જનાર્દન સ્વામીના ઘણા શિષ્યો પૈકીના એક સંત એકનાથ હતા. ગુરુજીએ દરેક શિષ્યોને કંઇકને કંઇક જવાબદારી સોંપી હતી. સંત એકનાથને હિસાબ-કિતાબનું કામ સોંપવામાં આવેલુ. ગુરુ આદેશથી મળેલી સેવા સંત એકનાથ દિલ લગાવીને કરતા હતા.

એકદિવસ સાંજે સંત એકનાથ હિસાબ કરવા બેઠા પણ હિસાબમાં એક પાઇની ભૂલ આવતી હતી. ખુબ પ્રયાસ કરવા છતા પણ ભૂલ મળતી નહોતી. જમવાનો સમય થયો તો એકનાથજી જમવા માટે પણ ન ગયા. ભૂલ શોધવામાં સવાર પડવા આવી પણ ભૂલ મળતી નહોતી.

વહેલી સવારે ગુરુ જનાર્દન સ્વામીની આંખો ખુલી તો એમણે જોયુ કે બાજુના ઓરડામાં દિવો બળે છે. આટલી વહેલી સવારે કોણે દીવો કર્યો હશે એ જોવા માટે જનાર્દન સ્વામી બાજુના ઓરડામાં ગયા. સંત એકનાથ એકચિતે હિસાબ મેળવી રહ્યા હતા. ગુરુજી ઉભા છે એની એને જાણ પણ નહોતી. જનાર્દન સ્વામી સમજી ગયા કે એકનાથ હિસાબમાં કંઇક ગોટે ચડ્યા છે અને આજે આખી રાત આ હિસાબમેળમાં જ કાઢી છે.


સંત એકનાથને બરાબર એ જ સમયે ભૂલ મળી ગઇ અને એ નાચી ઉઠ્યા. ચોપડો અને કલમ નીચે મુકીને એ નાચવા લાગ્યા. તાળી વગાડતા જાય અને નાચતા જાય. જનાર્દન સ્વામીએ અતિ આનંદનું કારણ પુછ્યુ એટલે એકનાથજીએ કહ્યુ, " ગુરુદેવ આજે હિસાબમાં એક પાઇની ભૂલ આવતી હતી તે ભૂલ શોધવા માટે સાંજનો બેઠો છું ખુબ મહેનત કરી ત્યારે અત્યારે ભૂલ મળી એટલે ખુબ આનંદ થયો."

જનાર્દન સ્વામીએ કહ્યુ, " તને ખાલી એક પાઇની ભૂલ મળી તો પણ કેટલો આનંદ થયો. બસ આવી જ રીતે માણસ પણ એમના જીવનમાં થતી ભૂલોને શોધીને સુધારી શકે તો એને કેવો આનંદ મળે ? "

મિત્રો, ભૂલોને શોધીને સુધારવાનો આનંદ પણ લેવા જેવો છે.
 
Top