એક દિવસ મહારાજ વિક્રમાદિત્ય પોતાના સૈનિકો અને મંત્રી સાથે શિકાર માટે ગયા. શિકારની શોધમાં તમામ એકબીજાથી વિખૂટા પડી ગયા. ત્યારે જંગલમાં એક ઝાડની છાયામાં બેઠેલા અંધ સાધુને વિક્રમાદિત્યે પૂછ્યું, ‘સાધુ મહારાજ ! શું અહીંથી હાલમાં કોઈ માણસ પસાર થયો છે ?’ પેલો સંઘ સાધુએ જવાબ આપ્યો, ‘મહારાજ, સૌપ્રથમ તો અહીંથી તમારો સેવક નીકળ્યો હતો, ત્યાર બાદ તમારો સેનાનાયક અને બાદમાં તમારા મંત્રી હમણાં જ અહીંથી ગયા. અંધ સાધુના જવાબથી વિક્રમાદિત્યે આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, ‘મહારાજ, આપ તો અંધ છો, છતાં તમે એ લોકોને કેવી રીતે કહી શકો કે, પહેલાં મારો સેવક, ત્યાર બાદ નાયક, મંત્રી અને હમણાં જ પસાર થયા છે, અને હું તેમનો રાજા છું ? પેલા સાધુએ કહ્યું, ‘મહારાજ, મેં એ ત્રણેયની વાણી અને તમારી વાણી સાંભળી, સૌ પ્રથમ તમારા સેવકે આવી મને પૂછ્યું, એય આંધળા, અહીંથી કોઈ પસાર થયું છે ખરું ? થોડા સમય બાદ તમારા નાયકે આવી પૂછ્યું, સુરદાસ, અહીંથી કોઈ નીકળ્યું છે ? તેની પાછળ જ આવેલા તમારા મંત્રીએ પૂછ્યું, સુરદાસજી, અહીંથી કોઈ નીકળ્યું છે ખરું ? અને અંતમાં તમે સ્વયં આવીને કહ્યું, ‘સાધુ મહારાજ, અહીંથી હમણાં કોઈ મુસાફર પસાર થયો છે ? મહારાજ, વ્યક્તિની વાણી જ તેના સંસ્કાર, પદ અને પ્રતિષ્ઠાની ઓળખ આપી દેતી હોય છે.’
 
Top