એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને
બાળકને કહ્યુ, " બેટા, મને તારી નોટબુક અને  પેન જોઇએ છે." છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, " બેટા, આજે મારે ત્યાં  બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી પારંપરિક માન્યતાઓ પ્રમાણે આજે વિધાતા બાળકના લેખ લખવા માટે આવશે અને એ માટે વિધાતાને કાગળ અને કલમની જરૂર પડે. છોકરાને સમજાય ગયુ કે ભગવાન પહેલેથી જ દરેક માણસનું ભવિષ્ય લખી નાંખે છે. એકદિવસ આ બાળકને સપનું આવ્યુ અને સપનામાં એ ભગવાન પાસે પહોંચી ગયો. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આપ ખરેખર દરેક માણસનું ભવિષ્ય પહેલેથી જ લખી રાખો છો ? " ભગવાને હસતા હસતા કહ્યુ, " બેટા, તે જે સાંભળ્યુ છે એ સાચુ જ છે. હું માણસના જન્મના છઠ્ઠા દિવસે જ એનુંભવિષ્ય લખી નાંખું છું." બાળકે ભગવાનને કહ્યુ, " પ્રભુ, મારે એ ભવિષ્યવાણીનો ચોપડો જોવો છે જેમાં તમે દરેક બાળકનું ભવિષ્ય લખો છો."ભગવાન બાળકને એક બહુ જ મોટા હોલમાંલઇ ગયા જ્યાં અનેક ચોપડાઓ હતા. ભગવાને કહ્યુ, " આ બધા જ ચોપડા ધરતી પરના માણસના ભવિષ્યના ચોપડાઓ છે તારે જે જોવો હોય એ લઇને તું જોઇ શકે છે." બાળકે એક ચોપડો ઉપાડ્યો. ચોપડામાં જુદા-જુદા માણસના નામ લખેલા હતા પરંતું નામ પછી આખુ પાનું કોરુ જ હતું.  બાળકે બીજો ચોપડો ઉપાડ્યો તો એમાં પણ એમ જ હતું. દરેક પાના પર માણસનું નામ  લખેલુ પણ ભવિષ્ય સાવ કોરું. બાળકે ભગવાનને પુછ્યુ, " પ્રભુ, આ ચોપડાઓમાં તો આપે કોઇનું ભવિષ્ય લખેલું જ નથી, પાનાઓ સાવ કોરા છે. " ભગવાને બાળકના માથે હાથ ફેરવતા ફેરવતા કહ્યુ, " બેટા, હું છઠ્ઠના દિવસે ભવિષ્યના ચોપડામાં વાંચી ન શકાય  એવી શાહીથી માત્ર એક જ શબ્દ લખુ છું તથાસ્તુ' બાકીના કોરા પાનામાં શું લખવું છે એ દરેક માણસે પોતે જ નક્કી કરી લેવાનું. હું તો માત્ર એ જે લખશે એ જ એનું ભવિષ્ય બનશે એવા આશીર્વાદ જ આપુ છું." મિત્રો, ભગવાનના આશીર્વાદ તો જન્મના છઠ્ઠા દિવસથી જ આપણી સાથે છે આપણે શું જોઇએ છે એ આપણે જ નક્કી કરવાનું છે.
 
Top