઢો ન મુકી શકાય."

પિતાએ દિકરીને વહાલ કરતા કહ્યુ, " બેટા, તું મારો કિંમતી હીરો છે. તારા પર જરા સરખી પણ ખરોચ આવે તો તારુ અને આપણા પરિવારનું મૂલ્ય ઘટી જાય. બેટા હીરાની સલામતીની પુરી વ્યવસ્થા કરવાની હોય તો મારે મારા હીરાની સલામતીનો વિચાર નહી કરવાનો ? તારો ભાઇ લોખંડ છે એવું નથી પણ સમાજ દિકરી તરીકે તને તો હીરો જ સમજે છે.

મિત્રો, દિકરી એના બાપ અને પરિવાર માટે હીરા સમાન હોય છે અને એટલે જ બાપ અને પરિવાર દિકરીની સલામતીનો થોડો વધુ વિચાર કરે છે. સ્ત્રીસ્વાતંત્ર્ય બિલકૂલ ન છીનવાવુ જોઇએ પરંતું સ્વતંત્રતા , સ્વચ્છંદતા ન બની જાય એ જોવુ જોઇએ.
 
Top