એક નાનો એવો પરિવાર હતો. પતિ,પત્નિ અને એક નાનો દિકરો. રાતના સમયે ભાઇ પોતાના આવક જાવકના હિસાબો કરવામાં વ્યસ્ત હતા અને બહેન દિકરાની બાજુમાં બેસીને હોમવર્ક કરાવી રહ્યા હતા.

દિકરાની લખવાની ઝડપ જરા ધીમી હતી આથી હોમવર્ક કરાવી રહેલી મમ્મી છોકરા પર ગુસ્સો ઠાલવતી હતી. ગુસ્સાનું કારણ દિકરો લખવામાં ઢીલો છે એ નહી પણ પોતાની મનપસંદ સિરીયલ જોવાનો ટાઇમ થવા આવ્યો છે અને હજુ હોમવર્ક પુરુ નથી થયુ એ હતું.

બહેનનો ગુસ્સો થોડો વધ્યો અને હવે પોતાના પતિ પર તાડુક્યા , " તમે પણ આ છોકરાનું કંઇ ધ્યાન રાખતા નથી. આ છોકરો જેટલો મારો છે એટલો જ તમારો પણ છે તમારી પણ ફરજ છે કે તમે એની પાસે બેસો અને હોમવર્ક કરાવવામાં મદદ કરો." પત્નિને ઉંચા અવાજે બોલતા જોઇને પતિએ એને કહ્યુ , " જરા ધીમે બોલ , દિવાલને પણ કાન હોય છે."

વાત સાંભળી રહેલા દિકરાએ કહ્યુ , " પપ્પા તમે કહેવત ખોટી રીતે બોલ્યા. દિવાલને પણ કાન હોય છે એમ નહી પરંતું કાનને પણ દિવાલ હોય છે એમ બોલો." પિતાએ પુત્રને સમજાવતા કહ્યુ , " ના બેટા , હું કહેવત બરાબર જ બોલ્યો છું દિવાલને કાન હોય, કદી કાનને તે દિવાલ હોતી હશે ? "

દિકરાએ વેદના સાથે કહ્યુ , " પપ્પા જો કાનને દિવાલ ન હોય તો મમ્મીની વાત તમને , તમારી વાત મમ્મીને અને મારી વાત તમને બંને ને સંભળાતી કેમ નથી ?"

મિત્રો , હવે આપના ઘરની દિવાલો તો કાન વગરની થઇ ગઇ છે કારણકે પાડોશીને આપણી વાતમાં કોઇ રસ નથી પણ દુ:ખની વાત એ છે કે કાનને દિવાલો થઇ ગઇ છે અને એટલે જ એકબીજાને કહેવાતી વાતો એકબીજા સુધી પહોંચતી જ નથી.
 
Top